Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

દર્શન યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ૨૪ કલાકની 'સ્ટુડન્ટ અચીવર એવોર્ડ-૨૦૨૧' સ્પર્ધા સંપન્ન

રાજકોટ, તા. ૨૨ :. દર્શન યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં સિવિલ એન્જીનિયર બનવા માટેની જરૂરી સ્કીલ ડેવલપ કરવાના ઉદ્દેશ સાથે 'સ્ટુડન્ટ અચીવર એવોર્ડ-૨૦૨૧' અંતર્ગત વિદ્યાર્થીઓમાં રહેલી આવડતની ચકાસણી હેતુ ત્રણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ. સ્પર્ધા પહેલા ફેકલ્ટી દ્વારા એક મહિનો વિદ્યાર્થીઓને ટ્રેનીંગ અપાઈ. સ્પર્ધામાં વિજેતાઓને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર (આઈએએસ) તથા બાંધકામ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા મહાનુભાવોની હાજરીમાં ઈનામ વિતરણ કરી સન્માનીત કરાયા હતા.

દર્શન યુનિવર્સિટી દ્વારા ત્રણ સ્પર્ધાઓ અંતર્ગત ૧. સિવિલ સાઈટ એન્જીનિયર કે જે સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓ ચણતરકામ, પ્લાસ્ટર, ક્રોંક્રીટ વર્ક જેવી બાંધકામની પ્રવૃતિનું મોનીટરીંગ અને તેમા વપરાતા મટીરીયલ ગુણવત્તાની ચકાસણી કરતા શિખ્યા. જ્યારે ૨. એન્જીનિયરીંગ કોન્ટ્રાકટર સ્પર્ધામાં ભાગ લઈને વિદ્યાર્થીઓ બિલ્ડીંગના ભાગો તથા તેમા વપરાતા મટીરીયલ અને સાધન સામગ્રીની ગણતરી કરવી, બાંધકામના ખર્ચનો અંદાજ મેળવવો તેમજ સરકારી કોન્ટ્રાકટ લેવા માટેની કાર્યવાહી (ટેન્ડરીંગ) કરતા શિખ્યા. જ્યારે ૩. અરાઈઝીંગ આર્કિટેકટ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિસ્તારના પ્લાનીંગના ધારાધોરણ અને નિયમો મુજબ વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખી બિલ્ડીંગનું પ્લાનીંગ અને તેના ૩ડી એનીમેશન બનાવ્યા હતા કે જે સ્પર્ધા માટે વિદ્યાર્થીઓ ૨૪ કલાક કોલેજના કેમ્પસમાં રહીને જ ટાસ્ક પૂર્ણ કર્યા હતા. જેમાં યુનિવર્સિટીના પ્રોફેસરો સાગર ગલાણી, ચિંતન રાયચુરા તથા ચેતન સોલંકી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી. જેનુ મૂલ્યાંકન ઈન્ડસ્ટ્રીઝના નિષ્ણાંતો કમલેશ પારેખ (આર્કિટેકટ), રસિકભાઈ ભડાનીયા (ફોનિકસ પ્રોજેકટસ), ધ્રુમીતભાઈ પંડયા (કોરલાઈન કન્સલ્ટન્ટ), સતિષભાઈ ગોઠી (નેશનલ કન્સ્ટ્રકશન), વિમલભાઈ થોરિયા (આર્કિટેકટ), નિરવભાઈ રાણપરા (આર્કિટેકટ), કૃણાલભાઈ ઢોલરીયા (સદ્ભાવ એન્જીનીયરીંગ) વગેરેના માર્ગદર્શન હેઠળ સિવિલ એન્જીનિયરીંગના ધારાધોરણ પ્રમાણે કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમારજીએ જણાવ્યુ હતુ કે, આ એક અનોખી સ્પર્ધા છે અને આ ચોક્કસપણે ફીલ્ડ સાઈટ અને વિદ્વાનો વચ્ચેનું અંતર દૂર કરશે. આ પ્રસંગે દર્શન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો. રમણીકભાઈ ધમસાણિયા તથા વાઈસ ચાન્સેલર મનીષભાઈ સંઘાણીએ તમામ વિજેતાઓ તથા સિવિલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટના પ્રોફેસરોને અભિનંદન પાઠવ્યા હતા.

(3:04 pm IST)