Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

કરાટેમાં બ્લેકબેલ્ટ ધરાવતો રાહુલ સિંધી જાણતો હતો કે છરીનો ઘા કયાં મારવોઃ તક મળી હોત તો વિપુલને પણ ઢાળી દેવાનો હતો

હત્યામાં માત્ર રાહુલ અને તેનો મિત્ર જ સામેલ હોવાનું સીસીટીવી ફૂટેજથી સ્પષ્ટ થયું: રાજેશભાઇ ટેકવાણીનું વિપુલે ખોટુ નામ આપ્યું હતું: ભાઇની હત્યા બાદ રાહુલ સતત બદલો લેવાના ખુન્નસ સાથે ઘુમતો હતોઃ ભાઇ વિશાલની પાંચમી માસિક પૂણ્યતિથીને દિવસે જ રાહુલે હત્યા કરી વેર વાળ્યું: પ્ર.નગર પોલીસે રાહુલ સિંધી અને અજાણ્યા સામે ગુનો દાખલ કર્યોઃ એક સકંજામાં

હત્યા નિપજાવનાર રાહુલ  ટેકવાણી (ઉ.૨૦) (કાળુ ટી-શર્ટ) અને બાજુમાં તેનો મિત્ર મનોજ રાઠોડ (ઉ.૨૦) જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: પોપટપરાના કોળી યુવાન વિપુલ વનરાજભાઇ વડેચાની નજર સામે જ તેના પિત્રાઇ ભાઇ મનોજ પ્રેમજીભાઇ વડેચા (ઉ.૨૭)ને ગઇકાલે પોપટપરા જેલ નજીક સંતોષીમાના મંદિર પાસે રેલનગર ક્રિષ્નાપાર્કના સિંધી શખ્સે છરીનો એક જ ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધો હતો. પ્રારંભે વિપુલ હત્યામાં રાહુલ સિંધી, તેના પિતા રાજેશભાઇ ગેદીમલ ટેકવાણી અને બે અજાણ્યા શખ્સો સામેલ હોવાનું કહી તે મુજબની એન્ટ્રી હોસ્પિટલ ચોકીમાં નોંધાવી હતી. પણ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં રાહુલ સાથે માત્ર એક જ શખ્સ હોવાનું ખુલતાં વિપુલ વડેચાની ફરિયાદ પરથી રાહુલ તથા અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધી તેને પુછતાછ માટે સકંજામાં લીધો છે. રાહુલ પોતે કરાટેમાં ચેમ્પીયન છે અને બ્લેકબેલ્ટ ધરાવે છે. તેને ખબર હતી કે છરીનો એક જ ઘા કયાં મારવો? તેના આધારે તેણે મનોજને એક જ ઘા ઝીંકી દીધો હતો જે સીધો હૃદય સોંસરવો નીકળી ગયો હતો. આમ છતાં મનોજે એકટીવા જેલના ઝાપા અંદર ભગાવી મુકયું હતું. તે કારણે રાહુલને પાછળ બેઠેલા વિપુલને ઘા ઝીંકવાની તક મળી નહોતી. જો તક મળી હોત તો વિપુલને પણ ઢાળી દેવાનો પ્લાન હતો.

ગયા વર્ષના સપ્ટેમ્બર માસમાં ૧૭મી તારીખે રાહુલ રાજેશભાઇ ટેકવાણીના ભાઇ વિશાલ રાજેશભાઇ ટેકવાણીનું હોન્ડા અને પોપટપરાના વિપુલ વનરાજભાઇ વડેચાનું બાઇક અથડાતાં ઝઘડો થતાં વિશાલે કટર કાઢી વિપુલને ઘા ઝીંકી દીધા હતાં. બાદમાં વિપુલના ભાઇઓ જીતેન્દ્ર ઉર્ફ જીતુ વનરાજભાઇ વડેચા, પિત્રાઇ સુનિલ પ્રેમજીભાઇ વડેચા અને આ બંનેના ચાર મિત્રોએ મળી વિશાલ સિંધીનું સાધુ વાસવાણી કુંજ રોડ પરથી અપહરણ કરી બેફામ માર મારી હડમતીયા બેડી પાસે ફેંકી દીધો હતો.  એ પછી રાહુલનું સારવાર દરમિયાન ૨૨ સપ્ટેમ્બર-૨૦૧૮ના રોજ સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

