Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વી.ડી.બાલા દ્વારા સ્વખર્ચે પાંચ લાખ રોપાનું વિતરણ

પુત્ર અર્જુનના લગ્ન સાદગીથી કરીને બચાવેલી રકમ પર્યાવરણ માટે વાપરી : અનેક ગામો - ઘરોમાં ફળફળાદી ઉગ્યા : રોપ વિતરણ પ્રવૃત્તિ નિરંતર ચાલુ રહેશે : બાલા નવરંગ નેચર કલબ દ્વારા થયેલા પર્યાવરણલક્ષી કાર્યોના પરિણામો મળવા લાગ્યા

રાજકોટ તા. ૧૯ : આરએફઓ વી.ડી.બાલાએ નિવૃત્તિ બાદ પણ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિ વેગવાન રાખી છે. ધરતીને લીલીછમ રાખવા અને ઘર-ઘરને શાકભાજી, ફળફળાદીથી ભરપૂર રાખવા અભિયાન ચલાવે છે. વી.ડી.બાલાએ પુત્ર અર્જુનના લગ્ન સાદગીથી કરીને બચેલી રકમમાંથી પાંચ લાખ રોપા વિતરણ કરવાનું અભિયાન પૂર્ણ કર્યું છે. જોકે આ પ્રવૃત્તિ સતત ચાલુ રાખવા ઘોષણા કરી છે.

શ્રી બાલાએ જણાવ્યું હતું કે, હિંગોળગઢ અભિયારણ્ય ખાતે હું ૨૦૦૮માં સર્વિસ કરતો હતો ત્યારે મને વિચાર આવેલ કે હિંગોળગઢ અભિયારણ્યની આજુબાજુનો વિસ્તાર કે જે માલિકી વિસ્તાર છે ત્યાં વૃક્ષો વાવવામાં આવે તો હરિયાળીનો વિસ્તાર વધે, તેથી ૨૦૦૮ના ચોમાસામાં હિંગોળગઢ અભિયારણ્ય ફરતે આવેલા ગામ (લાલવદર, ખડકાણાં, ગુંદાળા, હિંગોળગઢ, અમરાપુર અને ભોંયરા)ના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોતાના ફળિયામાં વૃક્ષો વાવવા પ્રોત્સાહિત કરેલ. હું દરેક પ્રાથમિક શાળામાં જઈ બાળકોને મળી વૃક્ષથી થતાં ફાયદાની વાત કરી તેને વૃક્ષ વાવેતર માટે પ્રોત્સાહિત કરેલ.

૨૦૦૮માં દરેક ગામમાં ૩૦૦ જામફળના રોપા વિદ્યાર્થીઓને મારા ખર્ચે આપેલ, નાના બાળકો વૃક્ષ વાવેતરની કામગીરીમાં સામેલ થાય તેના બે ફાયદા થતાં હોય છે, એક વૃક્ષ બાળક પોતાના આંગણે વાવસે, આ વાવેતરની પ્રક્રિયા દરમિયાન એક વૃક્ષ તેના 'મન'માં વવાશે જે આપણાં માટે ખૂબ મોટી વાત થશે.

જામફળના રોપા હિંગોળગઢ પ્રાથમિક શાળાના આપતા હતા ત્યારે એક દાદીમાં ત્યાં આવેલ, તેઓએ મને કહેલ કે બાળકોને જામફળ ના રોપા આપો છો તે સારી વાત છે, પણ કલમી ચીકુના રોપા આપો તો ખૂબ સારૃં, ગામમાં કલમી ચીકુના રોપા મળતા નથી, તેથી ૨૦૦૮થી કલમી કાલીપતિ ચીકુના રોપા આપવાનું શરૂ કરેલ, અભિયારણ્ય ફરતે આવેલ ૬ ગામમાં આ કુલ ૧૦૦૦ રોપા મારા ખર્ચે વિદ્યાર્થીઓને આપેલ, તેમ જણાવીને શ્રી બાલાએ કહ્યું હતું કે, આ વિતરણ પછી બીજા ગામોમાંથી પણ આવા રોપ વિતરણની માગણી થવા લાગી અને ૨૦૦૮માં ફળિયા - વાડીમાં વાવેલ રોપાની લોકોએ સારી માવજત કરી તેથી તેનું પરિણામ ખૂબ સારૂ આવેલ અને મે આ સારૃં પરિણામ જાતે જોયેલ તેથી ૨૦૦૯થી જસદણ તાલુકાના ગામે ગામ મારા તરફથી વિવિધ જાતના રોપાઓ આપવાનું શરૂ કરેલ.

