Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

જૂના ગીતો તાકાતવાળા, નવા ગીતોના શબ્દોમાં વજન નથીઃ કવિતામૂર્તિ કાલે અમારી અને શ્રોતાઓ વચ્ચે મુકાબલો જામશેઃ હેમાલી સેજપાલ

કાલે રાત્રે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ અંતર્ગત વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આશા ભોંસલે સાથે ગીતોની જમાવટ કરનાર કલાકારો અને સાજીંદાઓની જમાવટ

સાજીંદાઓ-વાજીંત્રો વગર કવિતામૂર્તિએ ગીતો રેલાવ્યા : અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ગાયીકા કવિતામૂર્તિ અને હેમાલી સેજપાલે અકિલા ફેસબુક લાઈવમાં મુલાકાત આપી હતી જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૩ :. રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટ ખાતે ૨૬મી જાન્યુઆરીએ રવિવારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં થનાર છે ત્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અનુસંધાને કાલે રાજકોટમાં કોર્પોરેશનમાં વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં ગીત-સંગીતની મહેફીલ બરાબરની જામશે. જેમાં આશા ભોંસલે સાથે ગીતોનું ગાયન કરનાર જાણીતા ગાયીકા કવિતામૂર્તિ તથા રાજકોટના હેમાલી સેજપાલ સહિત અનેક ગાયકો અને સાજીંદાઓ રાજકોટના લોકોને મોજ કરાવશે.

અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ફેસબુક લાઈવમાં કવિતામૂર્તિ અને હેમાલી સેજપાલે આવતીકાલે યોજાનાર કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.

ગાયીકા કવિતામૂર્તિએ જણાવ્યુ હતુ કે, મેં વારંવાર રાજકોટમાં કાર્યક્રમો આપ્યા છે, પરંતુ કાલનો કાર્યક્રમ અલગ હશે. રાજકોટના લોકોને જૂના ગીતો પીરસવામાં આવશે.

ગાયીકા કવિતામૂર્તિએ જણાવ્યુ કે જૂના ગીતો સાંભળવાથી યાદો તાજી થઈ જાય છે. જૂના ગીતોના શબ્દોમાં અનોખી તાકાત હોય છે. આજકાલના ગીતોના શબ્દોમાં વજન નથી હોતો. આવા ગીતોનો થોડો સમય ટ્રેન્ડ ચાલે છે પછી લોકો ભૂલી જાય છે. કવિતામૂર્તિએ અકિલા ફેસબુક લાઈવમાં ગીતોની ઝલક બતાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

મૂળ રાજકોટના અને હાલમાં મુંબઈમાં બોલીવુડ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરનાર હેમાલી સેજપાલે જણાવ્યુ હતુ કે કાલે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં માહોલ બરાબરનો જામશે. અમારી અને શ્રોતાઓ વચ્ચે મુકાબલો બરાબરનો જામશે. મને રાજકોટના લોકો સાથે ઘણા સમય પછી રૂબરૂ થવાનો અવસર મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના હેમાલી સેજપાલે ન્યુઝ એન્કર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરીને હાલમાં હેમામાલિની, આશા ભોંસલે સહિતના સાથે સિરીયલો, ભોજપુરી ફિલ્મો, હિન્દી ફિલ્મો, ગીતોના કાર્યક્રમો રજૂ કર્યા છે.

હેમાલી સેજપાલે જણાવ્યુ કે રાજકોટથી મુંબઈની સફર સફળતાપૂર્વક પાર કરી છે. વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરવા માટે અમેરિકામાં પણ ગુજરાતી ગીતોનું ગાયન કરીને ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવા પ્રયાસ કર્યો છે.

આવતીકાલે યોજાનાર કાર્યક્રમમાં ભારતીબેન નાયક, સંજય મરાઠા અને ૬૦ સાજીંદાઓની ટીમ જમાવટ કરશે.

(4:08 pm IST)