Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

હવે નવેસરથી કારખાનેદારો - બિલ્ડરોને દોડાવતુ કલેકટર તંત્ર...

ઓનલાઇનને બદલે જે તે પ્રાંત સમક્ષ ત્રણ પાનાનું ફોર્મ ભરો ત્યાં જ મંજૂરી મેળવી સાઇટો ચાલુ કરો : મોડી રાત્રે નિર્ણય લીધો : ઉદ્યોગપતિઓ - બિલ્ડરો હેરાન પરેશાન : દેકારો બોલી ગયો : ઓનલાઇન અરજીમાં ૯૫ ટકાએ બાંહેધરી પત્ર નહિ આપતા અરજીઓ રીજેકટ : આ ત્રણ પાનાના ફોર્મમાં જે તે માલીક - તેનો સ્ટાફ - બસ વાન હોય તે સહિતની બધી વિગતો આવરી લેતું તંત્ર : લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટે આ સરળ ફોર્મ ડીકલેર કરાયું : પરિમલ પંડયા

રાજકોટ તા. ૨૨ : કોરોના સંક્રમણને રોકવા રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન ઉદ્યોગો - બાંધકામો અને અન્ય જરૂરી વેપાર - ધંધા શરૂ કરવા હળવી છુટ આપવામાં આવી રહી છે જે અંતર્ગત ગઇકાલથી કલેકટર કચેરી દ્વારા ઓનલાઇન મંજુરીની પ્રક્રિયા શરૂ કરાયેલ. જેમાં ૯૦૦ જેટલા કારખાનાઓ તથા ૮૦૦ જેટલી બાંધકામ સાઇટોની મંજુરી માટે ઓનલાઇન મંગાઇ હતી પરંતુ હવે કલેકટર તંત્રએ બિલ્ડરો અને ઉદ્યોગો માટે કલેકટર તંત્રએ નવેસરથી મંજુરીની પ્રક્રિયા શરૂ કરતા હવે ફરીથી ત્રણ પાનાનું ફોર્મ ભરીને બિલ્ડરો અને ઉદ્યોગકારોએ પ્રાંત કચેરીએથી રૂબરૂ મંજુરી મેળવવી પડશે જેના કારણે જબરી દોડધામ મચી છે.

આ અંગે કલેકટર તંત્રનાં સૂત્રોના જણાવ્યા મુજબ શહેર જિલ્લાના ઉદ્યોગ - કારખાના અને બાંધકામો શરૂ કરવા માટે ૧૦થી વધુનો સ્ટાફ ધરાવતા કારખાનેદારોએ પ્રાંત કચેરીમાં ત્રણ પાનાનું ફોર્મ ભરી સ્ટાફની બસની વ્યવસ્થા, બાંધકામ સાઇટના મજુરોની સ્થિતિ વગેરે માટે બાંહેધરી પત્રકો આપી રૂબરૂ મંજુરી મેળવવી પડશે.

દરમિયાન ગઇકાલ સુધીમાં શાપર - વેરાવળ સહિતના ૭૦૦ જેટલા કારખાનેદારો બાંહેધરી પત્રકો આપી દીધા છે પરંતુ હવે તેઓએ નવેસરથી મંજુરી પ્રક્રિયા માટે દોડધામ કરવી પડશે.

જોકે ઉદ્યોગકારો - બિલ્ડરો તેઓના એસોસીએશન મારફત પણ સામૂહિક રીતે મંજુરી પ્રક્રિયા કરી શકશે તેવી છુટ તંત્રએ આપી છે.

અત્રે નોંધનિય છે કે ગઇકાલ સુધીમાં ૧૫૦૦૦ લોકોએ મંજુરી માટે એપ્લીકેશન કરી છે પરંતુ પુરાવાના અભાવે મોટાભાગની અરજીઓ નામંજુર થઇ છે.

(3:21 pm IST)