Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

દરવાજામાં પાટા મારી ‘તમે કેમ અમને બદનામ કરો છો?' કહી સાસણની બે બહેનોને મારકુટઃ એકને છરીના બે ઘા ઝીંક્‍યા

મુળ સાસણની કોમલ (ઉ.૧૯), તેની બહેનો ભારતી અને વિલાસ ભાડાના રૂમમાં રહી મોલમાં નોકરી કરે છેઃ સામે રહેતાં સાહિલ, શાહરૂખ, મહેન્‍દ્ર, હર્ષદે નશાની હાલતમાં તોફાન કર્યાનો આક્ષેપઃ માસીયાઇ ભાઇ પ્રદિપને પણ ઇજાઃ યુનિવર્સિટી પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ૩ને સકંજામાં લીધા : હવે તમે અહિ કેમ રહો છો, જોઇ લઇશું...કહી ધમકી પણ દીધી : પુષ્‍કરધામ રોડ કેવલમ્‌ પાસે આવાસ ક્‍વાર્ટરમાં રાતે ચાર શખ્‍સોએ ધમાલ મચાવી

રાજકોટ તા. ૨૨: પુષ્‍કરધામ પાસે કેવલમ્‌ પાસે આવાસ ક્‍વાર્ટરમાં ભાડેથી રહેતી મુળ સાસણની વણકર યુવતિ અને તેની બહેન સાથે આ ક્‍વાર્ટરમાં જ રહેતાં એક શખ્‍સે રાતે માથાકુટ કરી ઘરના દરવાજા પર પાટા મારી ‘તમે કેમ અમને ખોટી રીતે બદનામ કરો છો?' કહી બીજા ત્રણ મિત્રોને બોલાવી લાવી ઢીકાપાટુ, ધોકાથી માર મારી તેમજ વણકર યુવતિની બહેનને છરીના બે ઘા ઝીંકી દેતાં અને બચાવવા વચ્‍ચે પડેલા માસીયાઇ ભાઇને પણ આંખ પાસે ઇજા કરતાં દેકારો મચી ગયો હતો.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે હુમલામાં ઘાયલ કોમલ મોહનભાઇ બામણીયા (ઉ.૧૯)ના મોટા બહેન ભારતી મોહનભાઇ બામણીયા (અનુ. જાતી) (ઉ.વ.૨૧, રહે. હાલ પુષ્‍કરધામ રોડ કવેલમ્‌ પાસે મુકેશભાઇ ચોૈહાણના ક્‍વાર્ટરમાં, મુળ ગામ સાસણ જી. જુનાગઢ)ની ફરિયાદ પરથી આ ક્‍વાર્ટરમાં જ રહેતાં હર્ષદ, મહેન્‍દ્ર, સાહિલ અને શાહરૂખ નામના શખ્‍સો સામે આઇપીસી ૩૨૪, ૩૨૩,  ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) તથા એટ્રોસીટી એક્‍ટની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.
ભારતી બામણીયાએ પોલીસને જણાવ્‍યું છે કે હું તથા મારી બહેનો વિલાસ અને કોમલ કેવલમ્‌ પાસે ક્‍વાર્ટરમાં ભાડેથી રહીએ છીએ. અમારી બીજી બે બહેનપણીઓ જેની અને અંજલી પણ સાથે રહે છે. હું તથા બહેન ક્રિસ્‍ટલ મોલમાં નોકરી કરીએ છીએ. મારા પિતા હયાત નથી. માતા કંચનબેન ગામડે રહી ખેત મજૂરી કરે છે. અમારા ઘરની સામે પ્રેમ વિશ્વકર્મા-નેપાળી રહે છે જેને હું ઓળખુ છું.
ગુરૂવારે ૨૧મીએ રાતે અગિયારેક વાગ્‍યે હું અને મારી બહેનો તથા બહેનપણીઓ જમવાની તૈયારી કરતાં હતાં ત્‍યારે ઘરની સામે રહેતાં સાહિલે અમારા ઘરનો દરવાજો ખખડાવી પાટા મારી ‘તમે કેમ અમને ખોટી રીતે બદનામ કરો છો?' તેમ કહી ઝઘડો ચાલુ કર્યો હતો. તે જથો રહ્યા બાદ થોડીવાર પછી ફરીથી તે તથા તેના મિત્રો શાહરૂખ, ધર્મેન્‍દ્ર, હર્ષદ સહિતના આવ્‍યા હતાં. આ ત્રણેય પણ ક્‍વાર્ટરમાં રહેતાં હોવાથી અમે ઓળખીએ છીએ. ચારેયએ બાદમાં અમારા બધાની સાથે માથાકુટ કરી ઝઘડો કરી ઝપાઝપી શરૂ કરી ઢીકાપાટુ માર્યા હતાં.
ત્‍યાં શાહરૂખે સાહિલનું ઉપરાણું લઇ તેના હાથમાં રહેલી છરીથી એક ઘા મારી બહેન કોમલ (ઉ.૧૯)ના પેટના ભાગે અને બીજો ઘા જમણા સાથળમાં મારી દીધો હતો. આ કારણે દેકારો થતાં મારા માસીના દિકરા ભાઇ રાહુલ આલાભાઇ ચાંડપા, પ્રદિપ મોહનભાઇ ચાવડા નજીકમાં જ રહેતાં હોઇ તેઓ દોડી આવ્‍યા હતાં. અમને બચાવવા વચ્‍ચે પડતાં શાહરૂખે મારા ભાઇ પ્રદિનપને પણ છરીથી ડાબી આંખ પાસે ઇજા કરી હતી. મહેન્‍દ્ર, હર્ષદ અને સાહિલ પાસે ધોકા હોઇ તેનાથી હુમલો કરી અમારી જ્ઞાતિ વિશે ઘસાતુ બોલી અપમાનીત કરી ‘તમે હવે અહિ કેવી રીતે રહો છો એ જોઇ લેશું' કહી ધમાલ મચાવી હતી.
ત્‍યારબાદ રાહુલભાઇએ પોલીસને ફોન કરતાં ગાડી આવતાં ચારેય ભાગી ગયા હતાં. મારી બહેન કોમલને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી. જેને રાતે જ ઓપરેશનમાં લઇ જવાઇ હતી. પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
ભારતીની ઉપરોક્‍ત કેફીયતને આધારે પીએસઆઇ એ. બી. વોરાએ ગુનો નોંધી ચાર પૈકીના ત્રણ શખ્‍સને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવાયું છે. ઘાયલ થયેલી કોમલના બહેને આક્ષેપો સાથે કહ્યું હતું કે માથાકુટ કરનારા નશો કરી ગયા હોય તેવું લાગતું હતું. અમારી સાથે કારણ વગર માથાકુટ ચાલુ કરી હતી. અમે તેની કોઇ બદનામી કરતાં ન હોવા છતાં ખોટી રીતે હેરાન કરી ઝઘડો કરવાના ઇરાદે જ રાતે ઘરના દરવાજે પાટા મારી સાહિલે ખેલ કર્યા બાદ તેના મિત્રોને બોલાવી હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.


 

(11:35 am IST)