Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પિતા ઠપકો આપશે એવી બીકે ધોરણ-૧૦ના છાત્રએ અપહરણ, વીંટીની લૂંટનું નાટક કર્યુ!

શાળાની પેરેન્ટ્સ મિટીંગ બાદ પોતે ભણવામાં નબળો હોવાની ખબર પડતાં: યાજ્ઞિક રોડ પર પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં કોઇ ઘટના સામે જ ન આવીઃ અંતે ટેણીયાએ સાચી વિગતો જણાવી ઘરે છુપાવી રાખેલી વીંટી કાઢી આપી

રાજકોટ તા. ૨૩: પરિક્ષાનો હાઉ અને વાલીઓ દ્વારા ઠપકો મળવાના ભયથી ઘણીવાર અમુક છાત્રો ખોટી સ્ટોરી ઘડી કાઢતાં હોય છે. આવા જ એક કિસ્સામાં આજે જાગનાથ પ્લોટ વિસ્તારના ૧૫ વર્ષના ધોરણ-૧૦ના છાત્રએ પોતાને સ્કૂલની પેરેન્ટ્સ મિટીંગ બાદ નબળા અભ્યાસ સબબ પિતા તરફથી ઠપકો મળશે તેવા ભયને લીધે પોતાના અપહરણ અને લૂંટની સ્ટોરી ઘડી કાઢી હતી. જો કે પોલીસ તપાસમાં તેની ખોટી કહાની સામે આવી ગઇ હતી.

આજે સવારે એક ટેણીયો કે જે ધોરણ-૧૦માં ભણે છે. તેની સ્કૂલમાં વાલીઓની મિટીંગ હોઇ આ ટેણીયાના માતા-પિતા મિટીંગમાં ગયા હતાં. પોતે ભણવામાં નબળો હોઇ મિટીંગમાંથી આવ્યા બાદ પોતાને પિતા તરફથી માર કે ઠપકો મળશે તેવો ભય લાગતાં આ છાત્રએ માતા-પિતા ઘરે આવતાં જ એક સ્ટોરી ઘડી કાઢી હતી. તેણે કહ્યું હતું કે પોતે સ્ટેશનરીનો સામાન લેવા નીકળ્યો ત્યારે જાગનાથમાંથી પોતાને બે બુકાનીધારી શખ્સો કારમાં ખેંચીને ઉઠાવી ગયા બાદ પોતે પહેરેલી વીંટી લૂંટીને બાદમાં પોતાને ઉતારી મુકી ભાગી ગયા છે.

દિકરાની આ વાતથી માતા-પિતા હેબતાઇ ગયા હતાં અને તેને સાથે લઇ એ-ડિવીઝન પોલીસ મથકે પહોંચતા પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં ટીમના પીએસઆઇ પી. પી. ચાવડા, ક્રિપાલસિંહ ઝાલા સહિતની ટીમ તપાસમાં નીકળી ગઇ હતી. છાત્રએ જે ઘટના સ્થળ બતાવ્યું હતું ત્યાં અનેક સીસીટીવી કેમેરા હતાં. તેમજ તેને જ્યાં ઉતારાયાનું કહેવાયું હતું એ જગ્યાએ પણ કેમેરા હોઇ ફૂટેજ ચેક કરતાં કયાંય કોઇ અપહરણની ઘટના નજરે ચડી નહોતી. બાદમાં આ છાત્રની  સમજાવટથી પુછતાછ કરવામાં આવતાં તેણે પોતાને ઠપકો મળશે તેવો ભય લાગતાં વીંટી લૂંટાઇ ગયાની સ્ટોરી ઘડી કાઢ્યાનું કબુલ્યું હતું. (૧૪.૧૦)

(3:36 pm IST)