Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ગોંડલ સંપ્રદાયના અનશન આરાધિકા

પૂ.ભાગ્યવંતાજી મ.સ.ની. કાલે ૨૯ મી પુણ્યતિથિ : ૫૯ દિવસ સંથારો ચાલેલ

રાજકોટઃ ઈ.સ.૧૯૯૨નું વર્ષ રાજકોટ જૈન સમાજના ઈતિહાસમાં યાદગાર રહેલ.રાજકોટની ધન્ય ધરા ઉપર ગોંડલ સંપ્રદાયના ૭ સંતો તથા ૮૫ પૂ.સતિવૃંદ કુલ ૯૨ સંત - સતિજીઓનું સમૂહ ચાતુર્માસ થયેલ.

તપ સમ્રાટ તપોધની પૂ. રતિલાલજી મ.સા.,વાણી ભૂષણ પૂ.ગિરીશચંદ્રજી મ.સા.,આગમ દિવાકર પૂ.જનકમુનિ મ.સા.આદિ સાત સંતો જૈન ભુવનમાં તથા મોટા સંઘ સંચાલિત સરદાર નગર ઉપાશ્રયે ૮૫ મહાસતિજીઓ બીરાજમાન હતાં.ચાતુર્માસના એ દિવસો દરમ્યાન જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની હેલી વરસી રહી હતી.પ્રવચન શ્રવણ કરવા હજારો ભાવિકો ઉપસ્થિત રહેતાં હતાં. ભામાશા સ્વ.રમણીકલાલ નાગરદાસ શાહ પરિવારની સેવા ભકિત પણ અજોડ હતી.

ચતુર્વિધ સંઘ તપ ધર્મની આરાધના અને ઉપાસનામાં ઉત્સાહ ભેર જોડાયેલ.પૂજય બા સ્વામીના હૂલામણા નામે ઓળખાતા પૂ.ભાગ્યવંતાજી મ.સ.ના અંતરમાં પડેલી વર્ષોની ભાવના મૂર્તિમંત બનવાના દિવસો આવી ગયા. તેઓએ ૨૬ માં ઉપવાસે પુણ્યશાળી અને ભાગ્યશાળી એવી રાજકોટ, સરદાર નગર ઉપાશ્રયની તીર્થ ભૂમિ ઉપર તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ના શ્રીમુખેથી સંથારાના પચ્ચખાણ અંગીકાર કરી આત્મ ભાવમાં લીન બની ગયાં.

હસતાં હસતાં પ્રસન્ન ચિત્ત્।ે મૃત્યુને લલકારે છે કે મેં મારુ કાર્ય કરી લીધું છે હવે તારે જયારે આવવું હોય ત્યારે આવી જજે. હવે,જીવવાનો મોહ નથી અને મૃત્યુની દરકાર નથી. સંથારાના પચ્ચખાણ લઈ જીવનની સર્વ શ્રેષ્ઠ સાધનામાં લાગી જાય છે.આવા જ શુભ ભાવ સાથે ત્રીજા મનોરથની સાધનામાં પૂ.ભાગ્યવંતાજી મ.સ.જોડાઈ ગયાં.

સંથારાના સમાચાર વાયુ વેગે દેશ - દેશાવરમાં પ્રસરી ગયાં. દિન - પ્રતિદિન ભાવિકો અનશન આરાધિકાના દર્શન માટે ઉમટી પડતાં.રીક્ષામાં બેઠેલા મુસાફરે રીક્ષાવાળા કાકાને પુછ્યુ કે આ લાંબી લાઈન શેની છે? કાકાએ જવાબ આપેલ કે વાણિયાના પૂંજ દેવ થવાના છે એટલે તેના દર્શને આ બધા લાઈનમાં ઉભા છે. અજૈન લોકોનાં મનમાં પણ આ આત્મા પ્રત્યે પૂજનીય ભાવ હતાં કે આ આત્મા દેવ થવાનો છે.લાંબી,લાં.....બી કતારોમાં એકદમ શિસ્ત સાથે ભાવિકો દર્શન કરી ભાવ વિભોર થઈ જતાં.દર્શનાર્થીઓની શિસ્ત નિહાળી તે સમયના કલેકટર શ્રી જગદીશને પણ જૈન સમાજની પ્રશંસા કરેલ.એ સમયે પ્ર નગર પોલીસ સ્ટેશનમાં સી.પી.દલાલ પી.આઈ. હતાં. જૈન હોવાને કારણે બંદોબસ્તની વિશેષ જવાબદારી પોલીસ કમિશ્નરશ્રીએ તેઓના શિરે સોંપેલ.