નાના ભાઇ વિશાલની હત્યા થઇ ત્યારથી મોટો ભાઇ રાહુલ સતત બદલો લેવાની ભાવના સાથે ખુન્નસ સાથે ઘૂમતો હતો. તે ઘણા દિવસોથી બદલો લેવાની તક શોધતો હતો. તે જાણતો હતો કે જેલમાં રહેલા તેના ભાઇના હત્યારાઓ સુનિલ, જીતેન્દ્ર સહિતનાને ટિફીન આપવા વિપુલ અને તેનો ભાઇ મનોજ જાય છે. ગઇકાલે શુક્રવારે તા. ૨૨-૨ના રોજ રાહુલના હત્યાનો ભોગ બનેલા ભાઇ વિશાલની પાંચમી માસીક પૂણ્યતિથી હોઇ રાહુલ બદલો લેવાના દ્રઢ નિર્ધાર સાથે મિત્ર સાથે એકટીવામાં બેસી છરી સાથે પોપટપરા જેલ નજીક છુપાઇ ગયો હતો. સવારે સાડા નવેક વાગ્યે મનોજ અને વિપુલ એકટીવા પર આવતાં જ સામે મિત્રના એકટીવા પાછળ બેસી રાહ જોઇ રહેલો રાહુલ છરી લઇને દોડ્યો હતો અને મનોજ તથા વિપુલનું વાહન નજીક આવતાં જ ચાલુ વાહને જ એકટીવા ચાલક મનોજ વડેચાને છાતીમાં ડાબી બાજુ છરીનો એક જ ઘા ઝનૂનથી ઝીંકી દીધો હતો.

આમ છતાં મનોજે હિમ્મત દાખવી હતી અને એકટીવા જેલનો ઝાપો ખુલ્લો હોઇ તે તરફ દોડાવી મુકતાં પાછળ બેઠેલો પિત્રાઇ વિપુલ બચી ગયો હતો. પકડાયેલા રાહુલના કહેવા મુજબ તેનો ઇરાદો વિપુલને પણ ઢાળી દેવાનો હતો. જેલના ટિફીન કાર્યાલય સુધી મનોજ એકટીવા હંકારીને પહોંચી ગયો હતો એ પછી પડી જતાં પિત્રાઇ વિપુલે ફોન કરીને તુર્ત જ તેની પત્નિને બનાવની જાણ કરતાં થોડીવારમાં જ વિપુલના ભાઇજી પ્રેમજીભાઇ વડેચા તથા બીજા કુટુંબીજનો જેલ ખાતે પહોંચી ગયા હતાં અને ૧૦૮ બોલાવી મનોજને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. પરંતુ ત્યાં મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું.

પ્રારંભે વિપુલ કોળીએ હુમલામાં રાહુલ સિંધી સાથે તેના પિતા રાજેશભાઇ ટેકવાણી અને બીજા બે અજાણ્યા હોવાની ખોટી કેફીયત આપી હતી. પરંતુ સીસીટીવી ફૂટેજ ચેક થતાં વિપુલનું જુઠ્ઠાણું સામે આવ્યું હતું. ફૂટેજમાં માત્ર રાહુલ અને બીજો એક શખ્સ દેખાયા હતાં. રાહુલે પોતાની સાથેનો શખ્સ પોતાનો મિત્ર મનોજ હોવાનું કહેતાં પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

પોલીસે વિશેષ પુછતાછ માટે રાહુલના રિમાન્ડ મેળવવા અને તેની સાથેના શખ્સને શોધી કાઢવા તજવીજ આદરી છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પી.આઇ. બી.એમ. કાતરીયા, પીએસઆઇ પી. બી. કદાવલા, એએસઆઇ સંજયભાઇ દવે, વિરભદ્રસિંહ જાડેજા, અરવિંદભાઇ, મોહસીનખાન, દેવશીભાઇ રબારી, હેમેન્દ્રભાઇ, જયદિપભાઇ સહિતની ટીમ વધુ તપાસ કરે છે. (૧૪.૮)

 

(3:57 pm IST)