Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

મોદીજી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં ૨૦૧૯માં પણ ભાજપનો અશ્વમેઘ કોઈ અટકાવી શકશે નહિં : રાજુભાઈ ધ્રુવ

અમિતભાઈ શાહને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતા ભાજપ અગ્રણી : પોલીંગ એજન્ટ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી'તી : ભાજપને ગામડે-ગામડે મજબૂત બનાવવાનો અવસર વધાવી લીધો

રાજકોટ, તા. ૨૨ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહને આજે તેમના જન્મદિન નિમિતે ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર કચ્છ પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવે અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે, ભાજપના તમામ કાર્યકર્તાઓ તેમજ રાષ્ટ્રવાદી વિચારધારામાં શ્રધ્ધા ધરાવતા તમામ દેશવાસીઓ માટે આજનો દિવસ અત્યંત ખૂશી અને આનંદનો છે. ભાજપના માધ્યમથી દેશના ખૂણે ખૂણે રાષ્ટ્રવાદની આહલેક જગાવવાનું શ્રેય શ્રી અમિતભાઈ શાહને ફાળે જાય છે. ભાજપને અત્યંત સંગઠિત, મજબૂત અને દેશવ્યાપી બનાવવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સપનું ચરિતાર્થ કરવાના અભિયાનમાં મોદીજી સાથે હંમેશા ખભે ખભા મિલાવીને સંનિષ્ઠ કાર્ય કરી રહેલા શ્રી અમિતભાઈ આજે ભાજપના નાનામાં નાના કાર્યકરથી માંડી પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય કક્ષાના તમામ નેતાઓ માટે અખૂટ પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે.

શ્રી અમિતભાઈ શાહના જન્મ દિવસ નિમિતે તેમના જીવનના મહત્વના પાસાઓ, પ્રસંગો અને સિધ્ધિઓ ઉજાગર કરતાં વધુમાં જણાવ્યું છે કે, દેશભકત સપૂતોની જીવનગાથાઓથી પ્રેરાયેલા શ્રી અમિતભાઇને કિશોર વયથી જ મા ભોમના વિકાસ માટે શકય બધું જ કરી છૂટવાની લગની લાગી ગઈ હતી. ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અનન્ય રાષ્ટ્રભાવનાથી તેઓ નાનપણથી જ આકર્ષાયા હતા અને તરૂણવયે સંદ્યમાં જોડાઈ ગયા હતા. સંદ્યમાં જોડાવાની સાથે અમિતભાઈના જીવનનું હંમેશ માટે પરિવર્તન થઇ ગયું અને ભાજપની ઝળહળતી વિકાસ યાત્રામાં અનોખી નેતાગીરી સ્વરૂપે ઊભરી આવ્યું.

વિદ્યાભ્યાસ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અત્યંત સક્રિય રહેલા અમિતભાઈ ૧૯૮૪-૮૫માં ભાજપમાં જોડાયા હતા અને અમદાવાદના નારણપુરા વિસ્તારના પોલીંગ એજન્ટ તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરુ કરી હતી. ટૂંક સમયમાં જ તેઓને ભાજપના નારણપુરા વોર્ડના મંત્રી તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. પક્ષ માટે રાત-દિવસ જોયા વિના સખત મહેનત સાથે અનન્ય કામગીરી બજાવનાર અમિતભાઈને એ પછી યુવા મોરચાના રાષ્ટ્રીય ખજાનચી પદનો કાર્યભાર સોંપાયો હતો. જે કામ સોંપાય તે અત્યંત ખંત, મહેનત અને આગવી સૂઝબૂઝથી કરવાની ખેવના ધરાવતા અમિતભાઈને એ પછી ભાજપના પ્રદેશમંત્રી તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારીઓ સોંપાઈ હતી. ભાજપને ગામડે ગામડે મજબૂત બનાવવાનો આ સોનેરી અવસર અમિતભાઈએ સહર્ષ વધાવી લીધો એટલું જ નહીં પક્ષને દરેક તબક્કે ઝળહળતી સફળતા અપાવવામાં મહત્વનું પ્રદાન કર્યું.

