Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

'વાહ...બહુ હો તો ઐસી'

નાટયકર્મી શ્વસુરને પુસ્તક સ્વરૂપે જીવંત કર્યા

'તૂટી ફુટી હોય ઝુપડી, ખાવા હોય મુઠ્ઠી ધાન પણ જો ગુણિયલ હોય ગૃહિણી એ ઘર સ્વર્ગ સમાન'. જૂની રંગભૂમિના જાણીતા કવિ પ્રભુલાલ દ્વિવેદીએ 'સોનાનો સુરજ' માટે લખેલ આ ગીતની પંકિતને અદ્દલ રીતે હકીકત કરી બતાવી બગસરાના મૂળ શિક્ષિકા નયનાબેન ગોહેલ મકવાણાએ. મુદ્દો સાંપ્રત છે કે વહુ - સાસુ સસરામાં કમેળ જ હોય. પણ બગસરાના એક નાટયકર્મી સ્વ. પોપટભાઇ મકવાણા (૧૯૨૯-૯૧)ના આ ગુણિયલ પુત્રવધુએ પોતાના સસરાના નાટય યોગદાનને 'નિજાનંદને ઝરૂખેથી' પુસ્તક  પ્રકાશન સ્વરૂપે સંભવતઃ કોઇ પુત્રવધુએ પોતાના શ્વસુરને માટે વ્યકત ન કર્યો હોય તેવો પ્રેમ વ્યકત કર્યો છે. આ કાર્યમાં તેના પતિ નયનકુમાર તથા કુટુંબ પ્રેમીઓ મહમ્મદભાઇ ત્રાવડી, શિવજી રૂખડા, બાલુભાઇ ગોહેલ વિ.નો હુફાળો સાથ મળ્યો છે.

મેઘાણી જેવા લોકસાહિત્યના મેઘાાવી જયા ફૂલ્યા ફાલ્યા,  કુતુબ આઝાદ જેવા મુઠ્ઠી ઉચેરા કવિ સાહિત્યકાર સતત કાર્યરત રહ્યા, પોપટભાઇ એ શહેરના વતની. જેના ઘરનું નામ જ 'નિજાનંદ' હોય, તેનો મિજાજ પણ એવો જ હોય ને... ફોટો, ચિત્ર, નાટકોમાં તેમના નૂતન કલા મંદિર તથા સાથી મંડળોમાં વર્ષો રમમાણ રહ્યા. કાનજી ભુટ્ટા, સતાધારના શામજીબાપુ, નાઝીર દેખૈયા જવા ઘણા આધ્યાત્મ, કલા તથા સાહિત્ય ધુરંધરોની જયાં બેઠકો થતી, તે પોપટભાઇ પૃથ્વીરાજ, છોરૂ - કછોરૂ, જાનમાં આવજો, પાનેતરનો રંગ, ઇશ્વરે ઘર બદલ્યું સહિતના ઘણા નાટકોમાં અગ્ર સ્થાને કાર્યરત રહ્યા. આ લખનાર સાથે તેનો પરિચય ૧૯૭૬માં બગસરાના જ વજુભાઇ ધાનક તથા રાજકોટના રાજુ વ્યાસ નિર્મિત 'પરણેતર' ફિલ્મના બગસરામાં શુટીંગ વખતે અભિનેતા સ્વરૂપે થયો હતો. તે પછી કયારેય મળ્યા જ નહોતા. તાજેતરના પૂ.મોરારીબાપુ પ્રેરિત મહુવા અસ્મિતા પર્વ ૨૧માં બગસરાના થોડા મિત્રો જોશીભાઇ તથા શિવજીભાઇ વિ.સાથે ઓળખાણ થયાના ફળ સ્વરૂપે આ પુસ્તક 'નિજાનંદને ઝરૂખેથી' નયનાબેન દ્વારા મળ્યું.

માન્યવર કોલમીસ્ટ, સાહિત્યકાર ગુણવંત શાહે જે પુસ્તક માટે હસ્તે લેખિત શુભેચ્છા (પુસ્તકમાં પ્રસ્તુત છે) પાઠવી છે એ આ પુસ્તકનું સાહિત્યિક મુલ્ય કેટલું ? અગ્રસ્થાને આ બાબત નથી જ. પરંતુ એક પુત્રવધુના સ્વ.શ્વસુરના ભુતકાલિન કલા-જીવનને પુસ્તક પ્રસ્તુતીથી ઉજાગર કરવાના પ્રેમનો છે. પાને પાને પોતાની સાહિત્યરૂચી - અભ્યાસનો પરિચય આપતા તે લખે છે કે, 'આ પુસ્તક માત્ર શબ્દો કે કાગળ નથી પરંતુ મારા શ્વસુરની કલા ભકિત પ્રત્યેની સંવેદનાની અનુભૂતિ છે. દાદાની પ્રતિભાને આ પુસ્તક દ્વારા પુરતો ન્યાય જો હું ન આપી શકી હોઉ તો મારી એ અપૂર્ણતા સ્વીકારી શબ્દબ્રહ્મની સાક્ષીએ અંતરિક્ષમાં બેઠેલ આત્મા (શ્વસુર)ની ક્ષમા યાચું છુ.' સલામ... બહેન સલામ.

ગ્લેઝ પેપર પરના સુંદર પ્રિન્ટીંગવાળુ આ પુસ્તક એક નાટયકર્મીની સાધનાને ઉજાગર કરે છે. સાથે સાથે તેમાં નાટયકલાના વિવિધ સ્વરૂપોના લઘુ લેખો, ચિત્રો, ફોટો ગ્રાફસ તથા જેને ખરેખર કહી શકાય તેવા સુવાકયોનું સુઘડ અને સહજ શબ્દોમાં નિરૂપણ આલેખવામાં આવ્યું છે. દા.ત.'ચિત્રએ ફકત આકાર અને રંગ મિશ્રણનું દ્રષ્ય નથી. ચિત્રએ શબ્દ વગરનું પદ્ય સ્વરૂપ છે.'

'નિજાનંદના ઝરૂખેથી' પુસ્તક પ્રાગટય સ્વરૂપે સસરા માટે ભાવવંદના કરનાર ગુણીયલ  નયના બહેનને માટે 'બહુ હો તો ઐસી' ઉદગારી, તેને ધન્યવાદ આપી બગસરાની જ બે કલમ હસ્તિની શબ્દ રચનાને મમળાવી લઇએ તો કેમ ? 'સહેલાઇથી જે પાળી શકાય એ જ ધર્મ છે, નિયમો કોઇ તલવારની ધારે ન જોઇએ' - કુતુબ આઝાદ, 'તુજ સુખની મહેફિલમાં તું સૌને નોતરજે, પણ જમજે અશ્રુઓની ધાર એકલો' - મેઘાણી.

શબ્દ પ્રશસ્તિની તૃપ્તિના છેલ્લા કોળીયા તરીકે એમ કહી શકાય કે નયન અને નયના જેવા પુત્ર, પુત્રવધુ હોવા એ માવતર માટે ઈશ્વરીય એવોર્ડ ગણાવા જોઈએ.

આલેખન કૌશિક સિંધવ મો. ૭૩૫૯૩ ૨૬૦૫૧

(4:26 pm IST)