Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

તંત્ર એ શરીર-મનને ચોખ્ખુ કરવાની ટેકનિક છે :- માઁ સામિયા તમે આત્માને ખોજો આત્માના સાથી ને નહીં. :- માઁ રાબિયા

શિવજીએ તંત્ર-સુત્રમાં પાર્વતી સાથેના સંવાદ દ્વારા ૧૧૨ અદભૂત વિધિઓ આપેલ છે જેમાંથી ૧૨ વિધિઓ અને તેને લગતી પ્રશ્નોતરી ઓશોએ સમજાવી છેઃ- સ્વામીનલીનજી : હકીકતમાં તંત્ર એ જીવન જીવવાની સાચી કલા છેઃ વાસનાની ઊર્જાને હટાવી કેવી રીતે સુંદર જીવવું તે ઓશોએ તંત્રમાં દર્શાવ્યું છે

  રાજકોટ, તા.૨૨: ઓશોના વિચારોને કારણે સમગ્ર વિશ્વમાં ક્રાંતિકારી પરિવર્તન થઈ રહ્યા છે. તેઓએ તંત્ર વિશે ખુબ સુંદર વિચારો મૂક્યા છે. તંત્ર એ ભગવાન સુધી પહોંચવાનો કુદરતી માર્ગ છે, ભગવાન સુધી પહોંચવાનો સામાન્ય રસ્તો છે. ધ્યેય એટલું સરળ બનવાનું છે કે, મનથી દૂર, આપણે અંતિમ સ્વરૂપમાં સમાઈ જઈએ - કે સ્ત્રી પોતાનામાં ખોવાઈ જાય અને પરમનો દ્વાર બને, એજ રીતે પુરુષ પોતાનામાં ખોવાય જાય અને પરમનો દ્વાર બને. તંત્ર એટલે બધુંજ. માણસ અંદરની ઇચ્છાથી લઇ ભગવાન સુધી દરેક ચીજ સ્વિકારે જેમાં બધું જ આવી જાય તે તંત્ર છે. તંત્ર એ શરીર-મનને ચોખ્ખું કરવાની ટેકનિક છે. અકિલા ખાતે પધારેલ ઓશો અનુંયાયી માઁ સામિયા (કેરળથી), માઁ રાબિયા (દિલ્હીથી) અને સ્વામી નલીનજી (અમદાવાથી) એ તંત્ર વિશે તેમના વિચારો દર્શાવ્યા હતા.

 માઁ સામિયાએ જણાવ્યું હતું કે, આજકાલ તંત્રને નામે યુટ્યુબ પર કે ગુગલમાં સેકસનો પ્રભાવ વધ્યો છે. લોકો મસાજ વગેરેનો તંત્રના નામે પરિચય આપે છે. હકીકતમાં ઓશોએ તંત્રની પરિભાષાને યોગ્ય રીતે રજુ કરી છે. હકીકતમાં તંત્ર એ જીવન જીવવાની સાચી કલા છે. વાસનાની ઊર્જાને હટાવી કેવી રીતે સુંદર જીવવું તે ઓશોએ તંત્ર માં દર્શાવ્યું છે. તંત્ર એ એક ટેકનિક એટલે કે કલા છે. અદ્વેતતાનું પ્રેકિટકલ ફોર્મ છે તંત્ર. દરેકના શરીરમાં તંત્ર હોય છે જે ઉર્જા પરિવર્તનની પ્રતિક્રિયાઓ આપે છે. મનુષ્યના જીવનમાં કામઉર્જા મહત્વની ઉર્જા બને છે તે ઉર્જાના ઉપયોગ દ્વારા પરમઅવસ્થા કેવી રીતે પામી શકાય તેના વિશે ઉંડાણપૂર્વક સમજણ ઓશો એ તંત્ર વિજ્ઞાન દ્વારા આપી છે. તંત્રને આત્મસાત કરવા તમારે તંત્રની ભાવનાને આત્મસાત કરવી પડશે.

