Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

રાજકોટ તાલુકાના ગામોને પણ અસરગ્રસ્ત જાહેર કરો

સરપંચ સમિતિ રાજકોટ તાલુકા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત : સાતેક ગામને બાદ કરતા અન્ય ગામોમાં મોટી નુકશાનીનો દાવો

રાજકોટ તા.૨૨ : ભારે વરસાદથી નુકશાનીનો ભોગ બનેલ રાજકોટ તાલુકાના ગામોને પણ અસરગ્રસ્ત જાહેર કરવા સરપંચ સમિતિ રાજકોટ તાલુકા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીને પહોંચાડવા કલેકટરશ્રીને પાઠવાયેલ આવેદનપત્રમાં રજુઆત કરતા એવુ જણાવાયુ છે કે રાજકોટ તાલુકાના સાતેક ગામોને બાદ કરતા અન્ય બાકીના તમામ ગામોમાં પાછળના વરસાદથી મોટુ નુકશાન થયુ છે. પાકની તારાજી થઇ છે.

સરકારી આંકડા પ્રમાણે જે સર્વે થયો છે તે ગ્રાઉન્ડ લેવલ પર થયો ન હોવાથી વિસંગતતા સર્જાઇ છે. જેથી દિવસ પાંચમાં રી-સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવા સરપંચ સમિતિ રાજકોટ તાલુકા દ્વારા રજુઆતના અંતમાં માંગણી ઉઠાવવામાં આવી છે.

ગવરીદડ, ખેરડી, ગઢકા, કાળીપાટ, ધમલપર, કણકોટ, ફાડદંગ, વડાળી, ખીજડીયા, પારેવાડા, મહીકા, ભુપગઢ, સમઢીયારા, હલેન્ડા, ડુંગરપુર સહીતના સરપંચશ્રીઓની સહીઓ સાથે આવેદનપત્ર સુપત્ર કરાયુ હતુ.

(3:55 pm IST)