Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

મહેશભાઇ સવાણી : ૪૪૩૬ જમાઇઓની ફોજ !

લગ્ન બાદ દરેક યુગલને ૧૨ દિવસની કુલુ-મનાલી ટુર : કોઇ જમાઇનું નિધન થાય તો એ દીકરીને રૂ. ૨૦ લાખ મળે તેવી વ્યવસ્થારાજકોટમાં ૧૭૦ જમાઇ રહે છે : લગ્ન બાદ પણ દીકરી દુઃખી ન થાય તેવું પ્રેરક આયોજન : ૫૦ જમાઇ વચ્ચે એક કેપ્ટન જમાઇ

...જા તુજ કો સુખી સંસાર મિલે દીકરીઓને ભાવૂક વિદાય આપતા મહેશભાઇ સવાણીપિતાશ્રી વલ્લભભાઇ સવાણી તથા માતુશ્રી અંજવાળીબેન સાથે મહેશભાઇ સવાણી, રમેશભાઇ સવાણી અને રાજેશભાઇ સવાણી અને અન્ય સ્વજનો નજરે પડે છે. મહેîદી રંગ લાઍગી...કન્યાઓને સામૂહિક લગ્નોમાં મહેંદીની સામૂહિક રશમની ફાઇલ તસ્વીર.

રાજકોટ : પી.પી. સવાણી ગ્રુપ માત્ર દુઃખી દીકરીઓના લગ્ન જ નથી કરાવતું. લગ્ન બાદ દુઃખી ન થાય તે માટે પણ પરફેકટ આયોજન ધરાવે છે. મહેશભાઇ કહે છે કે, બાપ માત્ર ક્ષણવાર ન હોય, બાપ પણુ આજીવન દાખવીએ છીએ.

મહેશભાઇ સવાણી ૪૪૩૬ જમાઇઓની ફોજ ધરાવે છે. રાજકોટમાં ૧૭૦ દીકરીઓ વળાવી છે. ૧૭૦ જમાઇ તો રાજકોટમાં છે. જમાઇઓનું વિશિષ્ટ નેટવર્ક છે. ૫૦ જમાઇ વચ્ચે એક કેપ્ટન જમાઇ હોય છે. આવા ૯૨ કેપ્ટનો છે. જમાઇ - દીકરીને કંઇ પ્રશ્ન હોય તો એ કેપ્ટનને રજૂઆત કરે છે અને કેપ્ટન તપાસ કરીને સંસ્થા સમક્ષ આ પ્રશ્ન મૂકે છે.

મહેશભાઇ કહે છે કે, ગુજરાતભરમાં મારી દીકરી અને જમાઇ ધબકે છે. દર પાંચ - સાત કિ.મી.ના અંતરે એક દીકરી - જમાઇ છે.

કોઇ જમાઇનું નિધન થઇ જાય તો પણ અલાયદી વ્યવસ્થા મહેશભાઇ સવાણીએ કરી છે. દરેક જમાઇ તેમને આર્થિક મદદ કરે છે. એ દીકરીને રૂ. ૨૦ લાખ મળે તેવું આયોજન છે. ઉપરાંત ખંડિત યુગલ અંગે જુદું તંત્ર વિકસાવ્યું છે.

મહેશભાઇ કહે છે કે, લગ્ન બાદ મેડિકલ અંગેનો પ્રશ્ન આવે તો પણ સંસ્થા રસ લે છે. ઓપરેશન વગેરે જેવા ખર્ચ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. સામાન્ય પરંપરા છે કે, દીકરીની પ્રથમ પ્રસૂતિ પિતાના ઘરે થતી હોય છે. આ પરંપરા પ્રમાણે સંસ્થા દ્વારા દીકરીને પ્રથમ પ્રસૂતિનો તમામ ખર્ચ આપવામાં આવે છે. કોઇ પ્રસંગે છૂટાછેડા જેવી ઘટના બને તો પણ દીકરીના પુનઃ લગ્ન માટે સંસ્થા જવાબદારીપૂર્વક કાર્ય કરે છે.

