Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાંથી કપડાના વેપારી મહિલપાલસિંહની ૨.૭૦ લાખની રોકડ સાથેની ૮ લાખની કારની ઉઠાંતરી

સરિતા વિહારમાં રહેતાં મહિપાલસિંહ ચુડાસમા મિત્રો સાથે પોતાના બીજા ફલેટ ખાતે આઇપીએલની મેચ જોવા આવ્યા'તાઃ બપોરે ત્રણ વાગ્યે કાર પાર્ક કરી'તીઃ રાત્રે દસ વાગ્યે બહાર નીકળ્યા ત્યારે કાર નહોતીઃ સીસીટીવીમાં બે શખ્સ દેખાયાઃ મહિપાલસિંહે જેની પાસેથી કાર ખરીદી એ આત્મીય પટેલ પાસેથી કારની ચાવી અમદાવાદનો હાર્દિક નંદાણીયા લઇ ગયો'તોઃ ચોરીમાં જાણભેદુની સંડોવણીની શંકા

રાજકોટ તા. ૨૩: કાલાવડ રોડ પર સરિતા વિહાર સોસાયટીના ક્ષત્રિય યુવાનની રૂ. ૨,૭૦,૦૦૦ની રોકડ સાથેની ૮ લાખની કાર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રોડ પરથી ચોરાઇ જતાં ફરિયાદ નોંધાવી  છે. સાંજના સાતેક વાગ્યે બાઇક પર આવેલા બે શખ્સમાંથી એક શખ્સ કારનો દરવાજો ચાવીથી ખોલી ચાલુ કરી લઇ જતો સીસીટીવી કેમેરામાં દેખાતાં તે અંગે તપાસ શરૂ થઇ છે.

જાણવા મળ્યા મુજબ રૂડા-૨ સામે સરિતા વિહારમાં રહેતાં અને ધર્મેન્દ્ર રોડ પર કડીયા નવ લાઇનમાં જય માતાજી ફેશન નામે કપડાની દૂકાન ધરાવતાં મહિપાલસિંહ પ્રવિણસિંહ ચુડાસમા (ઉ.૩૨)ની હુન્ડાઇ વર્ના કાર જીજે૩જેએલ-૩૧૧૫ રૂ. ૮ લાખની કિંમતની ૨૧/૪ના બપોરે ત્રણ વાગ્યે સોૈરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ સોમેશ્વર મહાદેવ મંદિર પાસે હીરાશ્રી ફલેટ-૨ની દિવાલ પાસે પાર્ક કરી હતી. આ કારમાં ડેસ્ક બોર્ડ પર રૂ. ૨,૭૦,૦૦૦ની રોકડ પણ રાખી હતી. રાત્રીના દસ સુધીના સમયમાં આ કાર કોઇ ચોરી જતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ. વી. સી. પરમારે ગુનો નોંધ્યો છે.

મહિપાલસિંહે ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે મારે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં સોમેશ્વર મહાદેવ મંદિર સામે પણ ફલેટ છે. મેં ૨૦૧૭માં આત્મીય ટીલાળા પાસેથી ૭ લાખ ચુકવીને હુન્ડાઇ કાર ખરીદી હતી. તેનો કરાર એવો હતો કે કાર મારે વાપરવાની અને એક વર્ષમાં બાકીની લોન આત્મીય ભરી આપશે. હાલમાંઆત્મીય કયાં છે એ મને ખબર નથી. ૨૧મીએ બપોરે ત્રણેક વાગ્યે હું મારી કાર લઇને સોૈરાષ્ટ્ર કાલના મારા ફલેટ પર ગયો હતો. જ્યાં હું તથા  મિત્ર ખુમાનસિંહ જાડેજા, ઋષીરાજસિંહ જાડેજા સહિતના આઇપીએલની મેચ જોવા ભેગા થયા હતાં. મેચ પુરી થતાં જમીને ફલેટ બહાર રાત્રે દસેક વાગ્યે નીકળ્યો ત્યારે પાર્ક કરેલી કાર જોવા મળી નહોતી.  કારમાં ૨,૭૦,૦૦૦ની રોકડ હતી તે મારા વેપારના હતાં. ગાડીની અસલી આરસી બૂક પણ ગાડીમાં જ હતી. આ કાર ઓટોમેટિક સેન્સરવાળી હતી. આ ગાડીની બીજી ચાવી આત્મીયના અમદાવાદ રહેતાં મિત્ર હાર્દિક નંદાણીયા (આહિર) પાસે છે. હાર્દિકને આત્મિય પાસેથી અમુક પૈસા લેવાના થાય છે. આથી તેણે કારની ચાવી આત્મિય પાસેથી લઇ લીધી હતી. કારનો દરવાજો ચાવીથી ખોલવામાં આવ્યો હોઇ ઉઠાવગીરોને ચાવી હાર્દિકે આપી કે કેમ? તે અંગે શંકા ઉદ્દભવી છે. 

મહિપાલસિંહના કહેવા મુજબ સીસીટીવી કેમેરામાં બે શખ્સ દેખાય છે. એક શખ્સ ચાવીથી કાર ખોલીને સ્ટાર્ટ કરીને લઇ જતો દેખાતો હોઇ પોલીસે ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. રૈયા રોડ, મઢી ચોક સહિતના ફૂટેજ ચેક કરતાં ચાલક આ કાર લઇને છેલ્લે અમદાવાદ હાઇવે પર જતો દેખાયો છે. કારની બીજી ચાવી જેની પાસે છે એ શખ્સની સંડોવણીની શંકાએ તપાસ હાથ ધરાઇ છે.

કાર અને રોકડ મળી કુલ રૂ. ૧૦,૭૦,૦૦૦ની મત્તા ચોરાઇ જતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(1:18 pm IST)