Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

દિપાવલી પર્વમાં લૂંટ-ચોરીના બનાવો અટકાવવા માટે જીલ્લા પોલીસ દ્વારા ખાસ એકશન પ્લાન

'પથીક સોફટવેર' થકી જીલ્લાની ૮૫ હોટલ-રેસ્ટોરન્ટનું 'ઓનલાઈન' ચેકીંગ થઈ શકશે : જીલ્લાના બેંકના અધિકારીઓ, આંગડીયા પેઢી તથા વેપારીઓ સાથે રૂરલ પોલીસની બેઠકઃ લોકોને સતર્ક રહેવા અપીલ

રાજકોટ, તા. ૨૩ :. રાજકોટ જીલ્લામાં દિપાવલી પર્વ લોકો સુખ-શાંતિથી ઉજવી શકે તે માટે જીલ્લા પોલીસે ખાસ એકશનપ્લાન અમલમાં મુકેલ છે. તેમજ આ તહેવારોમાં લૂંટ-ચોરીના બનાવો ન બને તે માટે તકેદારીના પગલા લેવામાં આવ્યા છે.

એસ.પી. કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં રૂરલ એસપી બલરામ મીણાએ જણાવ્યુ હતું કે આગામી તા. ૨૫થી ૨૯ સુધી દિપાવલીના તહેવારો હોય આ તહેવારો લોકો સુખ-શાંતિથી માણી શકે તે માટે જીલ્લાના તમામ અધિકારીઓની બેઠક બોલાવી તકેદારીના પગલા લેવા તાકીદ કરવામાં આવી હતી. જીલ્લામાં ખાસ કરીને બેન્કના એટીએમની સુરક્ષા માટે બેન્કના અધિકારીઓ, આંગડીયા પેઢી, સોનીબજારના વેપારીઓ તેમજ અન્ય વેપારીઓ સાથે જે તે પોલીસ મથકના અધિકારીઓએ બેઠકો યોજી તકેદારીના પગલા લેવા અને સતર્ક રહેવા જાણ કરી હતી.

તેમજ દિપાવલી પર્વમાં લોકો બહાર ફરવા જાય ત્યારે ચોરી કે ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા માટે જરૂરી સૂચનાઓ સાથેના પેમ્પલેટનુ તમામ પોલીસ મથકોના વિસ્તારોમાં વિતરણ કરાયુ છે. તેમજ ચોરી કે લૂંટના બનાવો અટકાવવા માટે સિકયુરીટી એજન્સીના સંચાલકો સાથે પણ બેઠકો યોજી તકેદારી રાખવા જાણ કરાઈ હતી. આવા કોઈ બનાવો ધ્યાનમાં આવે તો જે તે સિકયુરીટી ગાર્ડએ જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા જાણ કરાઈ છે. તેમજ જિલ્લાના મુખ્ય શહેરો જસદણ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કયુઆરટીની ટીમો ખડેપગે રહેશે.  અમદાવાદ પોલીસના પથીક સોફટવેરમાં રાજકોટ જિલ્લાની ૮૫ હોટલો અને રેસ્ટોરન્ટોને જોડી દેવામાં આવી છે. આ તમામ હોટલો અને રેસ્ટોરન્ટોમાં જિલ્લા પોલીસ હવે ઓનલાઈન ચેકીંગ કરી શકશે. તેમજ રાજ્યના પોલીસ વડાની પ્રોહીબીશનની ડ્રાઈવ અનુસંધાને રાજકોટ જિલ્લામાં ૩૭૫ પ્રોહીબીશનના કેસ નોંધાયા હોવાનુ અંતમાં એસ.પી. બલરામ મીણાએ જણાવ્યુ હતું.

(4:00 pm IST)