Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

મચ્છરજન્ય રોગચાળો યથાવત : ડેન્ગ્યુ - મેલેરિયાના ૨૮ કેસ

મચ્છરના ઉપદ્રવ અંગે ૮૦૫ને નોટીસ - ૩૦૦૦નો દંડ વસુલાયો : ૪ હજાર મકાનોમાં ફોગીંગ

રાજકોટ તા. ૨૨ : શહેરમાં કોરોના હવે લગભગ કાબુમાં આવી ગયો છે પરંતુ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકતા છેલ્લા ૭ દિવસમાં ડેન્ગ્યુ, મેલેરિયાના ૨૮ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા. ૧૫ થી તા. ૨૧ સુધીમાં ડેન્ગ્યુના ૨૪ તથા મેલેરિયાના ૪ તથા ચિકનગુનિયાના ૩ કુલ ૩૧ કેસ નોંધાતા સીઝનના ડેન્ગ્યુના ૩૮૬, મેલેરિયાના ૫૩ તથા ચિકનગુનિયાના ૨૯ કેસ નોંધાયા છે.

મચ્છરો માટે ૩૦૦૦નો દંડ

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહકનિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૫ થી તા.૨૧ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૪૬,૭૮૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૪,૮૫૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ તિરૂપતિપાર્ક, ગણેશપાર્ક, અમૃતપાર્ક, ખત્રીવાડ, આનંદનગર, શ્રીરામ સોસા., દરબારગઢ વિસ્તાર, જયરાજપ્લોટ, ગીતાનગર, મહાત્મા ગાંધી પ્લોટ, ૫રસાણા સોસા. શેરી નં. ૬, ૭, ૮, અવધપાર્ક, રામેશ્વર પાર્ક, રાજ રેસીડેન્સી, અમૃત રેસીડેન્સી - ર , રાજનગર (રેલનગર), ન્યુ સાગર શેરી નં. ૧ થી ૮, તિરૂપતિ સોસા. કોઠારીયા રોડ, મુરલીધર પાર્ક, ગોલ્ડન પાર્ક, માટેલ સોસા., સ્વામીનારાયણનગર પાર્ક, જીવરાજપાર્ક, રૂડાનગર - ર, અમરજીતનગર, સખીયાનગર વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ઘ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૫૫૧ પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે.

જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ ૮૦૫ આસામીને નોટીસ આપી રૂ.૩૦૦૦નો વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

(3:42 pm IST)