Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જુનાગઢ એગ્રો ડેવલપર્સના નામે પૈસા પડાવી ઠગાઇ કરવા અંગે આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ર૪: જુનાગઢ એગ્રો ડેવલપર્સના નામે પૈસા પડાવી જનાર આરોપીને જામીન મુકત કરવા કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, સાલ ર૦૧૧માં ફરીયાદી સંદીપભાઇ પ્રહલાદભાઇ ખરચરીયાએ ગાંધીગ્રામ પો. સ્ટે. રાજકોટમાં પોતાની ફરિયાદ નોંધાવેલ કે, આરોપી રાજેન્દ્રભાઇ વાંક તથા અન્ય એક આરોપીએ તેમને વિશ્વાસ આપેલ કે, પોતે જુનાગઢ એગ્રો ડેવલપર્સ આધારીત વાહન ભાડા કરારનો કોન્ટ્રાકટ ધરાવે છે, ત્યારે વાહન ભાડે ચલાવવા મુકવા હોય તો ભાડુ સારૃં મળશે તેમ જણાવી ફરિયાદીએ પોતે અલગ અલગ પ (પાંચ) હોન્ડા મોટર સાઇકલ આરોપીને ભાડે દેવા માટે આપેલ હોય અને ત્યારબાદ આ કામના આરોપીઓએ બારોબાર વેંચાણ કરાવી નાખી અથવા છુપાવી રાખી ફરિયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ હોય અને તે ફરિયાદ અનુસંધાને ગાંધીગ્રામ પો. સ્ટે. રાજકોટ દ્વારા આ કામના આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦ વિગેરે મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ.

ત્યારબાદ એક આરોપીની ધરપકડ કરેલ અને અન્ય આરોપી રાજેન્દ્રભાઇ વાંક નાસતા ફરતા હોય અને પોલીસ દ્વારા તેમનો ગુન્હો નોંધીયાના આશરે ૧૦ વર્ષ બાદ ધરપકડ કરવામાં આવેલી અને તેમણે રાજકોટ એડી. ચીફ જયુડી. કોર્ટ સમક્ષ રજુ કરેલ અને તેમના ર દિવસના રીમાન્ડ માંગેલ અને ત્યારબાદ આ કામના અરજદાર/આરોપીના એડવોકેટની દલીલોને ગ્રાહય રાખી તથા સરકારી વકીલશ્રીની દલીલો સાંભળીને રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. દ્વારા આરોપી રાજેન્દ્રભાઇ વાંકના રીમાન્ડ નામંજુર કરવાનો હુકમ કરેલ અને આરોપીને શરતો આધીન રૂ. ૧પ૦૦૦/-ના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામના અરજદાર આરોપીના એડવોકેટ તરીકે રાજકોટના એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી તથા વૈભવ બી. કુંડલીયા રોકાયેલ હતા.

(3:12 pm IST)