Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

કાલે મતદાતા દિવસઃ ૨૪ BLO - ૮ શતાયુ અને દિવ્યાંગ મતદારોનું સન્માનઃ શ્રેષ્ઠ નાયબ મામલતદાર આજે ફાઇનલ થશે

મહિલા કોલેજ ખાતે સવારે ૧૧ વાગ્યાથી કાર્યક્રમઃ કલેકટર સમક્ષ ૮ નાયબ મામલતદારોના નામ મૂકાયા

રાજકોટ તા. ૨૪ : રાજકોટ સહિત ગુજરાત અને દેશભરમાં કાલે ચૂંટણી પંચ દ્વારા મતદાર રાજા એટલે કે મતદાતા દિનની શાનદાર ઉજવણી થશે.  રાજકોટ શહેર - જિલ્લામાં રાજકોટમાં મુખ્ય ઉપરાંત દરેક વિધાનસભા બેઠકમાં પણ કાર્યક્રમો યોજાયા છે.

રાજકોટમાં મુખ્ય કાર્યક્રમ કાલે સવારે ૧૧ વાગ્યે કલેકટરની અધ્યક્ષતામાં મહિલા કોલેજ ખાતે યોજાયો છે.

જેમાં વિધાનસભા બેઠક દીઠ ચાર એમ કુલ ૨૪ બૂથ લેવલ ઓફિસરોનું શ્રેષ્ઠ બીએલઓ તરીકે સર્ટીફીકેટ આપી સન્માન કરાશે, આ ઉપરાંત વિધાનસભા બેઠક દીઠ એક એમ કુલ ૮ સુપરવાઇઝરોનું પણ સન્માન થશે. જ્યારે જિલ્લામાંથી મતદાર યાદી - ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર એક નાયબ મામલતદારની પસંદગી આજે ફાઇનલ કરી તેમનું પણ કલેકટરના હસ્તે બહુમાન થશે.

સૂત્રોના ઉમેર્યા પ્રમાણે, કલેકટર સમક્ષ કુલ ૮ નાયબ મામલતદારોનું બેઠક વાઇઝ લીસ્ટ મુકાયું છે. કલેકટર આજે બપોર બાદ નામ ફાઇનલ કરશે, ૬૯-રાજકોટનો ઘોડો આગળ દોડી રહ્યો છે.

આ ઉપરાંત રાજકોટના ૪ શતાયુ મતદારો અને ૪ દિવ્યાંગ મતદારોનું પણ શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરાશે. આ સંદર્ભે દરેકને આમંત્રણ આપી દેવાયા છે.(૨૧.૧૮)

(11:50 am IST)