Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

રંગીલા રાજકોટમાં કાલથી દિવાળી કાર્નીવલનો રંગારંગ પ્રારંભ

ધનતેરસે સતત પોણો કલાક સુધી આતશબાજીઃ તારા મંડળ, હવાઇ હુમલા, નાયગ્રા ધોધ સહીતના નવીનતમ ફટાકડાની મોજ માણશે બાળકોઃ મેયર બીનાબેન આચાર્ય : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી શનીવારે કાર્નીવલ નિહાળશેઃ આશિષ વાગડીયા : રેસકોર્ષ રીંગ રોડ પર આકર્ષક લાઇટીંગ-મ્યુઝીકલ શો તથા રંગોળી સ્પર્ધા-બાઇક શો, સેલ્ફી પોઇન્ટ, ગરીબ બાળકોને લાઇટીંગ બગીમાં મુસાફરીની મોજઃ ૪ લાખ લોકો કાર્નીવલ માણશેઃ ઉદય કાનગડ

પત્રકાર પરીષદમાં વિગતો રજુ કરી રહેલા મેયર બીનાબેન, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ તથા સમાજ કલ્યાણ સમીતી ચેરમેન આશીષ વાગડીયા, ડે. મેયર અશ્વીનભાઇ મોલીયા સહીતના પદાધિકારીઓ દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૨૩: શહેરમાં હવે દિવાળીનાં તહેવારોનો માહોલ જામતો જાય છે ત્યારે આવતીકાલથી એટલે કે તા.ર૪ થી ર૭ સુધી રંગીલા રાજકોટવાસીઓમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા ભવ્ય રંગારંગ દિવાળી કાર્નિવલનું આયોજન કરાયું છે.

આ અંગે આજે મ્યુ. કોર્પોરેશનમાં યોજાયેલ પત્રકાર પરીષદમાં મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આ કાર્નિવલ દરમિયાન ધનતેરસે સતત ૪પ મીનીટ સુધી ભવ્ય આતશબાજી યોજાશે. જેમાં હવાઇ હુમલા, નાયગ્રા ધોધ, તારામંડળ જેવા નવા ફટાકડાની મોજ  બાળકો માણી શકશે.

જયારે સ્ટેન્ડીગ કમીટી ચેરમેન ઉદય કાનગડે જણાવેલ કે સમય કાનિર્વલ દરમિયાન રેસકોર્ષ રીંગ રોડ રંગબેરંગી લાઇટીંગથી ઝળહળી ઉઠશે અને સાથે અદ્યતન સાઉન્ડ સીસ્ટમ, મ્યુઝીકલ શો, સુપર બાઇક-શો, બાળકોને લાઇટીગવાળી બગીઓનીમોજ સહીતના આકર્ષણોની મોજ અંદાજે ૪ લાખ લોકો માણી શકશે.

આ તકે સમગ્ર આયોજનનાં માર્ગદર્શક અને સમાજ કલ્યાણ સમીતીનાં ચેરમેન આશીષ વાગડીયાએ ઉમેર્યુ હતંુ.

આ તકે સમગ્ર આયોજનનાં માર્ગદર્શક અને સમાજ કલ્યાણ સમીતીનાં ચેરમેન આશીષ વાગડીયાએ ઉમેર્યુ હતું કે આગામી તા.ર૬ને શનીવારે રાજકોટનાં પનોતા પુત્ર અને રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ દિવાળી કાર્નીવલની ખાસ મુલાકાત લઇ અને સૌને પ્રોત્સાહીત કરશે.

