Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

મુખ્‍યમંત્રી બાદ વડાપ્રધાન તરીકેના સુશાસનના ૨૦ વર્ષ પૂર્ણ થતાં લોકનાયક નરેન્‍દ્રભાઈ મોદીને રૂબરૂ મળીને અભિનંદન પાઠવતા રાજુભાઈ ધ્રુવ

વડાપ્રધાને મહત્‍વના કાર્યોની અત્‍યંત વ્‍યસ્‍તતાની વચ્‍ચે પણ સમય આપ્‍યો, કૌટુંબિક અને વર્તમાન પ્રવાહો વિશે વાત કરીઃ નરેન્‍દ્રભાઇ વર્ષોથી રાજુભાઇની કામગીરી, પક્ષનિષ્ઠા અને સેવાકાર્યથી પરિચિત હોવાથી આત્‍મીય નાતો

રાજકોટ તા. ૨૧,  ભારતીય જનતાપાર્ટીના જૂના અને કર્મઠ કાર્યકરોને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વર્ષો પછી પણ ભૂલતા નથી એનો તાજો દાખલો હમણાં જ જોવા મળ્‍યો છે. પોતાના એક પારીવારિક કામને લીધે દિલ્‍હી ગયેલા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે એમને મળવા માટે ઈચ્‍છા વ્‍યક્‍ત કરી અને અત્‍યંત વ્‍યસ્‍તતા વચ્‍ચે પણ નરેન્‍દ્રભાઈએ એમને સમય ફાળવ્‍યો અને એમની સાથે કેટલીક  વાતો કરી હતી. આટલા ઉચ્‍ચ શાસન ના સર્વોચ્‍ચ પદ પર હોવા છતાં અને અત્‍યંત વ્‍યસ્‍ત હોવા છતાં પણ આ રીતે કાર્યકર્તાને મળવાની એમની ઉત્‍કંઠા જ એમની પ્રતિભાનું જમા પાસું છે. રાજુભાઈએ એમને વડાપ્રધાનપદે સાત વર્ષ અને અગાઉ મુખ્‍યપ્રધાન તરીકે ૧૩ વર્ષ કરતા વધુ બંધારણીય હોદ્દા પર રહી સુશાસન દ્વારા કુલ ૨૦ વર્ષ કરતા વધુ સળંગ અવિરત રાષ્‍ટ્રસેવા-લોકસેવા  કરવા માટે અભિનંદન આપ્‍યાં હતાં.
 રાજુભાઈ ધ્રુવ (મો.૯૪૨૬૭ ૧૯૫૫૫) પોતાના કૌટુંબિક સ્‍વજનની સારવાર માટે દિલ્‍હી ગયા હતા. એમણે વડાપ્રધાન કાર્યાલયમાં સચિવ શ્રી સંજયભાઈ ભાવસારનો સંપર્ક કરીને કહ્યું કે હું દિલ્‍હી આવ્‍યો છું. બે ત્રણ દિવસનું રોકાણ છે તે દરમિયાન વડાપ્રધાનશ્રી મોદીજી સાથે શુભેચ્‍છા મુલાકાત થઈ શકે તે માટે તેમના ધ્‍યાને વાત મૂકી હતી. કોઈ પણ જુના કાર્યકર્તાઓને યાદ રાખીને પ્રસંગોચિત એમને  લાગણીપૂર્વક પોતાનો અમૂલ્‍ય સમય આપવાની નરેન્‍દ્રભાઈની કાર્ય પ્રણાલિ અત્‍યંત પ્રશંસનીય છે. તરત રાજુભાઈને સમય ફાળવવામાં આવ્‍યો.
 નિયત થયેલા સમયે તેઓ વડાપ્રધાન કાર્યાલયે પહોંચ્‍યા બાદ એમને વડાપ્રધાને બોલાવ્‍યા અને સુખ-દુઃખ, હાલચાલ પૂછયા. કુટુંબમાં સૌ કેમ છે એ વાતો થઈ તો વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વમાં ભાજપ સરકાર દ્વારા લેવાયેલા અસાધારણ નિર્ણયો દ્વારા પ્રજા ને આપેલ વચનો પુરા કરવાની સાથે દેશમાં થયેલા વિકાસના મુદ્દા પણ ચર્ચાયા. વર્તમાન પ્રવાહો વિશે વાત થઈ.
 શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી વર્ષો અગાઉ સંઘ માં પદાધિકારી અને ભાજપના  સંગઠન મહામંત્રી હતા ત્‍યારથી રાજુભાઈને એમની સાથે તોહ-સદભાવપૂર્ણ  પરિચય છે. શ્રી મોદીજી  ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા, અને જ્‍યારે રાજકોટમાંથી પેટા ચૂંટણી લડ્‍યા ત્‍યારે તે ચૂંટણી માં મીડિયા ઈન્‍ચાર્જ તરીકે અને પ્રવક્‍તા તરીકે તો ઘણો સમય સાથે તેમના નેતળત્‍વ માં કામ કરવાનું બન્‍યું. મુખ્‍યમંત્રી તરીકે ૧૩ વર્ષ અને વડાપ્રધાન તરીકે સાત વર્ષ પૂર્ણ થયાં એના રાજુભાઈએ વડાપ્રધાનશ્રીને અભિનંદન આપ્‍યાં હતાં અને દેશને સુરક્ષિત અને પ્રગતિના રસ્‍તે લઈ જવામાં તેઓ હજી પણ સતત સફળ થાય એવી શુભેચ્‍છા પાઠવી હતી.


 

(10:51 am IST)