Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

રાજકોટ ઝોનની છ નગર પાલીકાઓએ સ્વચ્છતામાં મેદાન માર્યુઃ અગ્રતા ક્રમે

'સ્વચ્છતાં સર્વેક્ષણ-ર૦ર૧'માં મોરબી-૭માં ક્રમે, અંજાર ૪ થા ક્રમે, ભુજ ૮માં ક્રમે, ગાંધીધામ ૯માં ક્રમે અને દ્વારકા ૪ થા ક્રમે આપવા પ્રાદેશીક કમિશનર ધીમંત વ્યાસે પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા

રાજકોટ, તા. રર :  કેન્દ્ર સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર ભારતમાં યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ-ર૦ર૧ માં તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં રાજકોટ ઝોન અંતર્ગત આવતી છે. નગર પાલિકાઓએ શ્રેષ્ઠ રેન્કીંગ હાંસલ કરેલ છે જેમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાઓની કેટેગરીમાં ગુજરાત રાજયના રેન્કીંગમાં મોરબી ૭ માં, ભૂજ-૮માં અને ગાંધીધામ નગરપાલિકા ૯ માં ક્રમે આવેલ છે.

જયારે પ૦ હજારથી ૧ લાખ સુધીની વસ્તી ધરાવતી નગરપાલિકાઓની કેટેગરીમાં અંજાર નગરપાલિકા ૪ થા ક્રમે, રપ હજારથી પ૦ હજારની વસ્તી ધરાવતી નગરપાલિકાઓની કેટેગરીમાં દ્વારકા નગરપાલિકા ૪ થા ક્રમે અને ભચાઉ નગરપાલિકા ૮માં ક્રમે આવેલ છે.

આમ ઝોનની નગરપાલિકાઓને સ્વચ્છતા સર્વેક્ષણનાં માપદંડોમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ પ્રાદેશિક કમિશ્નર, ધીમંત વ્યાસ તરફથી અભિનંદન પાઠવીને સ્વચ્છ ભારત મિશન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી જાળવી રાખવા અને તેમાં ઉતરોતર સુધારો કરવા તમામ નગરપાલિકાઓને અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે એક માસમાં જ રાજકોટ ઝોન કચેરી દ્વારા સરકારશ્રીના વિવિધ યોજનાઓ હેઠળ ૧૪ નગરપાલિકાઓની ર૦૧ જેટલા વિકાસ કામોની રૂ. ર૧,૦૧,૧ર,પ૪૦/- ની ર૧ દરખાસ્તોને તાંત્રિક અને વહીવટી મંજુરીઓ આપી દેવામાં આવેલ છે.

જે અન્વયે રૂ. ૭,૮૪,ર૪,૪૩૭ જેવી ગ્રાન્ટ આ નગરપાલીકાઓને હવાલે મુકવામાં આવેલ છે. પ્રાદેશિક કમિશનરશ્રીએ નગરપાલિકાના અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓને આ ગ્રાન્ટનો ઉપયોગ કરીને ઝડપથી મંજૂર થયેલ વિકાસ કામો ગુણવતાયુકત રીતે પુર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

હવે ગુજરાત મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ડો. ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષ સ્થાને તારીખ રપ નવેમ્બરના રોજ રાજકોટ સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે રાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાઓના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી અને ચીફ ઓફીસરશ્રી સાથે યોજાનાર સમિક્ષા બેઠકમાં તમામ યોજનાઓની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવશે.

અત્રે એ પણ નોંધનીય છે કે, ચોમાસા દરમ્યાન પડેલા ભારે વરસાદના કારણે ડેમેજ થયેલા નગરપાલિકા વિસ્તારના રસ્તાઓ રીસર્ફેસ કરવા રાજય સરકારશ્રી તરફથી વર્ગવાર ગ્રાન્ટ સીધી નગરપાલિકાઓના હવાલે મુકવામાં આવેલ.

જેમાં રાજકોટ ઝોનની ર૪ નગરપાલિકાઓના ૩૬.પ૪ કી. મી. ડેમેજ થયેલા રસ્તાઓને રીસર્ફેસ કરવાની રૂ. ૧ર.૮૪ કરોડની દરખાસ્તોને યુધ્ધના ધોરણે તાંત્રિક અને વહીવટી મંજૂરીઓ આપીને નગરપાલિકા વિસ્તારોમાં રોડ રીસર્ફેસીંગની કામગીરીને વેગવાન બનાવવામાં આવેલ છે.

(4:55 pm IST)