Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

દિવાળી પહેલા ફટાકડાને કારણે સર્જાઇ 'હોળી': એંસી ફુટ રોડ પર ધબધબાટીઃ ખૂનની ધમકીઓ

કાનો ટોળીયા અને પારસ જાપડાએ ફોડેલો ફટાકડો ચેતનની ચાની દુકાનની છાજલી પર પડતાં ડખ્ખોઃ ફટાકડા અહિ જ ફુટશે કહી હુમલોઃ સામે કાનાની પણ ચેતન વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૨૩: દિવાળીના તહેવારમાં કયારે કેટલો સમય ફટાકડા ફોડવા તેનું જાહેરનામુ બહાર પડી ગયું છે. જો કે દિવાળી પહેલા જ ફટાકડા ફોડવા મામલે હોળી સર્જાઇ હતી. ૮૦ ફુટ રોડ પર જાહેરમાં બે શખ્સોએ ફોડેલા ફટાકડામાંથી એક ઉડીને ચાની હોટેલની છાજલી પર જતાં મારામારી થઇ ગઇ હતી. ભરવાડ શખ્સોએ એક બીજા પર હુમલો કરી ખૂનની ધમકી આપી દેતાં પોલીસે સામ-સામા ગુના દાખલ કર્યા છે.

નવા થોરાળા રામનગર-૪માં રહેતો ચેતન લાખાભાઇ મકવાણા (ભરવાડ) (ઉ.૨૮) ૮૦ ફુટ રોડ પર સરવૈયા હોલ પાસે પોતાની ચાની હોટલે હતો ત્યારે રાતે સાડા બારેક વાગ્યે ત્યાં કાનો રાજુભાઇ ટોળીયા અને પારસ જાપડા ફટાકડા ફોડતાં હતાં. જેમાંથી એક ફટાકડો ચેતનની હોટેલની છાજલી પર પડતાં તેણે આ બંનેને થોડા દૂર જઇ ફટાકડા ફોડવાનું કહેતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી 'ફટાકડા તો અહિ જ ફૂટશે' તેમ કહી ડખ્ખો કર્યો હતો. ત્યાં કાનાના પિતા રાજુ હમીરભાઇ ટોળીયા આવી જતાં તેણે પણ કાના અને પારસ સાથે મળી ચેતનને ગાળો દીધી હતી. બાદમાં કાનાએ હાથમાં પહેરેલા કડાથી માથામાં ઘા મારી દીધો હતો અને રાજુએ ચા હલાવવાના ચમચાથી હુમલો કરી પારસે ઢીકા-પાટુ માર્યા હતાં. તેમજ ખૂનની ધમકી દીધી હતી.

સામા પક્ષે થોરાળા શાળા નં. ૨૯ પાસે રહેતાં કાનો રાજુભાઇ ટોળીયાએ પણ ચેતન મકવાણા સામે ફરિયાદ કરી છે. તેના કહેવા મુજબ પોતે તથા મિત્ર ફટાકડા ફોડતા હોઇ ચેતનની દૂકાનની છાજલી પર ફટાકડો જતાં તેણે ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી હવે ફટાકડા ફોડીશ તો જાનથી મારી નાંખીકશ તેવી ધમકી દીધી હતી. એએસઆઇ જે. કે. જાડેજા અને યુવરાજસિંહ રાણાએ બંને ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:23 pm IST)