વલસાડ,મગોદ પ્રાણધામ ખાતે સ્થિરવાસ બીરાજમાન ગોંડલ સંપ્રદાય વરિષ્ઠા પૂ.પ્રાણકુવરબાઈ મ.સ.એ મનોજ ડેલીવાળાને જણાવેલ કે અનશન આરાધિકા પૂ.ભાગ્યવંતાજી મ.સ.ની સમતા જબરદસ્ત હતી.તેઓ સદા પ્રભુ મસ્તીમાં જ મસ્ત રહેતાં.અનશન પૂર્વે પણ આ આત્માએ ૧૦૧ આયંબિલ, સળંગ ૯૯ એકાસણા,છકાઈ,અઠ્ઠાઈ વગેરે અનેક નાની - મોટી તપ સાધના કરી આત્માને તપના સંસ્કારોથી ભાવિત કરેલ.ગૃહસ્થાશ્રમાં પણ તેઓએ ૧૩ વર્ષ સુધી વરસી તપની સુંદર આરાધના કરેલ. આ સંસ્કાર તેઓના રત્નકુક્ષિણી માતુશ્રી જેકુંવરબેન તથા ઉપકારી ધર્મ પ્રિય પિતા ઝવેરચંદભાઈ રૂપાણી પરિવારમાંથી પ્રાપ્ત થયેલ. તેઓનો જન્મ જુનાગઢ જિલ્લાના મહંતની પીપળી ગામમાં વિ.સં.૧૯૭૧ જેઠ સુદ પાચમના થયેલ.ખાખરીયા નિવાસી શ્રી જુઠાભાઈ દ્યેલાણીના સુપુત્ર શ્રી ફુલચંદભાઈ સાથે પ્રભાબેન લગ્ન ગ્રંથિથી જોડાયેલ.ચાર પુત્રો અને એક પુત્રી સાથે દામ્પત્ય જીવન વ્યતિત કરી રહ્યાં હતાં. અચાનક શ્રી ફુલચંદભાઈનું દેહાવસાન થયું. જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો.ગોં.સં.ના અખંડ સેવાભાવી સ્વ.પૂ.ભદ્રાબાઈ મ.સ.એ સમયે કહ્યું કે બસ,આનું નામ જ સંસાર.કર્મની આ જ વિચિત્રતા છે.ઉદયનો સહર્ષ સ્વીકાર કરી આત્માને ધર્મમાં જોડી દયો.

વિ.સં.૨૦૨૯ મુંબઈ મલાડ ચાતુર્માસમાં પૂ.ભદ્રાબાઈ મ.સ.ના સત્સંગથી તેઓ વૈરાગ્યવાસિત બન્યાં.બીજા જ વર્ષે વિ.સં.૨૦૩૦ વૈ.સુદ દશમ તા.૧/૫/૧૯૭૪ ના શુભ દિને મુંબઈ મલાડ સંદ્યમાં તપોધની પૂ.રતિલાલજી મ.સા.ના શ્રીમુખેથી દેવોને પણ દર્લભ એવો કરેમિ ભંતેનો પાઠ - દિક્ષા મંત્ર ભણી પ્રવજયા પંથે પ્રયાણ કર્યુ.

જન્મ ભલે સૂતા - સૂતા થયો પરંતુ મૃત્યુ તો બેઠા - બેઠા જ થવું જોઈએ.ખરેખર, આ ભાવ તેઓના રાજકોટ ઈ.સ.૧૯૯૨ ના સમૂહ ઐતિહાસિક ચાતુર્માસમાં અનશન વ્રત અંગીકાર કરી ચરિતાર્થ થયા. પૂ.ભાગ્યવંતાજી મ.સ.એ પૂ.ગુરૂણી મૈયા સાથે મુંબઈ પાર્લાથી લઈ સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાતુર્માસ કર્યા. પૂ.અજીતાજી મ.સ.એ પોતાના અનુભવની વાત કરતાં કહ્યું કે સહવર્તી નાના - નાના સાધ્વીજીઓને સંયમ માર્ગમાં પૂ.ભાગ્યવંતાજી મ.સ.સહાયક બનતાં. દરેક ઉપર અનહદ વાત્સલ્ય વરસાવે જેથી તેઓ પૂ.બા સ્વામી તરીકે સુવિખ્યાત બન્યા. તેઓએ નિડર વકતા પૂ.ધનકુંવરબાઈ મ.સ.ની પણ અગ્લાન ભાવે સેવા - વૈયાવચ્ચ કરી તેઓના કૃપા પાત્ર બનેલ.

પૂ.બા સ્વામીના અનશન વ્રતના દિવસો દરમ્યાન કડાયા સાધ્વીજી તરીકે પૂ.ઉષાબાઈ સ્વામી તથા પૂ.બા સ્વામીના ગુરુણી મૈયા અખંડ સેવાભાવી પૂ.ભદ્રાબાઈ મ.સ.રહેલ.દરેક પૂ.મહાસતિજીઓએ પણ અનશન આરાધક આત્માની અંતરના અહોભાવથી અનુમોદના કરી વિવિધ સેવા કાર્યોમાં સહાયક બનતા.

૫૯ - ૫૯ દિવસ અનશન વ્રત ચાલેલ.૬૦ માં દિવસની વહેલી સવારે ૫:૦૫ પાંચને પાંચ મિનિટે તેઓએ પંડિત મરણને પ્રાપ્ત કરી દેવલોકગમન કર્યું. મૃત્યુને ખરેખર તેઓએ મહોત્સવ બનાવ્યું. વૈયાવચ્ચ રત્ન ચંદ્રકાન્તભાઈ શેઠે જણાવ્યું કે પૂ.બા સ્વામીની પાલખી યાત્રામાં માનવ મહેરામણ કિડિયારાની જેમ સ્વયંભૂ ભકિત ભાવે ઉમટી પડેલ. 

(3:39 pm IST)