Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ત્રાસવાદી હુમલા સામે યોગ્ય પગલા લેવાશે જ, પાક. સાથે મેચ ન રમવો જોઈએઃ હરદીપસિંઘ પુરી

મોદીનું નેતૃત્વ મજબુતઃ પુલવામા હુમલામાં ગુપ્તચર તંત્રની નબળાઈ હોવાનું નકારતા મંત્રીઃ આવતી ગાંધી જયંતી સુધીમાં દેશમાં ૬૭ લાખ શૌચાલયોનો લક્ષ્યાંક

કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રી હરદીપસિંઘ પુરીએ રાજકોટ સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે ભાજપના આગેવાનો કમલેશ મિરાણી, બીનાબેન આચાર્ય, મોહનભાઈ કુંડારિયા, અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરિયા, રાજુ ધ્રુવ, ધનસુખ ભંડેરી, ગોવિંદભાઈ પટેલ, જયેશ વ્યાસ વગેરે ઉપસ્થિત છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૩ :. ભારત સરકારમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સ્વતંત્ર હવાલા સાથે રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાર્યરત શ્રી હરદીપસિંઘ પુરીએ કાશ્મીરના પુલવામા ત્રાસવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય પગલા લેવાશે તેવુ જણાવી ભારતના ૪૦થી વધુ જવાનોને શહીદ કરનાર સાથે (પાકિસ્તાન) ક્રિકેટ મેચ ન રમવો જોઈએ તેવો અભિપ્રાય વ્યકત કર્યો છે. તેમણે રાજકોટના આંગણે સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, અમૃત યોજના, સ્માર્ટ સીટી વગેરેની કામગીરીનું વર્ણન કર્યુ હતું.

આજે સાંજે શહેર જિલ્લા ભાજપ આયોજીત બૌદ્ધિક સંમેલનમાં વકતા તરીકે આવેલા શ્રી હરદીપસિંઘ પુરીએ પત્રકારોને જણાવેલ કે, ૧૫ ઓગષ્ટ ૨૦૧૪ના રોજ સ્વચ્છ ભારત અભિયાન જાહેર કરવામાં આવેલ. અત્યારે તે ગતિથી ચાલી રહ્યુ છે. દેશમાં જાહેર શૌચાલય મુકત પરિસ્થિતિ ઉભી કરવા શહેરોમાં ૬૭ લાખ શૌચાલયો બનાવવાનું આયોજન છે. જેમાંથી ૯૪ ટકાને મંજુરી અપાઈ ગઈ છે. આવતી ગાંધી જયંતિ ૨ ઓકટોબર પહેલા ૧૦૦ ટકા લક્ષ્યાંક પુરો કરવાનું આયોજન છે. ઓડીએફનું થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરવામાં આવે છે. સ્વચ્છતા માટેનો આ સરકારી કાર્યક્રમ જન આંદોલન બની ગયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦૨૨ સુધીમાં દરેક નાગરિકને પોતાનું ઘરનું ઘર મળે તેવો મોદી સરકારનો નિર્ધાર છે. એક કરોડ આવાસ બનાવવાનો લક્ષ્યાંક છે. જેની સામે ગયા મહિના સુધીમાં ૭૩ લાખ આવાસ યોજનાને મંજુરી આપી દેવામાં આવી છે. ફેબ્રુઆરી પુરો થતા સુધીમાં આ આંકડો ૭૫ લાખને આંબી જશે. સ્માર્ટ સીટી યોજના પણ પૂરજોશમાં ચાલી રહી છે. રાજકોટનો સ્માર્ટ સીટીમાં સમાવેશ થયો છે. જે તે શહેરનો સ્માર્ટ સીટી તરીકે સમાવેશ થયા બાદ ૫ વર્ષમાં સ્માર્ટ સીટી બનાવવાની જોગવાઈ છે. અમદાવાદ મેટ્રો ટ્રેન પણ ટૂંક સમયમાં શરૂ થશે. ગુજરાતમાં શહેરી વિકાસ ક્ષેત્રે સંતોષકારક કામગીરી થઈ રહી છે.

કાશ્મીરના પુલવામા ત્રાસવાદી હુમલા બાદ હવે કેન્દ્ર સરકાર કયારે અને કેવા પગલા લેશે ? તે સવાલના જવાબમાં તેમણે જણાવેલ કે, જમ્મુ કાશ્મીર ભારતનો જ એક ભાગ છે. ત્રાસવાદી હુમલો તે લોકોની ગંભીર ભૂલ છે. ત્રાસવાદ સામે ભારત સરકાર મજબૂત છે. પુલવામા હુમલા બાદ ૧૦૦ કલાકમાં હુમલાખોરને મારી નાખવામાં આવેલ. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારત પોતાની ભૂમિકામાં સમર્થન મેળવી શકયુ છે. માત્ર મુત્સદગીરી નહિ ચાલે, સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે. કયારે કેવા પગલા લેવાશે ? તે હું કહી શકું નહિ પરંતુ કેન્દ્રમાં મોદીનું મજબૂત નેતૃત્વ છે. કેન્દ્રમાં તાકાત, દ્રષ્ટિ અને બહુમતી સાથેની સરકાર છે. સમજી વિચારીને યોગ્ય પગલા લેવાશે જ.

તેમણે પાકિસ્તાન સંબંધી અન્ય એક પ્રશ્નના ઉત્તર વખતે પાકિસ્તાન સાથે ભારતનો ક્રિકેટ મેચ ન રમાવવો જોઈએ તેવો અભિપ્રાય વ્યકત કર્યો હતો. ઈન્ટેલીજન્સની નિષ્ફળતાની બાબતને નકારતા તેમણે જણાવેલ કે, રોજ અનેક પ્રકારની માહિતી આવતી હોય છે તેને ધ્યાને લેવાતી હોય છે. કયારેય આવી ઘટના બને ત્યારે ઈન્ટેલીજન્સ નિષ્ફળ છે તેવુ કહી શકાય નહિં.

કેન્દ્રીય મંત્રીએ મનમોહનસિંઘને આદરણીય પૂર્વ વડાપ્રધાન ગણાવી જણાવેલ કે, તેમના વખતે વિદેશ નીતિમાં મુંઝવણ અને ઢીલાશ હતી અત્યારે નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે. તેઓ રોજ ૨૧ કલાક કાર્યરત રહે છે. જૂની સરકાર વખતના વર્ષો જૂના પ્રોજેકટ હવે પુરા થઈ રહ્યા છે.(૨-૧૮)

(3:55 pm IST)