રાજકોટની ઓળખ રંગીલું રાજકોટ તરીકેની છે. રાજકોટ શહેર તેની વૈવિધ્યપૂર્ણ ખાસિયતો માટે વિખ્યાત છે અને એમાંય ખાસ કરીને સામાજિક, ધાર્મિક  અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓની વાત આવે ત્યારે રાજકોટનો ઉલ્લેખ એક ઉત્સાહથી થનગનતા રંગીલા શહેર તરીકે કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત દીપાવલીના તહેવારોમાં નાગરિકોના ઉત્સાહમાં અસાધારણ વધારો કરવા દિવાળી કાર્નિવલનું ભવ્યાતિભવ્ય આયોજન કરી દીપોત્સવી પર્વને યાદગાર બનાવવામાં આવશે. જે અનુસંધાને તા. ૨૪ થી ૨૭ ઓકટોબર એટલે કે બારસથી દિવાળીના દિવસ સુધી રાજકોટની મધ્યમાં રેસકોર્સ સંકુલ અને રેસકોર્સ રિંગ રોડ ખાતે ચાર દિવસ માટે શાનદાર રંગબેરંગી રોશની, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, લાઈવ બેન્ડના મ્યુઝિકલ શો, મ્યુઝિક સાથે લાઈટીંગ, આકર્ષક સેલ્ફી પોઈન્ટ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે આકર્ષણો સાથેના અભૂતપૂર્વ દિવાળી કાર્નિવલ-૨૦૧૯નું આયોજન કરવામાં આવશે. અગાઉના વર્ષમાં મહાનગરપાલિકા દ્વારા યોજીત દિવાળી કાર્નિવલને મળેલી જબરદસ્ત સફળતાથી પ્રેરાઈને આ વખતે પણ દિવાળી પર્વની ઉજવણી યાદગાર બનાવવામાં આવશે, તેમ માન. મેયર બિનાબેન આચાર્યએ આજે જાહેરાત કરી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડિયા, લાઈટીંગ કમિટીના ચેરમેન મુકેશ રાદડિયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર, નાયબ કમિશનર એ.આર.સિંહ તથા સહાયક કમિશનર હર્ષદ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મેયરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પત્રકાર પરિષદમાં સૌનું સ્વાગત કરતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ જણાવ્યું હતું કે રંગીલું રાજકોટ ઉત્સવ પ્રેમી છે, દરેક ઉત્સવ ધામધૂમે ઉજવે છે, અમીર હોય કે ગરીબ દરેક નાગરિક ભેદભાવ ભૂલી, દરેક દુઃખ-દર્દ ભૂલીને તહેવારમાં રંગાઈ જાય છે. રાજકોટ મહાનગરપાલિકા પણ નાગરિકોની સાથે તેના એક સભ્ય તરીકે વખતોવખત સામેલ થાય છે. આ તહેવાર દરમ્યાન દિવાળી આતશબાજી અને કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્નિવલ ઓછામાં ઓછા ૩ થી ૪ લાખ લોકો નિહાળે છે, આ કાર્નિવલ દરમ્યાન પ્લાસ્ટિક પ્રતિબંધ પર વધારે ધ્યાન આપવામાં આવશે અને કાપડની થેલીઓનો ઉપયોગ કરવામાં આવશે. ઉદધાટનના દિવસે ગરીબ બાળકોને બગીમાં બેસાડી આખા રેસકોર્ષ રીંગ રોડ ફરતે વિનામુલ્યે ફેરવવામાં આવશે. તેમજ દિવાળીના આગલા દિવસે એટલે કે શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ દિવાળી કાર્નિવલની મુલાકાત લેશે. તમામ શહેરીજનો અને નાગરિકોને દિવાળીની શુભકામના પાઠવું છે.

