Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સૌરાષ્ટ્રના ખેડુતોની વહારે ચડી વચનને ફળીભૂત કરી બતાવતા ભુપેન્દ્રભાઇ પટેલઃ ચેતન રામાણી

રાજકોટ તા.૨૧:  ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય તેમજ સૌરાષ્ટ્ર પંથકના ખેડુત આગેવાન ચેતનભાઇ રામાણીએ રાજય સરકાર દ્વારા અતિવૃષ્ટિમાં થયેલ પુરગ્રસ્ત વિસ્તાર જેવા કે રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદરના ખેડુતોની વહારે આવી જાહેર થયેલ રાહત પેકેજને બિરદાવી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વવાળી સરકારને અભિનંદન આપી જણાવેલ છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા બાદ એજ દિવસે સૌરાષ્ટ્રના પુર અસરગ્રસ્ત વિસ્તારોની ત્વરીત મુલાકાત લઇ સ્થળ ઉપર જઇ નિરીક્ષણ કર્યા બાદ ધોવાણથી થયેલ નુકસાનની ઝડપી સર્વે કરવાની સુચના આપેલ હતી.

સર્વે થયા બાદ મુખ્યમંત્રી કક્ષાએથી ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્રના ૪ જિલ્લામાં પડેલા ભારે વરસાદ પગલે ખેડુતોના પાકને થયેલ નુકસાનની સહાય મેળવવા ઇચ્છતા હોય તે ખેડુતોએ ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે જે અરજી આગામી તા.૨પ ઓકટોબર થી ૨૦ નવેમ્બર સુધી સ્વીકારવામાં આવશે એવા આદેશોની મહોર લગાવી ખેડુતોના  ઘરે ૧પ દિવસ પહેલા દિવાળીનુું મુહુર્ત લઇ આવ્યા છે.

શ્રી રામાણીએ કહ્યુ કે, ખેડુતોના પાકને ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન થયુ હોય તેવા ખેડુતોને વધુમાં વધુ ર હેકટરની મર્યાદામાં પ્રતિ હેકટર રૂ.૧૩૦૦૦ સહાય ચુકવાશે. આ સહાયમાં એસડીઆરએફ ના ધોરણો મુજબ એડીઆરેઅફની જોગવાઇમાંથી બિનપિયત પાક તરીકે વધુમાં વધુ ૨ હેકટરની મર્યાદામાં હેકટર દીઠ રૂ.૬૮૦૦ અપાશે અને બાકીની તફાવતની હેકટર દીઠ રૂ.૬૨૦૦ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં રાજયના બજેટમાંથી અપાશે. જો જમીન ધારકના આધારે એસડીઆરએફના ધોરણો મુજબ રૂ.પ હજાર કરતા ઓછી રકમ સહાય ચુકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રૂ.પ હજાર ઓછામાં ઓછા ચુકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજયના બજેટમાંથી ચુકવવામા઼ આવશે.

જગતના તાતની પડખે આવી તેમના રખોતા બની તેમના આંસુ લુંછીને બતાવેલ સંવેદના સૌરાષ્ટ્રના ખેડુત હંમેશને માટે યાદ રાખશે. તેમ જણાવી સૌરાષ્ટ્રના લાખો ખેડુતો વતી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કૃષીમંત્રી રાઘવજીભાઇ પટેલને અભિનંદન પાઠવતા ચેતન રામાણીએ જણાવ્યુ છે.

(2:37 pm IST)