Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

યાજ્ઞિક રોડની કરૂર વૈશ્ય બેંક સાથે રૂ.૧૩.૬ કરોડની ઠગાઇમાં બેંક ઓફિસરની ધરપકડ

સીસી લોન મેળવી નિયમ મુજબ ઇમ્પોર્ટ બીલનું પેમેન્ટ કર્યા વગર મુંબઇના ગોડાઉનમાંથી માલ બારોબાર છોડાવી લેવાયો હતોઃ ઓસ્ટ્રેલિયાની બેંકે ગ્રીન ફાર્મ પેઢીએ પેમેન્ટ કર્યા વગર માલ છોડાવી લીધાની જાણ કરતાં કૌભાંડની ખબર પડી હતીઃ ગ્રીન ફાર્મ એગ્રી એક્ષપોર્ટ પેઢીના ભાગીદારો દિનેશ તન્ના, દિપ તન્ના અને જામીન પડેલા રીટા તન્ના, પૂજા તન્ના, મહેશ તન્ના તથા બેંક ઓફિસર સામે એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો હતોઃ ઓફિસર અમદાવાદના પ્રતિક નગીનદાસ વૈશ્ય (ઉ.૩૦)ની ધરપકડ

રાજકોટ તા. ૨૪: ડો. યાજ્ઞિક રોડ પર જીમખાના કલબ કોમ્પલેક્ષમાં આવેલી કરૂર વૈશ્ય બેંક સાથે રાજકોટની ગ્રીનફાર્મ એગ્રી  એક્ષપોર્ટ પેઢીના ભાગીદાર લોહાણા પરિવારના પાંચ સભ્યો અને આ બેંકના જ એક ઓફિસરે સીસી લોન મેળવી રૂ. ૧૩ કરોડ ૬ લાખની ઠગાઇ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. બે માસ પહેલાના આ ગુનામાં એ-ડિવીઝન પોલીસે બેંકના ઓફિસર અમદાવાદ રહેતાં પ્રતિક નગીનદાસ વૈશ્ય (ઉ.૩૦-રહે. સેટેલાઇટ રોડ, ઉમિયા વિજય બસ સ્ટોપ પાસે બીમાનગર સોસાયટી)ની ધરપકડ કરી છે.

 

 પોલીસે મુળ ઓરિસ્સાના અને હાલ સોૈરભ રેસિડેન્સી ત્રીજા માળે ફલેટ નં. ૩૦૨માં રહેતાં અને યાજ્ઞિક રોડ પર આવેલી કરૂર વૈશ્ય બેંકમાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતાં સંજીવકુમાર ગોૈરહરિ જેના (ઉ.૪૧)ની ફરિયાદ પરથી રાજકોટ અમીન માર્ગ પર ૧૦૪-સ્ટાર વિન્ટેજ એપાર્ટમેન્ટ બંસી પાર્કમાં રહેતાં અને ગ્રીનફાર્મ એગ્રી એક્ષપોર્ટ નામથી ચાલતી પેઢીના ભાગીદાર દિનેશ જયંતિલાલ તન્ના, બીજા ભાગીદાર પેન્ટાગોન, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે રહેતાં દિપ મહેશભાઇ તન્ના, તથા આ બંનેના સિકયુરીટી જામીન બનેલા રીટાબેન દિનેશ તન્ના, પુજાબેન મહેશ તન્ના, અને મહેશભાઇ જયંતિભાઇ તન્ના તથા બેંકના ઓફિસર પ્રતિક નગીનદાસ વૈશ્ય સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૦૯, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો હતો.