મેયરશ્રીએ વિશેષ વિગતો આપતા જણાવ્યું  હતું કે, તારીખ ૨૪ થી ૨૭ ઓકટોબર દિવાળીના શુભ દિવસો દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દીપાવલી કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે, આપણે સૌ પ્રકાશના પર્વને આવકારીએ અને રાજકોટ શહેરમાં ઉજાસનું અજવાળું લાવીએ. રેસકોર્ષ રીંગ રોડ ફરતે ભવ્ય લાઈટીંગ શો અને ધમાકેદાર સાઉન્ડ સિસ્ટમ સાથે ખુબ મનોરંજન કરવામાં આવશે. ઉપરાંત ધનતેરસના દિવસે મોટા પાયે ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવેલ છે. આપણે સૌ દિવાળી તહેવાર દરમ્યાન આપણું ઘર શણગારીએ છીએ તેમજ રાજકોટ શહેર પણ આપણું ઘર જ છે, રેસકોર્ષ એક એવું સ્થળ છે જયાં શહેરીજનો તમામ પ્રસંગો ત્યાં આવીને ઉજવે છે, આ કાર્નિવલમાં ભવ્ય રંગોળીનું પણ સાથેસાથે આયોજન કરેલું છે અને તેની સાથે હેલ્દી ફૂડ ઝોનનું પણ આયોજન કરેલ છે. રાજકોટના જ કલાકારો દ્વારા દરરોજ ૩ કલાક અવનવા પ્રોગ્રામ આપવામાં આવશે. રાજકોટ શહેરે સમગ્ર વિશ્વમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું  છે. ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની આગેવાની હેઠળ દર બે-બે મહિને વિકાસના કામોનું ખાતમુર્હુત કે લોકાર્પણ હોય જ છે. આગામી ટૂંક સમયમાં રાજકોટમાં નવું ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું  થવાનું  છે. સમગ્ર રાજકોટના નાગરિકોને અપીલ છે કે આ કાર્નિવલ અને આતશબાજીને વધુમાં વધુ લોકો નિહાળો. સૌને દિવાળીની ખુબખુબ શુભકામના પાઠવું છુ.

આ દિવાળી કાર્નિવલ-૨૦૧૯ તા. ૨૪-ઓકટોબર ૨૦૧૯ના રોજ સાંજે ૬:૩૦ કલાકે બાલભવન પાસે, કિસાનપરા ચોક ખાતે રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી  અંજલિબેન રૂપાણીના હસ્તે શુભારંભ કરવામાં આવશે. જયારે ભવ્ય આતશબાજીના કાર્યક્રમનો  તા. ૨૫-૧૦-૨૦૧૯ના રોજ સાંજે ૭:૦૦ કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજકોટના  સાંસદ  મોહનભાઈ કુંડારિયાના  હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવશે.

આ ઉત્સવ અંતર્ગત તા. ૨૪ એટલે કે બારસથી નગરજનો માટે દિવાળી કાર્નિવલ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો જેવા કે તા.૨૪ના દિવસથી રેસકોર્ષ રીંગ રોડ ફરતે આકર્ષક, ભવ્ય અને રંગબેરંગી રોશનીનો ઝગમગાટ કરવામાં આવશે. જયારે તા. ૨૫ એટલે કે ધનતેરશના દિવસે, દર વર્ષની જેમ જ ભવ્ય આતશબાજીનો  કાર્યક્રમ યોજાશે. જેમાં અવનવી વેરાયટીના ફટાકડાની ભવ્ય આતશબાજી કરવામાં આવનાર છે. આતશબાજી દરમ્યાન ડી.જે.ના સૂરતાલ સાથેનું ધમાકેદાર મ્યુઝિક નાગરિકો માટે વિશેષ આકર્ષણ બની રહેશે.

દિવાળી કાર્નિવલ દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ પર કિસાનપરા ચોકમાં તથા બહુમાળી ભવન ચોકમાં સુપ્રસિદ્ઘ કલાકારો મ્યુઝીકલ શો રજુ કરવામાં આવશે અને સંગીત તથા શાનદાર અને ભવ્ય મ્યુઝીકલ રોશની સમગ્ર આયોજનને બેનમૂન બનાવશે.

