Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

૨૬મી જાન્યુઆરી અંતર્ગત રાજકોટ પોલીસ સહિત રાજ્યભરની પોલીસે કર્યુ નાઇટ કોમ્બીંગ

રાજકોટ તા. ૨૪: આગામી ૨૬મી જાન્યુઆરી અંતર્ગત રાજ્યભરની પોલીસને નાઇટ કોમ્બીંગ કરવા માટે મળેલી સુચના અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા ગત રાત્રે કોમ્બીંગ કરવામાં આવ્યું હતું. ઠેર-ઠેર પોલીસે અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા શખ્સોને તપાસ્યા હતાં. જેમાં ત્રણ હદપાર શખ્સો પણ ઝપટે ચડ્યા હતાં.

૨૬મી જાન્યુઆરીના પર્વ પર કોઇ દહેશત ન ફેલાય અને કોઇ તોફાની તત્વો છમકલા ન કરી જાય તે અંતર્ગત રાજ્યભરમાં નાઇટ કોમ્બીંગ કરવા મળેલા આદેશને પગલે ગત રાત્રે શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટ તથા ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલાની રાહબરી તેમજ ચાર એસીપીના માર્ગદર્શન હેઠળ તમામ બ્રાંચ, પોલીસ મથકોના પી.આઇ. અને ડી. સ્ટાફની ટીમોએ રાતભર કોમ્બીંગ કર્યુ હતું. તેમજ જુદી-જુદી ચેકપોસ્ટ પર વાહનોના ચેકીંગ કર્યા હતાં તેમજ શકમંદોને તપાસ્યા હતાં.

બીજી તરફ ગત રાત્રે પદ્માવત ફિલ્મના વિરોધમાં અમદાવાદમાં તોફાની તત્વોએ ભારે હંગામો મચાવી મોલમાં તોડફોડ કરી વાહનો સળગાવતાં તેના પગલે અન્ય શહેરોમાં પણ તકેદારી રૂપે પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું હતું. જેસીપી ડી.એસ. ભટ્ટે જણાવ્યું હતું કે ગત રાત્રે ૨૬મી જાન્યુઆરી પર્વ અંતર્ગત કોમ્બીંગ કરાવાયું હતું.

(11:54 am IST)