Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ઇસ્કોન મંદિર દ્વારા કાલે હરિનામ સંકિર્તન સાથે રેલી

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાના વિરોધમાં એક સાથે ૧૫૦ દેશોમાં : ઇન્દિરા સર્કલથી પ્રારંભ થઇ કોટેચા ચોકમાં સમાપન : સ્વામીનારાયણ સંપ્રદાય, વિશ્વ હિન્દુ પરિષદ, આર.એસ.એસ., અકાલી હિન્દુ સેના, શિવસેના સહિતના એકમો પણ સાથે જોડાશે

રાજકોટ તા. ૨૨ : બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલાના વિરોધમાં વિશ્વભરના ૧૫૦ દેશોમાં ઇસ્કોન દ્વારા કાલે તા. ૨૩ ના શનિવારે હરિનામ સંકીર્તન સાથે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરાયુ છે.

ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા કાલે શનિવારે સાંજે ૭ વાગે ઇન્દિરા સર્કલથી કોટેચા ચોક સુધી હરિનામ સંકીર્તન સાથે શાંતિપૂર્ણ રેલી યોજવામાં આવશે. તેમ પ્રમુખ વૈષ્ણવસેવાદાસજીની યાદીમાં જણાવાયુ છે.

તેઓએ યાદીમાં જણાવ્યુ છે કે તા. ૧૩ ઓકટોબરના બાંગ્લાદેશના અનેક હિન્દૂ મંદિરો પર કટ્ટરપંથીઓ દ્વારા હુમલા કરવામાં આવેલ હતા. જેમાં અનેક દુર્ગા માતાજી ના પંડાલો તેમજ મંદિરોને નિશાના બનાવાયા હતા. આ હુમલાઓમાં ઇસ્કોન મંદિર, નોઆખલી (બાંગ્લાદેશ) ના બે ભકતો સહીત અનેક હિન્દૂઓ મૃત્યુ પામ્યા હતા. આ ઘટના ના વિરોધ માં બાંગ્લાદેશ સહિત વિશ્વ ભરના દેશોમાં હિંદુઓને સુરક્ષા મળે તે હેતુથી અને બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત અલ્પસંખ્યકોના રક્ષણ માટે વિશ્વભરના ઇસ્કોન મંદિરો દ્વારા ૧૫૦ કરતા વધુ દેશોમાં  તા. ૨૩ ના શનિવારે હરિનામ સંકીર્તન સાથે હિન્દુઓ માટે ન્યાયની માંગણી માટે શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવશે.

ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા તા. કાલે શનિવારે સાંજે ૭ વાગે ઇન્દિરા સર્કલ થી કોટેચા ચોક સુધી હરિનામ સંકીર્તન સાથે યોજવામાં આવનાર શાંતિપૂર્ણ રેલીમાં ઇસ્કોન મંદિર રાજકોટના ભકતો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય BAPS તેમજ ગુરુકુળ ના સંતો, RSS,  વિશ્વ હિન્દુ પરિષદ, અકાલી હિન્દુ સેના, શિવસેનાના અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ આ રેલી જોડાશે.

આ રેલીનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશી હિન્દુઓ સહિત અલ્પસંખ્યકોના રક્ષણનો તેમજ હુમલામાં માર્યા ગયેલા લોકોને ન્યાય આપવાનો છે. તેમ અંતમાં વૈષ્ણવસેવા દાસ, પ્રમુખ-ઇસ્કોન મંદિર, રાજકોટ અને ભાવિક પંડયા (મો. ૯૭૨૬૭ ૯૭૨૦૭) મીડિયા એન્ડ કોમ્યૂનિકેશન ઇન્ચાર્જની યાદીમાં જણાવાયુ છે.

(4:04 pm IST)