 માઁ રાબિયાએ જણાવ્યું હતું કે, આજે સમાજમાં બ્લેક એન્ડ વ્હાઇટ બંને જાદુ ઉપલબ્ધ છે. જે સામાન્ય છે. હિન્દુસ્તાનમાં અને ખાસ કરીને નેપાળમાં તંત્ર ખુબ ફેલાયેલું છે. જ્યારે તંત્રમાં કોઇ વસ્તુઓ બ્રાહ્ય નથી તેમાં સમગ્રતાનો સ્વીકાર છે તે કામના વિરોધમાં નથી કે નૈતિકતાના પ્રેમમાં નથી તે કામ-પ્રેમ અને નૈતિકતા-અનૈતિકતાની પાર છે. સ્વામી નલીનજીએ જણાવ્યું કે હકીકતમાં તંત્ર એ મનુષ્ય જીવનમાં કામ ઉર્જા મહત્વની ઉર્જા છે તે જ ઉર્જાના ઉપયોગ દ્વારા પરમ અવસ્થા કેવી રીતે પામી શકાય તેના વિષે ઓશોએ ઉંડાણથી સમજાવ્યું છે. શિવજીએ તંત્ર-સુત્રમાં પાર્વતી સાથેના સંવાદ દ્વારા ૧૧૨ અદભૂત વિધિઓ આપેલ છે જેમાંથી ૧૨ વિધિઓ અને તેને લગતી પ્રશ્નોતરી ઓશોએ સમજાવી છે. જેમાં જીવન જીવવાના જવાબો તંત્ર ની ટેકનિક દ્વારા અપાયા છે.

 માઁ રાબિયા અને માઁ સામિયાએ જણાવ્યું હતું કે, મનુષ્ય શરીરમાં મન-આત્મા તળ પર રહે છે. ઓશોએ લખેલ પુસ્તક વિજ્ઞાન ભૈરવ તંત્રમાં શિવસૂત્ર અને તંત્ર સૂત્રની રહસ્યમય બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મુજબ તંત્ર દરેક માધ્યમને સ્પર્શે છે. સ્પર્શ કરવો, સુવું, ખાવું, ધ્યાન ધરવું, જોવું, મૈથુન, રસ વગેરે દરેક વિધિથી પરમાત્મામાં જઇ શકાય છે. જે તંત્રનો સ્વિકાર્ય છે. જગન્નાથપુરી મંદિરમાં આખી તંત્ર નગરી દોરીને જીવન સમજાવાયું છે. તંત્ર એ શરીરનો દ્વાર છે જેનાથી ભગવાનને મેળવી શકાય છે. તંત્ર દ્વારા જીવનને સ્વિકારતાથી ભગવાનને કેમ મેળવવા તે ઓશો એ શિખવ્યું છે. પુસ્તક સિવાય જીવન જીવીને ઇશ્વરને મેળવી શકવાનું શિખવ્યું છે.

