Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

હરિદ્વાર -ચોટીલાથી પરત આવેલ વ્યકિતઓ થયા કોરોના સંક્રમિત : ૧૨ દર્દીઓ સારવારમાં

રાજકોટમાં ગઇ કાલે બે કેસ નોંધાયા : આજ બપોર સુધીમાં શૂન્ય કેસ : ગઇ કાલે ૨ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો

રાજકોટ,તા. ૨૨ : દિવાળી બાદ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે . રજાઓમાં ફરવા ગયા બાદ પરત ફરેલા લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવી રહ્યા છે . ગઈકાલે સાંજે હરિદ્વારથી પરત ફરેલા પ્રૌઢ અને ચોટીલાથી આવેલા વૃદ્ઘાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા કુલ ૨ નવા કેસ નોંધાયા છે.

ગઇ કાલે બે કેસ નોંધાયા

આ અંગે મનપાના આરોગ્ય વિભાગના સતાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે ગઇ કાલે સાંજે શહેરમાં બે કેસ નોંધાયા છે. જેમાં મવડી વિસ્તારમાં આવેલા ગોવર્ધન ચોક નજીક રહેતા ૫૮ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને હોમ આઇસોલેટ કરાયા છે. આ પ્રૌઢે વેકિસનના બન્ને ડોઝ લીધા છે . તેઓ હાલમાં જ હરિદ્વારથી યાત્રા કરી પરત રાજકોટ આવ્યા છે. તેમના હાઈરિસ્ક સંપર્કમાં આવેલા ૨ લોકો અને અન્ય ૧૪ લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરાઈ છે. શહેરમાં બીજો કેસ વોર્ડ નં .૭ ના રઘુવીરપરામાં નોંધાયો છે. જયાં ૭૮ વર્ષીય વૃદ્ઘાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ વૃદ્ઘા તાજેતરમાં જ ચોટીલાથી પરત રાજકોટ આવ્યા હતા . વૃદ્ઘાના સંપર્કમાં આવેલા ૧ હાઈ રિસ્ક કોન્ટેકટ અને લો રિસ્ક કોન્ટેકસ્ટમાં આવેલા અન્ય ૫ લોકોનો ટેસ્ટ કરવા તજવીજ કરાઈ છે.

અત્રે નોંધનીય છે કે ગત સપ્તાહે પણ હરિદ્વારથી પરત આવેલ મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

બપોર સુધીમાં

કોરોનાનો '૦' કેસ

 આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૭૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૪૦૧  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૧૪૧૮ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૧૨ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૭૦,૭૬૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૭૧ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૯૧  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૦ ટકા એ પહોંચ્યો છે. હાલ ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે. 

(3:43 pm IST)