Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કર્ફયુગ્રસ્ત વિસ્તારના સગર્ભા બહેનો માટે જંગલેશ્વરમાં કાલથી ગાયનેકોલોજિસ્ટની સેવા

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા તાકીદે વ્યવસ્થા કરાવાઇ

રાજકોટ, તા. રર : કોરોના વાયરસના પોઝીટીવ કેસો મળવાના સંજોગોમાં રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારને કર્ફયુગ્રસ્ત જાહેર કરેલ છે. આ સ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારના સગર્ભા બહેનોને જરૂરીયાત મુજબની તબીબી સેવાઓ વિના વિધ્ને મળી રહે તેવા આશયથી આ એરીયામાં જ આવેલા પ્રણામી ચોક ખાતેના અર્બન હેલ્થ સેન્ટર ખાતે નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ તબીબની સેવાઓ ઉપલબ્ધ બનાવવાની વ્યવસ્થા કરી છે. આવતીકાલે તા. ર૩ થી આ આરોગ્ય કેન્દ્ર ખાતે ગાયનેકોલોજિસ્ટ સગર્ભા બહેનોના નિદાન સારવાર સહિતની સેવાઓ આપશે. તેમ મ્યુનિ. કમિશનર ઉદતિ અગ્રવાલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, કર્ફયુગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારના નાગરિકો ઘરની બહાર ન નીકળે અને લોકડાઉન તથા કર્ફયુના નિયમોનું ચૂસ્ત પાલન કરે તે વર્તમાન સમયની માંગ છે. સ્વાભાવિક રીતે જ ઇમરજન્સી મેડીકલ પરિસ્થિતિમાં પણ લોકોને આ એરીયામાં જ તબીબી સેવાઓ ઉપલબ્ધ બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. નાગરિકોના સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે જ આ સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે લોકો પણ તેમાં પોતાનું પુરેપુરૂ યોગદાન તે જરૂરી છે. લોકોની સગવડતા સાચવવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીવિલ હોસ્પિટલ અને પદ્મકુંવરબા હોસ્પિટલના નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ તબીબની સેવાઓ જંગલેશ્વર પ્રણામી ચોક ખાતે આવેલા શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે આવતીકાલ તા. ર૩-૪-ર૦ર૦થી ઉપલબ્ધ બનાવી છે.

(3:20 pm IST)