Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

રાજકોટ-ગુજરાતનું ગૌરવ આસમાનેઃ કર્નલ કૌશલકુમાર ઝાલા બ્રિગેડીયર પદે બઢતી પામ્યા

ભારતીય સેનામાં રપ વર્ષ દરમિયાન અનેક એવોર્ડઝ, મેડલ્સ મેળવ્યાઃ કારગીલ વોર, કાશ્મીર, આસામ, સિક્કીમ, મિઝોરમના કાઉન્ટર ટેરેરીસ્ટ ઓપરેશનમાં મહત્વનો ભાગ ભજવી ચુકયા છે

રાજકોટ, તા., રરઃ સ્વર્ગસ્થ નિવૃત ડીવાયએસપી ડી.બી.ઝાલા (અડવાળ)ના સુપુત્ર કૌશલકુમાર ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ભારતીય સૈન્યમાં દિર્ઘકાલીન ફરજ દરમિયાન બ્રિગેડીયર પદે બઢતી મેળવી છે. કૌશલકુમાર ઝાલાની આ સફળતા રાજકોટ-ગુજરાત માટે ગૌરવની ટોચરૂપી છે. ચારેકોરથી તેમના પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

પ્રાથમીક શિક્ષણ માઉન્ટ આબુ અને ફાતીમા કોન્વેન્ટ (ભાવનગર) થી મેળવી તેઓ હાઇસ્કુલ અને હાયર સેકન્ડરી માટે સૈનિક સ્કુલ બાલાચડીમાં દાખલ થયા હતા અને નેશનલ ડીફેન્સ એકેડેમીમાં પસંદગી પામી ૧૯૮૯થી ૯ર સુધી લશ્કરની અતિ કઠીન તાલીમ લેફટેનન્ટ તરીકે પુરી કરી હતી. ત્યાર બાદ તેઓ ૧૯૯રથી ૯૩ સુધી આઇએમએ દહેરાદુનમાં રહયા હતા. ૧૯૯૩ થી આર્મીમાં સેકન્ડ લેફટેનન્ટ તરીકે શીખ લાઇટ ઇન્ફન્ટ્રી રેજીમેન્ટથી લશ્કરમાં ફરજ બજાવવાની શરૂઆત કરી હતી. રપ વર્ષ જેવો દિર્ઘકાલીન સમય આજે ૪૬ માં વર્ષે આર્મીમાં પુરો કરી ચુકયા છે.  દેશની વિવિધ સળગતી સરહદો જેવી કે જમ્મુ-કાશ્મીર, આસામ, સિક્કીમ, મિઝોરમ સહિતના પ્રદેશોમાં કાઉન્ટર ટેેરરીસ્ટ ઓપરેશનમાં તેઓને મહત્વની ફરજ સોંપવામાં આવી હતી જે તેમણે બખુબી નિભાવી હતી. આ કાર્યકાળ દરમિયાન કૌશલકુમાર ઝાલાએ કારગીલ લડાઇમાં સક્રિય ભુમીકા ભજવી હતી. તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ આર્મીના ઘણા બધા ઉચ્ચ એવોર્ડ અને મેડલથી તેમને નવાજવામાં આવ્યા છે. બ્રિગેડીયર પદે બઢતી પામી તેઓ રાંચી (ઝારખંડ) ખાતે હાલમાં ફરજ બજાવી રહયા છે. (૪.૧૫)

(3:58 pm IST)