સંજીવકુમારે એફઆઇઆરમાં જણાવ્યું હતું કે ગ્રીન ફાર્મ એક્ષપોર્ટ પેઢીનું જુનુ એકાઉન્ટ ૨૦૧૨થી અમારી બેંકમાં છે. જેમાં એક સીસી એકાઉન્ટ અને એક કરન્ટ એકાઉન્ટ છે. બે ભાગીદારમાં  દિનેશ તન્ના અને દિપ તન્ના છે. આ પેઢી અનાજ કઠોળ અને ખેત પેદાશનું ખરીદ-વેંચાણ તથા ઇમ્પોર્ટ-એકસપોર્ટનું કામ કરે છે. આ પેઢીને ધંધાકીય જરૂરિયાત હોઇ માલ સ્ટોક પર લોનની જરૂરિયાત ઉભી થતાં અમારા બેંકના તથા આરબીઆઇ બેંકના રૂલ્સ-નિયમો મુજબ અમારી બેંકને આ ભાગીદારોએ ૭ કરોડ ૮ લાખની સીસી (લોન) માટે અરજી આપી હતી. તેમજ સીઇએલની લિમીટ રૂ. ૬૮.૭૫ લાખની માંગી હતી. આ લોનની અરજી સાથે જરૂરી દસ્તાવેજો રજુ થયા હોઇ અને જામીન તરીકે રીટાબેન દિનેશ તન્ના, પુજાબેન મહેશ તન્ના તથા મહેશભાઇ તન્ના જોડાયા હતાં.

સીસી લોનમાં સિકયુરીટી પેટે મોર્ગેજ તરીકે દિનેશભાઇની સાત પ્રોપર્ટી દર્શાવાઇ હતી. (જેમાં એક પ્રોપર્ટી દિનેશભાઇ અને તેના પત્નિની સંયુકત છે તે) જેમાં રહેણાંક ફલેટ, પ્લોટ વિગેરે છે. તેમજ પુજાબેનની એક પ્રોપર્ટી અને રીટાબેનનની એક પ્રોપર્ટી મળી કુલ નવ પ્રોપર્ટી મોર્ગેજ કરી આપી હતી. અમારી બેંકના વેલ્યુઅર સુરેશ મિસ્ત્રી તથા કિશોર માવદીયા છે. તેણે વેલ્યુ કાઢી આપી અસલ ફાઇલ અમને આપી હતી. લોન ઓફિસરે ફાઇલ તપાસી અમોને આપતાં અમે હેડ ઓફિસમાં દરખાસ્ત કરી હતી. બાદમાં આ પેઢીના રૂ. ૭ કરોડ ૬૦ લાખની સીસી લોન ડિસેમ્બર ૨૦૧૬માં મંજુર થઇ હતી.

લોન લીધા બાદ બેંકનો નિયમ એવો છે કે તેઓ ઇમ્પોર્ટ બીલથી માલ મંગાવે કે ખરીદે તો ઇમ્પોર્ટ બીલ તેઓના સપ્લાયર તેમની બેંક મારફતે અમારી બેંકમાં મોકલાવે. આ ઇમ્પોર્ટ બીલની રકમ પેઢી દ્વારા અમારી બેંકમાં ચુકવણી કર્યા બાદ જ અસલ બીલ તેઓને અપાય છે. આ બીલને આધારે જ પેઢી ઇમ્પોર્ટ કરેલો માલ છોડાવી શકે છે. જાન્યુઆરી-૧૭ થી સપ્ટેમ્બર-૧૭ સુધી આ પાર્ટી દ્વારા ૧૪ ઇમ્પોર્ટ બીલ બેંકમાં સ્વીકારાયા હતાં. તેનું ભરણું કરી પેઢી માલ છોડાવી જતી હતી. તમામ ઇમ્પોર્ટ બીલ પોતાની કસ્ટડીમાં લેવા અને પેઢી દ્વારા ભરણું થયે આ ઇમ્પોર્ટ બીલ માલ છોડાવા અંગે પેઢીને પરત આપવાની તમામ કાર્યવાહી બેંકના કર્મચારી પ્રતિક નગીનદાસ વૈશ્ય (રહે. ગોપાલનગર-૧૦-રાજકોટ, મુળ ૭૧૬-બીમાનગર, ઉમીયા વિજય બસ સ્ટોપ સેટેલાઇટ રોડ અમદાવાદ) હસ્તક થતી હતી. તમામ ઇમ્પોર્ટ બીલ પ્રતિકની કસ્ટડીમાં રહેતાં હતાં.

