Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કોરોના વિષે ઇન્ટરનેશનલ ઓનલાઇન આર્ટ કોમ્પીટીશન

દેશ-વિદેશમાંથી કલાકારોએ કલા પ્રસ્તૃત કરી ૨૭૯ને ઇ-ર્સ્ટીફીકેટ મોકલાયા

રાજકોટઃ વિશ્વ જયારે નોવેલ કોરોના વાઇરસની ઝપેટ માં આવી ગયેલ છે. સેંકડો દેશ માં લોક ડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે તેવા મહામારીના સમયમાં કલાકારોનો જુસ્સો જાળવી રાખવા, તેનું સર્જન આ કપરાં સમયમાં પણ જળવાઈ રહે તે હેતુથી  ગીર વેલી આર્ટીસ્ટ વિલેજ, આકોલવાડી-ગીર દ્વારા કોવિદ-૧૯ વિષય આધારિત 'ઇન્ટરનેશનલ ઓનલાઈન આર્ટ કોમ્પીટીશન'  સામાજીક અંતર દ્વારા શૂન્યથી કોઈપણ ઉંમરની વ્યકિત ભાગ લઈ શકે તે રીતે કલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિશ્વના સાત દેશો જેવાકે કેનેડા, યુકે, ફ્રાન્સ, યુક્રેઇન, યુએઈ, મોન્ટેનેગ્રો, ઈરાન, ઈજીપ્ત, ઈઝરાઈલ તેમજ ભારતના ૨૧ રાજયોના ૫૭૮ નામી-અનામી કલાકારો, કલા અભ્યાસુઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કલાકારોએ પોતાની અભિવ્યકિત પેઈન્ટિંગ, ડ્રોઈંગ, કાર્ટુન, પોસ્ટર, ડિઝીટલ, સ્કલ્પચર, રંગોળી દ્વારા કરી હતી. જુદાજુદા શહેરો-દેશોમાં રહેતાં નામી કલાકારોને નિર્ણાયક તરીકેની જવાબદારી સોંપી હતી જેઓએ સ્પર્ધકોને ચાર વિભાગમાં વહેંચી ૧૨૫ બેસ્ટ એન્ટ્રી અને ૧૪૩ સિલેકટેડ એન્ટ્રી એમ બે ભાગમાં કલાકૃતિની યાદી બનાવી હતી.  આ ઉપરાંત ૧૧ સ્થાપિત વરિષ્ઠ કલાકારો જેમાં ફ્રાન્સ ના સ્કાર્લા વોન્ગ, કેનેડા ના રાજેન્દ્ર મહિડા, મુંબઈ ના ગાયત્રી મેહતા , કલકતાના સંજય મિત્રા, અમદાવાદના દેવેન્દ્ર ખત્રી, કુમાર ચૌહાણ, સ્વાતિ પરીખ અને વૈશાલી ભાવસાર તેમજ વડોદરાના અતુલ પડિયા, રાજેશ પટેલ અને શૈલેષ પટેલને આમંત્રણ આપવામાં આવેલ આમ સ્પર્ધાના અંતે કુલ ૨૭૯ કલાકારોની પસંદગી થતાં તેઓને ઈ-સર્ટીફીકેટ મોકલવામાં આવ્યા હતાં. સમગ્ર સ્પર્ધાનું આયોજન ગુજરાત કલા-ગૌરવ પુરસ્કૃત શિલ્પકાર કૃષ્ણ પડિયા અને  ચિત્રકાર ઉમેશ કયાડા મો.૮૮૬૬૦૦૫૫૦૨ દ્વારા કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:51 pm IST)