શરૂઆતના વર્ષમાં હું દર વર્ષે ૧૦ ગામના

વિદ્યાર્થીઓને રોપા આપતો, ૨૦૧૧માં મારા પુત્ર અર્જુનની સગાઈ કરેલ, સગાઈની ખુશાલીમાં મારા ગામ ફડસર(તા-જી મોરબી)માં કુલ ૩૦૦ કલમી કાલીપતિ ચીકુનું વિતરણ કર્યું, દરેક ઘરે એક વૃક્ષ આપેલ, આ કલમી ચીકુના રોપા એક જગ્યાએ ઉતારી તેનું પૂજન કરી ચીકુના રોપા વિનામૂલ્યે આપવામાં આવેલ.

સગાઈ પછી અર્જુન માસ્ટર ડિગ્રી માટે બેંગલોર બે વર્ષ ગયેલ, તે અભ્યાસ પૂર્ણ કરી અમારા ગામે અમો ગયેલ, ત્યાં અમોએ ફળિયામાં વાવેલ વૃક્ષો સારી રીતે ઉછરેલ જોયેલ, તેથી અમોએ તેવું નક્કી કર્યું કે અર્જુનના લગ્ન સાદાઈથી કરી પૈસા બચાવી આ બચેલા પૈસામાંથી કલમી ફળાઉ રોપા લઈ દર વર્ષે કુલ ૫૦ ગામમાં દરેક ગામ દીઠ ૧૦૦૦ રોપાનું રાહત દરે વિતરણ કરીશું.

લોકોને સારી ગુણવતા વાળા રોપા ઘર બેઠા મળે તો વાવશે, વૃક્ષ વાવેતરની પ્રક્રિયામાં જેમ વધુ લોકો જોડાય તેમ સારૃં તેવી દ્રઢ માન્યતા હું ધરાવું છું.

૨૦૧૬માં કુલ ૧૦૦ ગામમાં જઈ શાળા દીઠ દેશી કુળના ૩૦૦ રોપા વિનામૂલ્યે મારા તરફથી બાળકોને આપવાનું શરૂ કરેલ, મોટા ગામ હોય તો ૧૦૦૦ રોપા

  વિનામૂલ્યે આપવામાં આવેલ, આ વૃક્ષો લોકો પોતાના ફળિયામાં વાવે તેવું આયોજન છે. ફળિયામાં જામફળ, સીતાફળ, લીંબુ, દાડમ વાવે તો ઘર બેઠા ઓર્ગેનિક ફળ મળી રહે, ફળિયામાં વૃક્ષ વાવવાથી ગામ હરિયાળું બને અને ઘર વપરાશના પાણીનો ફરીથી ઉપયોગ થાય. ૨૦૦૮થી રાહતદરે રોપ વિતરણ અને વિનામૂલ્યે રોપ વિતરણની આ પ્રક્રિયા ૨૦૨૦ સુધી સતત ચાલે છે.

શ્રી બાલા કહે છે કે, રાજકોટ ખાતે અને સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ રવિવારે ખેડૂત હાટ નું આયોજન હું કરૃં છું, નાના ખેડૂતો પોતાની ચીજવસ્તુઓ અહીં વેચે, અમો ખેડૂતોને વિનામૂલ્યે જગ્યા અને પ્રચાર કરી આપીએ છીએ.

આ ખેડૂત હાટમાં ચોમાસામાં કલમી ફળાઉ રોપા, દેશીકુળના રોપા અને ફૂલછોડનું રાહત દરે વિતરણ થાય છે, અત્યાર સુધીમાં કુલ ૫ લાખ રોપાનું વિતરણ મારા ખર્ચે કરેલ છે, અંદાજે ૨૦ લાખ રૂપિયા પર્યાવરણ જાળવણી માટે વાપરેલ છે અને આ પ્રક્રિયા આગામી વર્ષોમાં પણ સતત ચાલુ રહેશે. લોકો હોંશે હોંશે રોપા લઇ જાય છે અને ઉછેરે છે. આ રીતે હું સૌરાષ્ટ્રને લીલુછમ કરવા માટે સતત મારા ખર્ચે મથું છું. અને મથતો રહીશ તેમ વી.ડી.બાલા (મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮)એ જણાવ્યું હતું.

(3:03 pm IST)