Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

બેભાન હાલતમાં છ વ્યકિતના શ્વાસ થંભ્યા

ધરમ સિનેમા પાછળ રહેતાં જે. ડી. રાજપોપટ, રૈયારોડ ઇન્દ્રપ્રસ્થના રમેશભાઇ અઢીયા, ગાંધીગ્રામના વિનોદભાઇ હડિયલ, બેડીના અખિલેશ, પીરવાડીના મહેશભાઇ ગોહેલ અને મનહર સોસાયટીના ઉષાબેન હળવદીયાએ દમ તોડ્યો

રાજકોટ તા.૨૩: બેભાન હાલતમાં છ લોકોના સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યા હતાં. જેમાં નિવૃત પીડબલ્યુડી કર્મચારી અને નિવૃત એસટી કર્મચારીનો પણ સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધરમ સિનેમા પાછળ ગવર્નમેન્ટ કવાર્ટર ઇ-૪માં બહેન સાથે રહેતાં જગજીવનભાઇ દુર્લભજીભાઇ રાજપોપટ (ઉ.વ.૬૧) સાંજે સાડા પાંચેક વાગ્યે બાલાજી હોલ નજીક ન્યુ લક્ષ્મી સોસાયટીમાં મિત્ર અરજણભાઇ પટેલના ઘરે બેસવા ગયા ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસ મથકના હરદેવસિંહ રાઠોડે કાર્યવાહી કરી હતી. મૃતક અગાઉ પીડબલ્યુડીમાં નોકરી કરતાં હતાં અને હાલ નિવૃત હતાં.

બીજા બનાવમાં રૈયા રોડ હનુમાન મઢી પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી એપાર્ટમેન્ટમાં રહેતાં એસટી ડિવીઝનના નિવૃત કર્મચારી રમેશભાઇ છોટાલાલભાઇ અઢીયા (ઉ.વ.૭૮) રાત્રે નવેક વાગ્યે અચાનક બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. મૃતક ચાર ભાઇ અને ચાર બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પુત્રએ તેમને બાથરૂમમાં લઇ જવા માટે ઉભા કર્યા ત્યાં તેમના ખભા પર જ માથુ ઢળી ગયું હતું.

ત્રીજા બનાવમાં ગાંધીગ્રામ શાસ્ત્રીનગર-૫માં રહેતાં અને પ્લમ્બીંગનું કામ કરતાં વિનોદભાઇ ગોવિંદભાઇ હડિયલ (સથવારા) (ઉ.વ.૪૭) યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક પાસે શિલ્પન ફલેટની સાઇટ પર પ્લમ્બીંગ કામ પુરૂ કરી સાંજે ઘરે જવા નીકળ્યા ત્યારે બાથરૂમ પાસે ચક્કર આવતાં પડી જતાં અને બેભાન થઇ જતાં તેમના પુત્ર લક્ષમણભાઇ સહિતે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃતક ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

ચોથા બનાવમાં મોરબી રોડ પર બેડી ગામમાં જયરાજ પ્રા.લિ. નામના કારખાનામાં સાડી પ્રિન્ટીંંગનું મજૂરી કામ કરતો પરપ્રાંતિય યુવાન અખિલેશ રાજેન્દ્રભાઇ સિંગ (ઉ.૨૨) કારખાનાની ઓરડીમાં હતો ત્યારે છાતીમાં દુઃખાવો થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક છ ભાઇ અને બે બહેનમાં છઠ્ઠો હતો. કુવાડવાના એએઅસાઇ ફતેહસિંહ સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પાંચમા બનાવમાં ગોંડલ રોડ પીરવાડી પાસે સનાતન પાર્કમાં રહેતાં મહેશભાઇ રામજીભાઇ ગોહેલ (ઉ.૪૫) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

છઠ્ઠા બનાવમાં ભાવનગર રોડ પર મનહર સોસાયટી-૪માં રહેતાં ઉષાબેન શામજીભાઇ હળવદીયા (ઉ.વ.૫૫) રાત્રે દસેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરવામાં આવતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(12:50 pm IST)