 ઓશોએ યોગ અને તંત્રમાં સાત કેન્દ્ર અને સાત ચક્રોની વાત કરી છે તે શું છે? માઁ રાબિયાએ કહ્યું કે, આપણા સાત ચક્રો એ મેપિંગ છે. જેમાં મુલાધાર, સ્વાધિષ્ઠાન અને મણીપુર આ ત્રણ ચક્રો સંસારમાં ધરતી પર રહેવા માટે ખુબ જરૂરી છે. આ ચક્રમાંથી આપણી શકિત ચાલે છે. દરેક ચક્ર અલગ અલગ ગુણવતા આપે છે. જેમાં મુલાધાર ચક્ર એ એનર્જી મુજબ જીવવા માટે છે. જે ડરથી રોકાય છે અને અભય થતાં તે ચક્ર સ્ટ્રોંગ થાય છે. જ્યારે સ્વાધિષ્ઠાન  એ રસનું ચક્ર છે જે અપરાધભાવથી બંધ થાય છે. જીવનને માણવા આમાં રસ રહે છે. એજ રીતે મણીપુર અહંકારનું ચક્ર છે. જ્યારે તે એકટીવ હોય ત્યારે પાવર આપે છે. અનાહત ચક્ર થી પરમાત્મા તરફ યાત્રા શરૂ થાય છે. આ ચક્રથી બેલેન્સ ન હોય ત્યારે કોઇને કોઇ કમજોરી રહે છે. જ્યારે હ્રદયચક્ર પ્રેમથી જાગૃત થાય છે. આજે હ્રદયચક્ર સાથે સમાજને કંઇ લેવા-દેવા નથી કેટલોય ક્રૂર માણસ હ્રદયચક્ર પર જ્યારે આવે ત્યારે બાયપાસ ની સમજ્યા સર્જાય છે. આપણા શરીરમાં વિશુધ્ધ ચક્રથી આપણી શકિત ચાલે છે. જેમાં સાધનાથી અનાહત સાથે જવાથી ક્રિએટીવીટી ખુલે છે. અંતે આગ્યા ચક્ર માં માણસનો દ્વૈતભાવ ખતમ થઇ જાય છે. જે સુખ-દુઃખ થી પરે છે. આ ચક્ર માટે કોઇ સાધના નથી હોતી. માત્ર ઇશ્વરને પામવાની પ્રતિક્ષાજ કરવાની હોય છે. હા જો આ સહસ્ત્ર ચક્ર ખુલી જાય જે આ જન્મમાં ખબર પડી જાય તો તે સંજોગોમાં તમારા ભગવાન, ગુરૂ વગેરેનું ઋણ ભુલવું ન જોઇએ. જેમ ચક્રો સિધ્ધ થાય તેમ આગળ બીજા જન્મમાં ત્યાંથી ફરી શરૂઆત થાય છે. ટુંકમાં ઓશોએ આપણી અંદર રહેલ સાત ચક્રો અને તેની સાથે જોડાયેલ સાત શરીર ઉપર વૈજ્ઞાનિક સમજ આપેલ છે તે કેવી રીતે કાર્ય કરે છે અને મનુષ્ય કઇ રીતે ક્રમશઃ ચક્રોને ભેદતા અંતિમ શરીરને એટલે કે પરમાત્માને પ્રાપ્ત કરે છે તે સમજાવેલ છે. વધુમાં માઁ રાબિયાએ જણાવ્યું કે, આજે સ્ત્રી-પુરૂષ તેના સોલમેટ (અત્માનો સાથી) ને બહાર ગોતે છે. હકીકતમાં તે તમારી અંદર જ રહેલો છે. તમે આત્માને ખોજો આત્માના સાથી ને નહીં.

 તંત્ર વિધિથી માનવી મુકત થઇ શકે? એ વિષયમાં માઁ સામિયા એ કહ્યું કે, આપણે બધા પવિત્ર છીએ. આપણી અંદર સાતેય ચક્રોનો સંગમ થાય છે. તંત્રને જીવનમાં ઉતારવું મતલબ દરેક પ્રત્યે જાગૃત થવું. આપણે કોઇ ઇચ્છાને જીવી લઇએ તો તેમાંથી મુકત થઇ જઇએ છીએ. જો કોઇ ચીજને પૂર્ણ નથી કરી, અધુરી રહી જાય તે અમર ન થઇ શકે. દરેક જીવનમાં જીવન જીવવાની ચીજ મળે છે.

રાબીયામાં એ ''ઓશો તં્ત્રા લવ એન્ડ બેલેન્સ'' વિષય ઉપર કર્યુ શિબિરનું સફળ સંચાલન

રાજકોટઃ મા રાબીયાના સાનિધ્યમાં ઓશો કેશર ફાર્મ (નવા સજજન પર, મોરબી) ખાતે તા.૧૬ થી ૨૧ ઓકટોબર દરમિયાન પાંચ દિવસીય 'ઓશો તંત્રા એન્ડ બેલેન્સ' શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમા મોટી સંખ્યામાં શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો.

(3:01 pm IST)