Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

રેલનગર આવાસ કવાર્ટરમાં ત્રીજા માળેથી પટકાતાં ૨૦ વર્ષની પ્રિયા સુરેલાનું મોત

પિતા લલિતભાઇએ કહ્યું-દિકરીની માનસિક બિમારીની દવા ચાલુ હતી

રાજકોટ તા. ૨૩: રેલનગર પેટ્રોલ પંપ પાસે સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ ડી-એ બ્લોક નં. ૩૨ ત્રીજા માળે રહેતી પ્રિયા લલિતભાઇ સુરેલા (ઉ.વ.૨૦) નામની યુવતિ ત્રીજા માળે બાલ્કનીમાંથી પટકાતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી સંજયભાઇ મારફત પોલીસ કન્ટ્રોલ રૂમમાં થતાં ઇન્ચાર્જ રાજુભાઇ મકવાણાએ પ્ર.નગરમાં જાણ કરતાં એએસઆઇ કનુભાઇ માલવીયા અને પરાક્રમસિંહે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. બનાવ રવિવારે સાંજે સવા પાંચેક વાગ્યે બન્યો હતો.

મૃત્યુ પામનાર પ્રિયા ત્રણ બહેનમાં વચેટ હતી. તેના પિતા લલિતભાઇ લક્ષમણભાઇ સુરેલા બાંધકામ સાઇટ પર મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે મારા પત્નિ મણીબેન ઘરમાં લસણ ફોલતા હતાં ત્યારે દિકરી પ્રિયા ગેલેરીમાં આટાફેરા કરવા ગઇ હતી.  એ પછી પડોશીએ દિકરી પડી ગયાની જાણ મારા ઘરવાળાને કરી હતી. લલિતભાઇએ વધુમાં કહ્યું હતું કે દિકરી પ્રિયાને માનસિક તકલીફ હતી અને તેની આ બિમારીની દવા પણ ચાલુ હતી. પોલીસના કહેવા મુજબ પ્રિયા અકસ્માતે પડી ગયાની શકયતા છે. આમ છતાં વિશેષ તપાસ યથાવત રાખવામાં આવી છે.

(12:49 pm IST)