દરમિયાન ઓસ્ટ્રેલિયાની બેંકે અમારી હેડ ઓફિસને ઇ-મેઇલથી જણાવાયેલ કે ગ્રીન ફાર્મ પાર્ટીનું પેમેન્ટ થયેલ નથી પરંતુ તેઓ માલ છોડાવી ગયા છે. જેથી અમારી હેડ ઓફિસથી અમોને જાણ થતથાં અમે બેંક કર્મચારી મહેશ સોલંકીને મુંબઇ તપાસ માટે મોકલ્યા હતાં. જ્યાં મેસર્સ વિધી લોજીસ્ટીકના ગોડાઉન જે રૂબી કમ્પાઉન્ડ મુંબરા રોડ ખાતે છે ત્યાં તપાસ કરતાં ગોડાઉન ખાલી જોવા મળ્યું હતું. આ પેઢીનો કોઇ જ સ્ટોક ત્યાં હતો નહિ. જેનો રિપોર્ટ મહેશભાઇએ મને આપ્યો હતો.

ચીફ મેનેજર સંજીવકુમારે ફરિયાદમાં આગળ જણાવ્યું હતું કે બાદમાં અમે ગ્રીન ફાર્મ પેઢીના ભાગીદારો દિનેશ તન્ના અને દિપ તન્ના તથા જામીનો કે જે બધા એક જ કુટુંબના છે તેની સામે તથા આ બધાને કૌભાંડમાં મદદ કરનાર પ્રતિક વૈશ્ય સામે પોલીસને ફરિયાદ કરી હતી. પ્રતિક વૈશ્યએ પેઢીના ભાગીદારો સહિતની સાથે મિલાપીપણું કરી બેંકમાંથી ઇમ્પોર્ટ બીલ પેમેન્ટ કર્યા વગર મેળવી બારોબાર માલ ઉપાડી લઇ ગેરકાયદેસર રીતે વેરા નાંખી કુલ રૂ. ૫ કરોડ ૪૬ લાખના બીલ તથા સીસી એકાઉન્ટનો હાઇપોથીકેરેડ સ્ટોક રૂ. ૭ કરોડ ૬૦ લાખનો મળી કુલ રૂ. ૧૩ કરોડ ૬ લાખનો માલ બારોબાર વેંચી પૂર્વયોજીત કાવત્રુ રચી બેંકને ખોટા વચન-વિશ્વાસ આપી ઠગાઇ કરી હતી. 

પી.આઇ. વી.એન. યાદવ, રણજીતસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, રામગરભાઇ ગોસાઇ, દિપકભાઇ, ગજેન્દ્રસિંહ સહિતે પ્રતિક વૈશ્યની ધરપકડની કાર્યવાહી કરી છે. આ ગુનામાં અગાઉ રીટા દિનેશ તન્ના, મહેશ જયંતિલાલ તન્ના, પૂજાબેન મહેશભાઇ તન્ના (રહે. બધા રાજકોટ)ની ધરપકડ થઇ ચુકી છે. પ્રતિકે બીલમાં સિક્કા લગાવી દીધા હતાં અને તેના આધારે દિપ તન્નાએ મુંબઇથી માલ છોડાવી લીધો હતો.

પ્રતિક ૨૦૧૧માં બેંકમાં કલાર્ક તરીકે ભરતી થયેલ. એ પછી પ્રમોશન મળતાં સુરત ફરજ બજાવી હતી. ત્યાંથી ગાંધીધામ અને બાદમાં રાજકોટ બેકમાંમાં આસી. મેનેજર તરીકે મુકવામાં આવ્યો હતો. દિપ સાથે તેને ઓળખાણ થતાં કૌભાંડમાં ભાગ ભજવ્યો હતો. પોતે માત્ર મિત્ર હોવાને નાતે દિપના બીલોમાં સહી સિક્કા કરી દીધા હતાં. દિપ હજુ હાથમાં આવ્યો નથી. (૧૪.૧૦)

(3:43 pm IST)