રંગોળી સ્પર્ધા

જયારે તા.૨૪મીએ એટલે કે બારશના દિવસે રેસકોર્ષ રીંગ રોડ ફરતે રેસકોર્ષ મેદાન તરફના નેકલેશ આકારમાં વન-વે રોડમાં ચિત્રનગરી અને મિશન સ્માર્ટ સિટીના સહયોગથી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેમાં નાની-મોટી અવનવી ડિઝાઈનની કલાત્મક રંગોળીઓ નિહાળવાનો નાગરિકોને લ્હાવો પ્રાપ્ત થશે. રગોળી સ્પર્ધાના વિજેતાઓ, આશ્વાસનરૂપ સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને પુરસ્કાર ઉપરાંત દરેક સ્પર્ધકે સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવશે.

વિવિધ આકર્ષણો

આ ઉપરાંત રેસકોર્ષ રિંગ રોડ પર રેસકોર્સ મેદાનની અંદર જવા આવવા માટેના તમામ દરવાજા પાસે ફૂડ સ્ટોલ અને બાળકોની રાઈડ્સનો આનંદ પણ આ દિવસોમાં લોકો માણી શકશે. તેમજ સખી મંડળના બહેનો મારફત રંગોળીના કલર, દીવડા વગેરે વસ્તુનું વેંચાણ થાય તે માટે ખાસ ગ્રામ હટનું આયોજન પણ આ દિવસો દરમ્યાન કરવામાં આવનાર છે. બાળકો માટે ખાસ કાર્ટુન કેરેકટર જેવા કે, છોટા ભીમ, મીકી માઉસ, મોટું – પતલું તથા સ્પાઈડર મેન સહિતના આકર્ષણો પણ ઉભા કરાશે. દિવાળી કાર્નિવલ-૨૦૧૯ને વધુ આકર્ષક અને શાનદાર વાતાવરણ ઉભું કરાશે.

સમગ્ર રાજકોટના શહેરીજનોને અને યુવાધનને સહપરિવાર માણવાલાયક આ કાર્યક્રમમાં પધારવા મેયર  બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી  નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને દંડક  અજયભાઈ પરમાર, ઉપરાંત સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડિયા, લાઈટીંગ કમિટીના ચેરમેન મુકેશ રાદડિયા, તથા સમગ્ર આયોજનનું સંકલન કરી રહેલા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.

શુક્રવારે આતશબાજીમાં 'રાફેલ' વિમાનની થીમનું વિશેષ આકર્ષણ

રાજકોટ, તા., ર૩: રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તા. ૨૪ થી ૨૭ ઓકટોબર એટલે કે બારસથી દિવાળીના દિવસ સુધી રાજકોટની મધ્યમાં રેસકોર્સ સંકુલ અને રેસકોર્સ રિંગ રોડ ખાતે ચાર દિવસ માટે યોજાનાર  દિવાળી કાર્નિવલ-૨૦૧૯ દરમ્યાન ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ તા. ૨૫-૧૦-૨૦૧૯ના રોજ સાંજે ૭:૦૦ કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. જેમાં રાજકોટના માન. સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયર શ્રી બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે.

દિવાળી કાર્નિવલ-૨૦૧૯ અંતર્ગત તા. ૨૫ એટલે કે ધનતેરશના દિવસે, દર વર્ષની જેમ જ ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાશે. જેમાં અવનવી વેરાયટીના ફટાકડાની ભવ્ય આતશબાજી કરવામાં આવનાર છે. જેમાં આ વખતે યુદ્ઘ વિમાન રાફેલ ની થીમ આધારિત વિશેષ આતશબાજી વિશેષ આકર્ષણ બની રહેશે. આતશબાજી દરમ્યાન ડી.જે.ના સૂરતાલ સાથેનું ધમાકેદાર મ્યુઝિક નાગરિકોને ભરપુર મનોરજન પુરૂ પાડશે.  આ વખતે પણ આતશબાજીમાં નાઈગ્રા ફોલ, તથા અવનવી વેરાઈટીના ફટાકડાની આતશબાજીના સથવારે આકાશી રંગોળી જોવા મળશે.

(3:19 pm IST)