Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

રાજકોટ બેઠક ઉપર પ્રથમ ૩ કલાકમાં ૧૫ ટકા મતદાન...

શહેર -જિલ્લામાં ૧૮ EVM-રર વીવીપેટ બગડયાઃ જડબેસલાક સુરક્ષાઃ મોહનભાઇ - લલીતભાઇનું ભાવિ મતપેટીમાં કેદઃ યુવા મતદારોમાં ઉત્સાહઃ અપંગો-વૃદ્ધો પણ ઉમટયાઃ આકરા તાપથી બચવા વહેલી સવારથી મતદાન માટે ધસારોઃ કુલ ૧૮ લાખ ૮૪ હજાર મતદારોઃ ૨૦૫૦ મતદાન મથકોઃ દરેક મતદાન મથક ઉપર CRPF ના જવાનો

રાજકોટ તા.ર૩: લોકશાહીના પવિત્ર અને મહાપર્વ એટલે મતદાન... અને રાજકોટ લોકસભા બેઠક ઉપર આજે સવારે ૬ થી ૭ મોકપોલ બાદ સવારે ૭ વાગ્યાથી મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે, જડબેસલાક પોલીસ સુરક્ષા, દરેક મતદાન મથક ઉપર સીઆરપીએફના બે-બે જવાનોની ટીમ, તથા બૂથ અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ હોય કોઇ ઘટના બની નથી. પ્રથમ બે કલાક સવારે ૯ વાગ્યા સુધીમાં ૧૦.૩૯ ટકા મતદાન થયાનું સત્તાવાર જાહેર થયું છે. પછીની ૧ કલાકમાં બીજું ૩ થી પ ટકા મતદાન થયાનો અંદાજ છે.

રાજકોટ-લોકસભા બેઠક ઉપર ભાજપના મોહનભાઇ કુંડારિયા તો કોંગ્રેસના લલીતભાઇ કગથરા સહિત કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં છે, ખાસ કરીને મોહનભાઇ -લલીતભાઇનું ભાવિ મતપેટીમાં કેદ થઇ ગયું છે.

રાજકોટ લોકસભા સંસદિય વિસ્તારમાં કુલ ૧૮ લાખ ૮૪ હજાર મતદારો તો ૨૦૫૦ મતદાન મથકો છે.

આજે સવારે ૬ થી ૭ મોકપોલ દરમિયાન જ ઢગલાબંધ ઇવીએમ-વીવીપેટ બગડતા બદલાવવા માટે દરેક મદદનિશ ચૂંટણી અધિકારીને દોડધામ થઇ પડી હતી, જિલ્લામાં સવારે ૯ વાગ્યા સુધીમાં ૧૮ ઇવીએમ અને રર વીવીપેટ બગડયા હતા.

મતદાન માટે ખાસ કરીને યુવા મતદારોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી  રહ્યો છે, અપંગો-વૃદ્ધો- દિવ્યાંગો પણ આકારા તાપથી બચવા મતદાન મથકે ઉમટી પડયા હતા. તંત્ર દ્વારા ૩૫ દિવ્યાંગોને સહાયક-વ્હીલચેર જેવી સુવિધા પણ પૂરી પડાઇ છે.

(9:55 am IST)