Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ચૂંટણી પંચને હળવાશઃ મતદાર યાદીમાંથી નામ નીકળી ગયાની ફરીયાદો નથીઃ કાયદો વ્યવસ્થા સંતોષકારક

ગુજરાતમાં ચૂંટણી હેમખેમ પાર પડી જવાના સંકેતઃ એકના બદલે બીજો ((બોગસ) મત આપી આવે તે ઘટના ભૂતકાળ બની : આજની ફરીયાદોમાં મોટાભાગની ઈવીએમ અને વીવીપેટ બગડવાની

ગુજરાતમાં આજે લોકસભાની ૨૬ બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મુકત અને ન્યાયી ચૂંટણી માટે ચૂંટણી પંચના ગુજરાત એકમે વિવિધ પગલા ભર્યા છે. રાજ્યભરની ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા અને આવતી ફરીયાદોના નિકાલ માટે ગાંધીનગર ખાતે ચૂંટણી પંચનો રાજ્ય કક્ષાનો કંટ્રોલ રૂમ ધમધમી રહ્યો છે તેની તસ્વીર.

રાજકોટ, તા. ૨૩ :. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત આજે સવારે ૭ વાગ્યાથી તમામ ૨૬ સંસદીય મતક્ષેત્રોમાં ૫૧૦૦૦ જેટલા મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યુ છે. આ લખાય છે ત્યારે બપોરે ૧ વાગ્યા સુધીની સ્થિતિમાં ૩૦ ટકાથી વધુ મતદાન થઈ ગયુ છે.  ૧૧ વાગ્યા સુધીનો પ્રથમ ૪ કલાકનો મતદાનનો સત્તાવાર આંક ૨૪.૭૦ ટકા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ ચાલી રહી છે. સાંજ સુધીમાં રાજયમાં સમગ્ર ચૂંટણી હેમખેમ પાર પડે તેવા સંકેત છે. ભૂતકાળના પ્રમાણમાં આ વખતે ચૂંટણી પંચ બપોર સુધીના અનુભવથી હળવાશ અનુભવી રહ્યુ છે.

ભૂતકાળની ચૂંટણીઓમાં મતદાર યાદીમાંથી નામ નીકળી ગયાની સંખ્યાબંધ ફરીયાદો ઉઠતી હતી. આજે બપોર સુધીમાં રાજ્ય કંટ્રોલરૂમ સુધી આવી કોઈ નોંધપાત્ર ફરીયાદ આવી નથી. મતદાન પહેલા ચૂંટણી પંચે કરેલી મહેનત ફળદાયી નિવડી છે. આજે જે ફરીયાદો છે તેમા મોટાભાગે ઈવીએમ કે વીવીપેટ બગડવાની છે. ફરીયાદ બાદ તુરંત તપાસ કરી  ઈવીએમ કે વીવીપેટ તાબડતોબ બદલી નાખવાની વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. ચૂંટણીને લગતી ફરીયાદો નિકાલ માટે જે તે લોકસભા વિસ્તારના મુખ્ય મથકે તેમજ રાજ્ય કક્ષાએ ચૂંટણી પંચના કંટ્રોલ રૂમમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદારે મતદાનની સ્લીપ સાથે સરકાર માન્ય ઓળખનો પુરાવો સાથે રાખવો જરૂરી છે. કોઈના નામે બીજુ કોઈ મત આપી આવે તે ઘટના લગભગ ભૂતકાળ બની ગઈ છે. તમામ મતક્ષેત્રોમાં સીઆરપીએફ, એસઆરપી અને સ્થાનિક પોલીસનો સજ્જડ બંદોબસ્ત છે. કાયદો વ્યવસ્થાને વિપરીત અસર કરે તેવી કોઈ ઘટના બપોર સુધીમાં પ્રકાશમાં આવી નથી. મુકત અને ન્યાયી ચૂંટણીનું મિશન પાર પડવા તરફ છે.

(4:12 pm IST)