Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

પત્‍નિએ કહ્યું કાર નહિ નીકળી શકે, પરંતુ એક કાર સામેથી આવી એટલે લાલજીભાઇએ પોતાની કાર હંકારી ને તણાઇ જતાં જીવ ગયો

લોધીકાના રાવકી પાસે કાર પુલના ડાયવર્ઝનમાંથી કાર તણાતાં રાજકોટના બેંકના નિવૃત ક્‍લાર્કનું મોતઃ તેમના પત્‍નિ સહિત બે મહિલાનો બચાવ : તણાયેલી કારના કાચ તોડી સરપંચ ઇન્‍દુભા સહિતના યુવાનોએ કુસુમબેન અને તેના સગા હંસાબેન રાંકને બચાવી લીધાઃ સીટ બેલ્‍ટને કારણે ફસાયેલા લાલજીભાઇ ઘેલાણી (ઉ.વ.૬૬) નીકળી ન શક્‍યાઃ દાંતરડાથી બેલ્‍ટ કાપી લાલજીભાઇને બહાર કાઢી હોસ્‍પિટલે ખસેડાયા પણ જીવ બચી શક્‍યો નહિ : કોઠા પીપળીયા ગામે કુસુમબેન અને પતિ લાલજીભાઇ વ્‍યવહારિક કામે ગયા હતાં: લોધીકાના હંસાબેનને રાજકોટ કામ હોઇ લિફટ લીધી'તી

પુલ પરથી નદીમાં ગરક થઇ ગયેલી કારમાં ફસાયેલા પટેલ પરિવારના મોભી લાલજીભાઇને લોકોએ કઇ રીતે બહાર કાઢયા એ દ્રશ્‍ય પ્રથમ તસ્‍વીરમાં નજરે પડે છે. અન્‍ય તસ્‍વીરમાં મૃત્‍યુ પામનાર લાલજીભાઇ ઘેલાણીનું રાજનગર અનુપમા પાર્કમાં આવેલું નિવાસ સ્‍થાન અને તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩: લોધીકાના રાવકી ગામની નદીમાં ગત સાંજે રાજકોટના રાજનગર પાસે અનુપમા પાર્કમાં રહેતાં બેંક ઓફ બરોડાના નિવૃત ક્‍લાર્ક પટેલ લાલજીભાઇ ચકુભાઇ ઘેલાણી (ઉ.વ.૬૬)ની કાર પુલના ડાયવર્ઝનમાંથી નદીમાં તણાઇ જતાં તેમનું કરૂણ મોત નિપજ્‍યું હતું. તેમના પત્‍નિ કુસુમબેન અને સાથે બેસેલા તેમના સગા લોધીકાના હંસાબેન રાંકને ગામ લોકોએ કારના કાચ તોડી બચાવી લીધા હતાં. ડાયવર્ઝનમાં પાણી ભરેલું હોઇ તેમાંથી કાર નીકળી શકશે નહિ તેવું પત્‍નિ કુસુમબેને પતિને કહ્યું હતું. પરંતુ જાણે કાળ બોલાવતો હોઇ તેમ સામેથી એક કાર હેમખેમ બહાર નીકળી જતાં તે જોઇને લાલજીભાઇને થયું હતું કે તેમની કાર પણ નીકળી જશે અને તેમણે કાર હંકારી મુકી હતી. અચાનક ખાડો આવતાં કાર ખાંગી થઇ હતી અને તણાઇ ગઇ હતી. જેમાં લાલજીભાઇની જિંદગીનો અંત આવી ગયો હતો.

દૂર્ઘટનાની વધુ વિગતો મુજબ નિવૃત જીવન જીવતાં લાલજીભાઇ ઘેલાણી ગઇકાલે ધર્મપત્‍નિ કુસુમબેન સાથે કોઠા પીપળીયા ગામે સગાને ત્‍યાં વ્‍યવહારીક કામે પોતાની કાર જીજે૦૩એલબી-૧૫૫૨ લઇને ગયા હતાં. સાંજે પરત રાજકોટ આવતી વખતે લોધીકાથી એક સગા હંસાબેન રાંક કે જેમને રાજકોટ આવવું હોઇ તેઓ પણ કારમાં બેઠા હતાં. કાર રાવકીની નદી પાસે પહોંચી ત્‍યારે અહિ પુલનું કામ ચાલું હોઇ ડાયવર્ઝનમાંથી લાલજીભાઇએ કાર કાઢવા પ્રયાસ કર્યો હતો.

સાંજે ભારે વરસાદ પડયો હોઇ અહિ ભરપુર પાણી હતું. છ મહિનાથી પુલનું કામ ચાલી રહ્યું છે. પરંતુ ડાયવર્ઝનમાં ચેતવણીના કોઇ બોર્ડ પણ લગાવાયા નથી. આ પુલ પરથી કાર તણાઇને નદીમાં ખાબકતાં ત્‍યાં હાજર સરપંચ ઇન્‍દુભા જાડેજા, દિવ્‍યરાજસિંહ બહાદુરસિંહ જાડેજા, ભાવેશભાઇ વેગડા, કિશનભાઇ પટેલ સહિતનાએ દોટ મુકી હતી અને પાણીમાં ઉતરી ગયા હતાં. કાર સેન્‍ટ્રલી લોક હોઇ ખપારીથી પાછળનો કાચ તોડીને અંદર બેઠેલા લાલજીભાઇના પત્‍નિ અને બીજા મહિલાને લોકોએ બહાર ખેંચી લઇ બચાવી લીધા હતાં.

પરંતુ લાલજીભાઇએ બાંધેલો સીટ બેલ્‍ટ ખુલતો ન હોઇ તેઓ પાણીમાં ડૂબવા માંડયા હતાં અને પાણી પી ગયા હતાં. એ પછી દાંતરડાથી બેલ્‍ટ કાપી તેમને પણ લોકોએ દોરડા બાંધી બહાર કાઢયા હતાં. બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું જાહેર થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

લાલજીભાઇ ઘેલાણી ચાર ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે બંને પરિણિત છે. બચી ગયેલા લાલજીભાઇના પત્‍નિ કુસુમબેને કહ્યું હતું કે-અમે વ્‍યવહારિક કામ નિપટાવીને પાછ આવી રહ્યા હતાં. ડાયવર્ઝનમાં ભરપુર પાણીનો પ્રવાહ હોઇ મેં પતિને-આપણી કાર નહિ નીકળી શકે એમ કહ્યું હતું. પરંતુ એ વખતે જ સામેથી એક કાર આવી હતી અને એ નીકળી ગઇ હતી. જેથી એમણે પણ કાર હંકારી હતી અને અચાનક ખાડો આવી જતાં વ્‍હીલ ફસાતાં કાર પલ્‍ટી મારી તણાઇ ગઇ હતી. એ દ્રશ્‍ય ખુબ જ ભયાનક હતું.

નજર સામે પતિને ગુમાવનાર કુસુમબેન આઘાતમાં ગરક થઇ ગયા હતાં. લોધીકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:42 pm IST)