Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રાજકોટમાં વિજળી બે પરિવારો માટે વેરણ બની...છ બહેનના એક જ ભાઇ અને ત્રણ બહેનના એકના એક ભાઇના જીવ ગયા

ધોધમાર વરસાદ વચ્ચે હરકોઇના હૈયા હરખાયા....તો બીજી તરફ બે પરિવારો પર માતમના વાદળો વરસ્યા : મુળીનો કુંભાર યુવાન હરેશ રાઠોડ (ઉ.૧૯) રાજકોટ રહી નર્સિંગનો અભ્યાસ કરતો'તોઃ બહેન-બનેવી ભાણેજ સાથે રવિવારીમાં આટો મારવા ગયો ને કાળ ભેટ્યોઃ પાંચ વર્ષના ભાણેજ સિધ્ધાર્થને સારવાર માટે દાખલ કરવો પડ્યો : નવાગામમાં કોળી યુવાન યોગેશ ડાભી ઘરમાંથી ગાયો માટે લીલુ લેવા ખેતરના શેઢે ગયો ને વિજળી પડતાં જીવ ગયોઃ બે માસની દિકરી અને ૪ વર્ષના પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું: પરિવારજનોમાં ગમગીની

વિજળી જેને ભરખી ગઇ તે કુંભાર યુવાન હરેશ રાઠોડ તથા કોળી યુવાન યોગેશ ડાભીના ફાઇલ ફોટો અને બચી ગયેલો હરેશનો પાંચ વર્ષનો ભાણેજ સિધ્ધાર્થ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૨: ખુબ લાંબા સમયની રાહ જોયા પછી રવિવારે સાંજે રાજકોટમાં બેફામ વરસેલા વરસાદે સોૈ કોઇને ખુશ કરી દીધા હતાં....તો બીજી તરફ બે પરિવારો માટે ભારે વરસાદ વચ્ચે વિજળી વેરણ બની ગઇ હતી. મુળ મુળીના અને હાલ રાજકોટ રહી નર્સિંગનો અભ્યાસ કરતાં ૧૯ વર્ષના ગુર્જર કુંભાર યુવાન અને તેના પાંચ વર્ષના ભાણેજ પર આજીડેમ પાસે રવિવારી બજારના મેદાનમાં વિજળી પડતાં કુંભાર યુવાનનું મોત થયું હતું અને તેના ભાણેજને સારવાર માટે દાખલ કરવો પડ્યો હતો. બીજા બનાવમાં નવાગામમાં લાલપરી નદી કાંઠે વાડીમાં રહેતો ૨૫ વર્ષનો કોળી યુવાન ગાયો માટે લીલુ લેવા વાડીના શેઢે જતાં વિજળી ત્રાટકતાં મોત થયું હતું. બંને બનાવની કરૂણતા એ છે કે કુંભાર યુવાન છ બહેનનો એક જ વીરો હતો અને કોળી યુવાન ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો.

પ્રાપ્ત માહિતી મુજબ મુળી કુંભારપરામાં રહેતો અને રાજકોટ મોરબી રોડ પર વેલનાથપરા સામે કૈલાસ પાર્કમાં રહી નર્સિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હરેશ ચકુભાઇ રાઠોડ (ઉ.૧૯) નામનો ગુર્જર કુંભાર યુવાન મુળીના સરા ગામેથી રાજકોટ મોરબી રોડ પર રહેતાં અન્ય બહેનના ઘરે મુળીથી માતા, બહેન, બનેવી સહિતના ઘી આપવા આવ્યા હોઇ પોતે રીટાબેન, બનેવી સુખદેવભાઇ તથા તેના દિકરા સિધ્ધાર્થ સુખદેવ ટાંક (ઉ.૫) સાથે સાંજે છએક વાગ્યા આસપાસ આજીડેમ પાસે રવિવારી બજારમાં આટો મારવા ગયો હતો. ત્યારે ભારે વરસાદ ચાલુ થઇ જતાં અને વિજળી ત્રાટકતાં હરેશ તથા ભાણેજ સિધ્ધાર્થ બેભાન થઇ જતાં બંનેને સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મામા હરેશનું મોત નિપજ્યું હતું. જ્યારે ભાણેજ સિધ્ધાર્થને સારવાર માટે દાખલ કરાયો હતો.

હરેશ છ બહેનનો એકનો એક ભાઇ હતો. તેના પિતા ખેત મજૂરી કરે છે. માતા-પિતાએ એકનો એક અને આશાસ્પદ કંધોતર ગુમાવતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. આજીડેમના પી.એસ.આઇ. આર. બી. વાઘેલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં નવાગામ લાલપરી નદી કાંઠે રહેતો અને કારખાનામાં નોકરી કરવા ઉપરાંત ખેતીવાડીનું કામ પણ કરતો યોગેશ મેપાભાઇ ડાભી (ઉ.૨૫) નામનો કોળી યુવાન સાંજે ભારે વરસાદ ચાલુ હોઇ ઘરમાંથી વાડીના શેઢે ગાયો માટે લીલુ લેવા ગયો હતો. તે વખતે જ વિજળી ત્રાટકતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. કુવાવાના પીએસઆઇ એન. જે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

યોગેશ ત્રણ બહેનનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો એક જ આધાર હતો. તેના માતાનું નામ બાલુબેન અને પિતાનું નામ ભુપતભાઇ છે. પત્નિનું નામ સોનુ છે.  યોગેશના મોતથી બે માસની દિકરી તન્વી તથા ચાર વર્ષના પુત્ર અભયએ પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો હતો.  આમ રાજકોટમાં ધોધમાર વરસાદ વચ્ચે સોૈ કોઇના હૈયા હરખાઇ રહ્યા હતાં ત્યારે બે પરિવારો પર માતમના વાદળો છવાયા હતાં.

(4:15 pm IST)