Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ફરિયાદની શરૂઆત કોંગી કાર્યકર તરફથી સવારે ૫:૨૫ કલાકે થઇ...પોલીસે આ ફરિયાદને પગલે ભાજપની ઝંડીઓ દૂર કરાવી

પોલીસ કન્ટ્રોલ રૂમમાં સાચી-ખોટી ફરિયાદોનો મારોઃ કોંગી કાર્યકરો રૈયાધારમાં મતદારોની હેરફેર કરે છે, કોઠારીયા રોડ પર મતદારોને અટકાવવામાં આવે છે...ઇવીએમમાં ક્ષતિ છે: અભય ભારદ્વાજ, ગજેન્દ્રસિંહ ઝાલા, બાબુભાઇ આહિર સહિતે ફરિયાદો કરીઃ પોલીસે તુર્ત નિકાલ કરાવ્યો

રાજકોટ તા. ૨૩: લોકસભાની ચૂંટણીના આજે યોજાયેલા મતદાનને પગલે પોલીસ તંત્ર સતત એલર્ટ છે. શહેરના પોલીસ કન્ટ્રોલ રૂમમાં વધારાનો સ્ટાફ ખાસ ફરજ પર મુકવામાં આવ્યો છે. કોર્પોરેશનની ચૂંટણી હોય કે ધારાસભાની કે પછી લોકસભાની, રાજકોટની એક ખાસીયત છે કે શહેરના પોલીસ કન્ટ્રોલ રૂમ ખાતે ભાજપ અને કોંગ્રેસ એમ બંને તરફથી સાચી-ખોટી ફરિયાદોનો મારો શરૂ થઇ જાય છે. આજે સવારે મતદાન શરૂ થયું ત્યાં જ ફરિયાદો આવવાની શરૂઆત થઇ ગઇ હતી. જે ફરિયાદો આવી તેનો કન્ટ્રોલ ઇન્ચાર્જ દ્વારા જે તે વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફ મારફત તુર્ત જ નિકાલ કરવા પ્રબંધ કરાયો હતો. જે ફરિયાદો સવારે દસ વાગ્યા સુધી આવી હતી તે આ મુજબ છે.

. સવારે ૫:૨૫ કલાકે કોઠારીયા કોલોનીમાં રહેતાં કોંગ્રેસના પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી ફરિયાદ કરી હતી કે કોઠારીયા રોડ મધુરમ્ પાર્ક-૧ની સામે માસ્તર સોસાયટી કસ્તુરબા સ્કૂલ બૂથ પાસે સરવૈયા હેર કટીંગના ત્રીજા માળે ભાજપના નિશાનવાળી ઝંડીઓ જોવા મળે છે. (પોલીસે આ ફરિયાદ મળતાં જ ઝોનલ અધિકારીને સાથે રાખી ઝંડીઓ કઢાવી લીધી હતી)

. સવારે ૭:૪૫ કલાકે વોર્ડ નં. ૧ના ભાજપના કોર્પોરેટર બાબુભાઇ આહિરે ફોન કરીને જણાવ્યું હતું કે રૈયાધાર ખાતે જાકીર હુશેન સ્કૂલ ખાતે કોંગ્રેસના કાર્યકરો મતદારોને રિક્ષામાં ભરીને મતદાન મથકના ગેઇટ સુધી મુકવા આવે છે. (આ ફરિયાદને પગલે પોલીસ સ્ટાફ ત્યાં પહોંચતા બાબુભાઇ હાજર મળ્યા હતાં, ત્યાં તેમને પુછતાં તેણે કહ્યું હતું કે તેને કાર્યકરોએ ફોન કર્યો હતો. ત્યાં ટ્રાફિકના માણસો હાજર હતાં અને શાંતિ હતી)

. સવારે ૮:૧૧ કલાકે સરસ્વતિ વિદ્યાલય બુથ નં. ૨૨૮માં ઇવીએમમાં ક્ષતિ હોવાની જાણ કર્મચારી મારફત થતાં ઝોનલ અધિકારીને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ કર્મચારી મારફત કન્ટ્રોલને ઇવીએમ કાર્યરત થઇ ગયાનો મેસેજ અપાયો હતો.

. સવારે ૯:૨૨ કલાકે અભયભાઇ ભારદ્વાજે ફોન કરી જણાવ્યું હતું કે વેલનાથપરા, કોઠારીયા રોડ વિધાનસભા ૭૧, બુથ નં. ૧૪૭, ૧૪૮ એ. કે. વિદ્યાલય ખાતે સતુભા જાડેજા મતદારોને મતદાન કરવા જતાં રોકે છે...( આ ફરિયાદને પગલે ભકિતનગરની મોબાઇલને જાણ કરવામાં આવતાં તેના સ્ટાફે પહોંચી રિપ્લાય આપી હતી કે ફરિયાદના સ્થળે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અને બીજો સ્ટાફ હાજર છે, ફરિયાદ મુજબનું કંઇ બન્યું હોવાનું જણાતું નથી અને શાંતિપૂર્વક મતદાન ચાલુ છે).

. સવારે ૧૦:૪૫ કલાકે સોનુભાઇ નામની વ્યકિતએ ફોન કરી ફયિરાદ કરી હતી કે બાપુનગર શેરી નં. ૧૩ દેનાબેંકની સામેની શેરીના કારખાનામાં મતદાન માટે જવા દેતા નથી...(આ ફરિયાદને પગલે કન્ટ્રોલ રૂમ મારફત ભકિતનગર પીએસઆઇ ડી.એ. ધાંધલ્યાને કોલ અપાયો હતો, તેણે તપાસ કરતાં સ્થળ પર કોઇ સોનુભાઇ મળ્યા નહોતા અને મતદાન શાંતિપૂર્વક ચાલુ હોવાનું જણાયું હતું)

પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી આ ફરિયાદો બાબતે તુર્ત જ તપાસ કરવા અને નિકાલ કરવા સુચના અપાઇ હતી. મતદાન પુરૂ થાય  ત્યાં સુધી આવી ફરિયાદોનો દોર યથાવત રહેશે. (૧૪.૯)

(4:14 pm IST)