Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

આકાશે શહેઝાદ ઉર્ફ નવાબને ગાળો દઇ લાફા મારી લેતાં ડખ્ખો થયો, સમાધાન થયું ને પછી હત્યા થઇ

પાણીના ખાબોચીયાને કારણે શહેઝાદે એકટીવાને આગલી બ્રેક મારતાં પંખો આકાશને અડી ગયો... : ઝઘડો થયો ત્યારે શહેઝાદ સાથે મિત્ર વિનય ઉર્ફભુરો હતોઃ એ પછી બીજા બે જણાને બોલાવ્યા ને તૂટી પડ્યોઃ શીવપરાના ભીલ યુવાન આકાશ રાઠોડની હત્યાના ચારેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર : હત્યા બાદ શહેઝાદ અને અંકિત ઉર્ફ અંકિજ જુનાગઢ, ફૈઝલ જામનગર અને વિનય ઉર્ફ ભુરો મોરબી તરફ ભાગી ગયા'તા

રાજકોટ તા. ૨૨: રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે શિવપરામાં રહેતાં ભીલ યુવાન આકાશ ભગવાનજીભાઇ રાઠોડ (ઉ.૨૫) નામના ભીલ યુવાનની જાગરણની રાતે ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં થયેલી હત્યાના બનાવમાં ગાંધીગ્રામ પોલીસ અને એસસીએસટી સેલના એસીપીની ટીમે ચાર આરોપીઓને ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા છે. તપાસમાં એવી વિગતો ખુલી છે કે આકાશ નાણાવટી ચોક જાસલ કોમ્પલેક્ષ નજીક ઉભો હતો ત્યારે આરોપી રૈયા ગામ સ્મશાન સામે રહેતો શહેઝાદ ઉર્ફ નવાબ સુલતાનભાઇ જલવાણી (ઉ.૨૨) અને મિત્ર ગાંધીગ્રામ ભારતીનગર-૪માં રહેતો વિનય ઉર્ફ ભુરો ઉર્ફ મુસ્તાન રાજુભાઇ ઉકેડીયા (કોળી) (ઉ.૧૯) એકટીવા પર નીકળ્યા હતાં. આકાશ જ્યાં ઉભો હતો ત્યાં જ વરસાદી પાણીનું ખાબોચીયુ ભરેલુ હોઇ તેનાથી બચવા શહેઝાદે અચાનક આગલી બ્રેક મારતાં તેના વાહનનો પંખો આકાશને અડી જતાં આકાશે તેને ગાળો દઇ લાફા મારી લીધા હતાં. એ પછી વિનય આકાશને ઓળખતો હોઇ વાતચીત કરી સમાધાન કરી લીધું હતું. પરંતુ શહેઝાદને પોતાને લાફા પડ્યા હોઇ તે ખટકતાં તેણે બીજા શખ્સો પોતાના જ સગા રૈયા ગામે રહેતાં ફૈઝલ રાજુભાઇ અજલાણી (ઉ.૨૧) તથા અંકિત ઉર્ફ અંકિજ રાજુભાઇ અજલાણી (ઉ.૨૪)ને બોલાવી લીધા હતાં. ત્રણ જણાએ આકાશને પકડી લીધો હતો અને શહેઝાદ ઉર્ફ નવાબે છરીના ઘા ઝીંકી દીધા હતાં.

હત્યા કરી ફરાર થઇ ગયેલા ચારેય શખ્સો જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસે એકઠા થયાની માહિતી મળતાં ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ તથા ડી. સ્ટાફની ટીમના રાહુલભાઇ, કિશોરભાઇ, વનરાજભાઇ, કનુભાઇ, રાઇટર ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ સહિતે ચારેયને પકડી લીધા હતાં. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા, એસીપી એસ. ડી. પટેલની રાહબરીમાં વિશેષ તપાસ એસીપી શ્રી પટેલ, એએસઆઇ જે. પી. મહેતા, દેવરાજભાઇ કલોતરા સહિતનો સ્ટાફ કરે છે.

મુખ્ય સુત્રધાર શહેઝાદ ઉર્ફ નવાબે એવું કબુલ્યું હતું કે હું વિનયનું વાહન હંકારીને જાગરણની રાતે જાસલ કોમ્પલેક્ષ પાસે આવ્યો હતો. પાછળ વિનય બેઠો હતો. પાણીનું ખાબોચીયુ ભરેલુ હોઇ અચાનક આગલી બ્રેક મારતાં વાહનનો પંખો આકાશને અડી જતાં તેણે મને ગાળો દઇ ચારેક લાફા મારી લીધા હતાં. એ પછી વિનય આકાશને ઓળખતો હોઇ સમાધાનની વાતચીત થઇ ગઇ હતી. પરંતુ મને લાફા પડ્યા હોઇ તે ન ગમતાં મેં અંકિત ઉર્ફ અંકિજ અને ફૈઝલને બોલાવ્યા હતાં અને બાદમાં આકાશ પર હુમલો કર્યો હતો.

પોલીસે હત્યામાં વપરાયેલી છરી કબ્જે કરી છે. હત્યા બાદ નવાબ ઉર્ફ શહેઝાદ અને અંકિત ઉર્ફ અંકિજ એકટીવામાં  બેસી જુનાગઢ તરફ, ફૈઝલ જામનગર તરફ અને વિનયને પણ થોડી ઇજા થઇ હોઇ ખોડિયારપરામાં સગાને ત્યાં રોકાઇ સવારે ત્યાંથી જામનગર ભાગી ગયો હતો. એ પછી ચારેય રવિવારે સાંજે જામનગર રોડ સાંઢીયા પુલ પાસે હવે શું કરવું? તેની ચર્ચા કરવા અને એક સાથે ભાગી જવા માટે ભેગા થયા ત્યારે બાતમી પરથી ચારેયને પકડી લેવાયા હતાં. ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા હોઇ વિશેષ તપાસ થઇ રહી છે.

(4:07 pm IST)