Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં ટ્રાફિક વોર્ડન સોહિલ પર અમનનો છરીથીહુમલો

ઢેબર કોલોનીમાં બનાવઃ ઇંટ પણ ફટકારી માથું રંગી નાંખ્યું: અવાર-નવાર અમન હાલા હાલતાં ચાલતાં માથાકુટ કરતો હોવાની રાવ

રાજકોટ તા. ૨૩: ઢેબર કોલોની કવાર્ટર નં. ૧૬૪માં રહેતાં અને ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતાં સોહિલ રફિકભાઇ રાવકરડા (ઉ.૨૨) નામના યુવાન પર ઘર પાસે જ રહેતાં અમન અજીતભાઇ હાલાએ છરીથી હુમલો કરી તેમજ ઇંટ ફટકારી માથામાં ગંભીર ઇજા કરતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરતાં એએસઆઇ ઇન્દુભા રાણા અને ઘનશ્યામભાઇ મેણીયાએ ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. સોહિલના કહેવા મુજબ તે ટ્રાફિક વોર્ડન તરીકે નોકરી કરે છે. તેના ઘર પાસે રહેતો અમન હાલા ઘર નજીક ગાળાગાળી કરતો હોઇ પિતા રફિકભાઇ તેને સમજાવવા જતાં તેની સાથે તેણે ઝઘડો શરૂ કર્યો હતો. આથી પોતે સમજાવવા જતાં પોતાના પર તૂટી પડી ઢીકા-પાટુનો માર માર્યા બાદ છરી કાઢી માથા પાછળ કાન પાસે ઘા ઝીંકી દઇ ઇંટ પણ ફટકારીને ઇજા કરી હતી. આ શખ્સ અવાર-નવાર આ રીતે ડખ્ખા કરવાની ટેવ ધરાવતો હોવાનું સોહિલે જણાવી પોલીસ આકરી કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે.

(3:59 pm IST)