Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

લીંબુડી વાડી રોડ પરની ઘટનાઃ વૃધ્ધાના ગળામાંથી ચેઇન ખેંચવા માટે ઝપાઝપીઃ બૂમાબૂમ થતાં બે કૂતરા મદદે આવ્યાઃ ચિલઝડપકાર ભાગ્યો

ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલઃ દરરોજ વૃધ્ધા કૂતરાઓને બિસ્કીટ ખવડાવતાં હોઇ બે કૂતરા ભસવા માંડ્યાઃ ચેઇન તૂટીને પડી ગયો

રાજકોટઃ શહેરના રૈયા રોડ પર લીંબુડી વાડી મેઇન રોડ પર સવારે સાડા સાતેક વાગ્યે ચિલઝડપના પ્રયાસની એક ઘટના બની હતી. શ્વાન અને માનવીની દોસ્તીની વાત ખુબ જાણીતી છે. શ્વાન વફાદાર પ્રાણી તરીકે પણ ઓળખાય છે. આજે બનેલી ઘટનામાં મહિલાનો ચેઇન કદાચ બે શ્વાનને કારણે બચી ગયો હતો. ચિલઝડપની ઘટનાના આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે. એક મહિલા સવારે પગપાળા જતાં હોય છે ત્યારે કાળા પેન્ટ શર્ટ પહેરેલો શખ્સ તેની પાસે આવે છે અને ગળામાંથી સોનાનો ચેઇન ખેંચી લેવા ઝપાઝપી કરવા માંડે છે. વૃધ્ધા બૂમાબૂમ કરી મુકે છે એ વખતે જ બે કૂતરા દોડી આવી છે અને ચેઇન ખેંચનારા સામે ભસવા માંડે છે. આ કારણે હેબતાઇ જઇ ગભરાઇ જઇ એ ચિલઝડપકાર ભાગવા માંડે છે. તેના હાથમાં ચેઇન તો આવી જાય છે પણ તૂટીને નીચે પડી જાય છે. એ શખ્સ થોડે આગળ દોટ મુકે છે અને પોતાના ટુવ્હીલર પર બેસીને ભાગી જાય છે. વૃધ્ધા તેની પાછળ દોડતાં હોય છે ત્યારે કૂતરા પણ તેની સાથે હોય છે. આ દ્રશ્યનો વિડીયો વાયરલ થયો છે. ચિલઝડપના પ્રયાસની પોલીસને જાણ થતાં ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે. તસ્વીરમાં વૃધ્ધા સાથે ઝપાઝપી કરી રહેલો ચિલઝડપકાર, દેકારો સાંભળી દોડી આવેલા બે કૂતરા તથા ભાગેલો ચિલઝડપકાર તેના વાહન પાસે પહોંચે છે એ દ્રશ્ય અને વૃધ્ધા પાછળ દોડે છે ત્યારે તેની સાથે કૂતરો પણ જોઇ શકાય છે. વૃધ્ધા મંદિરે દર્શને આવે ત્યારે દરરોજ આ કૂતરાઓને બિસ્કીટ ખવડાવતાં હોઇ કૂતરાઓએ આજે જાણે તેમનું ઋણ ચુકવી દીધું હતું. બૂમાબૂમ સાંભળીને કૂતરાઓ દોડી આવ્યા હતાં. પણ બીજા કોઇ માનવી મદદ માટે આવ્યા નહોતાં.

(3:21 pm IST)