મહેશભાઇ કહે છે કે, ૨૦૦૮ની સાલમાં એક સંબંધીની બે દીકરીઓના લગ્નો હતા. લગ્નના દશ દિવસ પહેલા દીકરીઓના પિતા વિદાય થયા. આ કપરાકાળમાં એ દીકરીઓના પિતા બન્યો અને લગ્ન સંપન્ન કરાવ્યા. આ પ્રસંગ બાદ વિચાર આવ્યો કે, જે દીકરીઓના બાપ નથી તેના લગ્નો કેમ થતા હશે ? આવી દીકરીઓના લગ્નો કરાવવા શરૂ કર્યા. પ્રથમ પ્રયોગ અમારી નાતમાં કર્યો. બીજો પ્રયોગ હિન્દુ સમાજમાં કર્યો બાદમાં નાત - જાત - ધર્મ - પ્રાંતના ભેદભાવ વગર લગ્નો કરાવવાની પરંપરા શરૂ થઇ હતી.

મહેશભાઇ સવાણી અને પી.પી. સવાણી ગ્રુપની સરાહના કરીએ તેટલી ઓછી છે. તેઓએ સેવા થકી અનોખા સમાજનું નિર્માણ કર્યું છે.

મહેશભાઇ સવાણીએ જણાવ્યું હતું કે, જમાઇઓની ફોજ માત્ર મારી જવાબદારી જ નથી મારી તાકાત પણ છે. આ ફોજ દ્વારા સમાજસેવાના કાર્યોનું નેટવર્ક વધારે સારી રીતે વિકસાવી શકાય તેમ છે. વિશ્વભરમાં કોઇ દેશમાં જમાઇઓનું આવું નેટવર્ક જોવા મળતું નથી. મહેશભાઇ સવાણીએ વિશિષ્ટ નેટવર્ક રચીને વિશ્વને અનોખી પ્રેરણા આપી છે. નાત - જાતના કે ધર્મના ભેદભાવ વગર સામાજિક કાર્યોનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડયું છે.

કરૂણતાઃ ૨૭ દીકરીઓ નોધારી

૩૦૦ લગ્નોમાં ૨૭ દીકરીઓ એવી છે, જેને પરિવારમાં કન્યાદાન આપનાર કોઈ નથીઃ મમ્મી-પપ્પા-ભાઈ વગરની ૧૦૨ દીકરીઓ છે

રાજકોટ, તા. ૨૨ :. મહેશભાઈ સવાણી દુખિયારી દીકરીઓના આશીર્વાદ લઈને મહામાનવ બનવાની દિશામાં અગ્રેસર છે. ડિસેમ્બરમાં સુરતમાં ૩૦૦ દીકરીઓના લગ્નો છે, જેમાં ૨૭ દીકરીઓ સાવ નોધારા જેવી છે. આ દીકરીઓના પરિવારમાં કન્યાદાન આપે તેવું પણ કોઈ હયાત નથી. આવી દીકરીઓના લગ્નો ધામધૂમથી મહેશભાઈ સવાણી કરાવી રહ્યા છે.

૩૦૦માંથી ૧૦૨ દીકરીઓ એવી છે, જેમના મમ્મી-પપ્પા કે ભાઈ હયાત નથી. બાકીની તમામ દીકરીઓના પિતાશ્રી હયાત નથી તેવી છે, જેના લગ્નો ડિસેમ્બરમાં થશે. આ ઉપરાંત એચઆઈવી પીડિત દીકરીઓના લગ્નોની અલગ વ્યવસ્થા કરવામાં આવે છે.

 

દીકરીઓને પસંદગીના વસ્ત્રો

લગ્ન માટે સંસ્થા દીકરીઓને ૧૨ જોડી કપડા આપે છેઃ જેની ખરીદી કરવા ખુદ કન્યા જાય છે અને પસંદગીના વસ્ત્રો ખરીદે છે

રાજકોટ : સુરતમાં પી.પી. સવાણી ગ્રુપ દ્વારા ડિસેમ્બરમાં પિતાશ્રી વિહિન ૩૦૦ દીકરીઓના લગ્નો થશે. મહેશભાઈ કહે છે કે, દીકરીઓને પિતાની ઉણપ ન રહે તે માટે પ્રયાસો થાય છે. લગભગ તમામ ઘરવખરી આપવામાં આવે છે.

સંસ્થા દ્વારા ૧૨ જોડી વસ્ત્રો કન્યાને આપવામાં આવે છે. આ વસ્ત્રોની પસંદગી કન્યા ખુદ કરે છે. માર્કેટમાં કન્યા ખરીદી કરવા જાય છે. જેમાં પોતાની પસંદગીના વસ્ત્રો લાવે છે.

દરેક ચાર કન્યાઓ સાથે એક જૂની કન્યા રહે છે. વસ્ત્રોની પસંદગીમાં મદદરૂપ થાય છે.

(3:49 pm IST)