રામજન્મભૂમિ ચળવળથી લઇ એકતાયાત્રા સુધીના ભાજપના લોકજાગૃતિ અને એકાત્મ અભિયાનોમાં વ્યાપકપણે લોકોને જોડવામાં અમિતભાઈની અનોખી ક્ષમતા અને સંગઠનશકિતના સહુને દર્શન થયા.  આ લોકચળવળની જબરદસ્ત સફળતાઓના પગલે અમિતભાઈને ૧૯૮૯ની લોકસભા ચૂંટણીઓમાં અમદાવાદ બેઠક પરથી લડી રહેલા ભાજપના નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના ચૂંટણી પ્રચાર અભિયાનની જવાબદારી સોંપાઈ જે તેમણે સફળતાપૂર્વક નિભાવી એટલું જ નહીં, અડવાણીજી સાથેનું અમિતભાઈનું તાદાત્મ્ય છેક ૨૦૦૯ની લોકસભા ચૂંટણીઓ સુધી ભવ્ય સફળતાઓ સાથે જળવાયેલું રહ્યું. ગાંધીનગરથી ચૂંટણી લડેલા ભુતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની ચૂંટણી સંબંધી તમામ જવાબદારીઓ પણ અમિતભાઈ શાહે બખૂબી નિભાવી જેના પગલે તેમણે એક પ્રખર ચૂંટણી વ્યૂહનીતિજ્ઞ તરીકેની નામના મેળવી. ૧૯૯૦ દરમિયાન, ગુજરાતમાં સર્જાયેલી રાજકીય ક્રાંતિમાં  કોંગ્રેસના એકમાત્ર હરીફ તરીકે ભાજપ ઊભરી આવ્યો અને રાજયભરમાં ભાજપના પ્રાથમિક સભ્યોનું દસ્તાવેજીકરણ કરવાની અત્યંત મહત્વની અને કપરી કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં મોદીજી અને અમિતભાઈની રણનીતિ ભારે પ્રભાવક બની હતી. ભારતીય જનતા પક્ષની તાકાત અને ચૂંટણી કૌશલ્ય ખીલવવાની દિશામાં આ પ્રથમ પગલું હતું જે ગુજરાતમાં ભાજપના લૃ ષ પછીના ચૂંટણી વિજયોમાં અત્યંત સફળ રીતે પ્રતિબિંબિત થયું અને અમિતભાઈની સંગઠનશકિત ભવ્ય રીતે ઉજાગર થઇ. એ પછી અમિતભાઈ અને મોદીજીએ ભાજપની સફળતાયાત્રામાં કદીયે પાછું વળીને જોયું નથી.

લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી અને તેમાં ભાજપની ભવ્યાતિભવ્ય સફળતા પછી ભાજપના સંગઠનની જવાબદારી કોને સોંપવી તે અગત્યનો વિષય હતો પરંતુ, નરેન્દ્રભાઈ મોદીને અમિતભાઈની શકિત, કુનેહ, આવડત અને ગોઠવણમાં સૌથી વધુ વિશ્વાસ હતો એટલે સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારો સમન્વય રહે તે બાબત નજર સમક્ષ રાખીને અમિતભાઈને જ એ જવાબદારી સોપવામાં આવી. અમિત ભાઈએ છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન, ભારતભરમાં સતત પ્રવાસ, બેઠકો, રેલીઓ, પત્રકાર પરિષદો, જે તે રાજયના ગણમાન્ય નેતાઓની મુલાકાતો અને તેના માધ્યમથી ભાજપના સંગઠનને વધુ ચેતનવંતુ બનાવ્યું અને દરેક રાજયમાં જુના નવા અગ્રણીઓ વચ્ચે સંકલન સાધવાની સાથે ભાજપને કેન્દ્રમાં રાખીને અદ્દભૂત પક્ષીય માળખું ગોઠવ્યું જેનાથી ભાજપ અને સંદ્ય પરિવારનું સંકલન દેશભરમાં ખૂબ જ અસરકારક બની રહ્યું.

નિવેદનના અંતમાં શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, શ્રી અમિતભાઈ શાહ એક અત્યંત પ્રેરક નેતૃત્વના ધની, અથાક પરિશ્રમી, અદ્દભુત રણનીતિજ્ઞ, કૂશળ સંગઠનકર્તા અને સંનિષ્ઠ કર્મયોગી છે એટલું જ નહીં, ભાજપના કરોડો કાર્યકર્તાઓના અનન્ય પ્રેરણાસ્ત્રોત સમાન અત્યંત યશસ્વી રાજપુરૂષ એવા પક્ષ અધ્યક્ષ છે. કોઈપણ પક્ષના પ્રમુખ કેવા હોવા જોઈએ તેનું અત્યંત ઉત્ત્।મ ઉદાહરણ શ્રી અમિતભાઈ શાહે દેશના તમામ રાજકીય પક્ષોને પૂરું પાડ્યું છે તેવા શ્રી મોદીજીના શબ્દોને શ્રી અમિતભાઈએ ચરિતાર્થ કરી બતાવ્યા છે. તેમને જન્મદિનની અઢળક શુભેચ્છાઓ દેશના ખૂણે ખૂણેથી પાઠવાઈ રહી છે તેમજ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં પણ ભાજપના અશ્વમેઘને કોઈ અટકાવી શકશે નહીં તેવી શ્રદ્ઘા અને વિશ્વાસ શ્રી અમિતભાઈ અને મોદીજીનાં કારણે પક્ષના તમામ કાર્યકર્તાઓ તેમજ નેતાઓને છે તે સત્ય હકીકત છે.(૩૭.૭)

(3:37 pm IST)
  • ભરૂચ:અંકલેશ્વર તાલુકાના 62 ગામના તલાટીઓ આજથી હડતાળ પર access_time 4:38 pm IST

  • ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો:વિદેશી જંતુનાશક દવાઓ કંપનીઓને લપડાક:દેશની કંપનીઓ નથી કરતી વિદેશી કંપનીઓ નકલ:હાઈકોર્ટનાં નિર્ણયથી વિદેશી જંતુનાશક દવાઓ કંપનીઓની મોનોપોલી તૂટશે access_time 1:07 am IST

  • રાજ્યમાં તલાટી મંડળની હડતાળનો મામલો:દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો:તલાટીની કામગીરી શિક્ષકોને સોંપવા અંગેનો પરિપત્ર:પરિપત્રને લઈ શિક્ષકોમાં નારાજગી:પરીક્ષા વચ્ચે ગ્રામસભાની કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ access_time 2:59 pm IST