Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કોરોનાની મહામારીમાં વિશ્વ આખુ એક થયુ છે ત્યારે સંજય ગઢીયાએ લોકોમાં ભય ફેલાય તેવો વિડીયો મુકી ખોટી અફવા ફેલાવીઃ ધરપકડ

હું સંજય ગઢીયા રાજકોટથી બોલુ છું...ભારતમાં કોરોનાનો એકેય કેસ નહોતો, એરપોર્ટ પર આવેલા વિદેશીઓ-એનઆરઆઇને કવોરન્ટાઇન કર્યા'તા તો કયાંથી કોરોના આવ્યો?...શરૂઆતમાં સ્કેનિંગ કરાવામાં આવ્યું તો શહેરો-ગામડાઓમાં કયાંથી કોરોના આવ્યો...સરકાર ખોટુ જણાવે છે...એવો વિડીયો વહેતો કરતાં કાર્યવાહીઃ રાત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના લોકઅપમાં વિતાવી તા. ૩/૩ના રોજ બે કોમ ભડકી ઉઠે અને વર્ગ વિગ્રહ ફેલાય તેવી પોસ્ટ, તા. ૫/૩ના સુરતીઓ સાવધાન...નામે, અને ૬/૩ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિરૂધ્ધ અત્યંત હિન શબ્દોવાળી પોસ્ટ મુકી ડિલીટ કરી નાંખીઃ જાગૃત નાગરિક દિવ્યેશ રામાણીએ સ્ક્રીન શોટથી ફોટા પાડી પોલીસ સમક્ષ રજૂ કરતાં કાર્યવાહીઃ ૧૪/૪એ કોરોનાને લગતો વિડીયો મુકી ન બોલવાનું બોલતાં કડક કાર્યવાહી

 રાજકોટ તા. ૨૨: જામનગર રોડ પર સત્યમ્ શિવમ્ સુંદરમ્ પાર્કમાં રહેતાં અને સોશિયલ મિડીયા થકી હમેંશા કોઇને કોઇ બાબતે વિવાદમાં રહેતાં સંજય ગઢીયાએ કોરોના જેવી મહામારીમાં વિશ્વ આખુ એક થઇને લડી રહ્યું છે ત્યારે પણ સખણા ન રહી પોતાના ફેસબૂક પર વિડીયો પોસ્ટ કરી મહામારીમાં ભારત સરકાર તમામ પ્રકારનું માર્ગદર્શન આપી જરૂરી સારવાર આપતી હોવા છતાં કોરનાને લગતી ખોટી અફવા ફેલાવી લોકોમાં ભય અને ગભરાહટ ફેલાય તેવી વાતો કરતાં તેમજ અગાઉના કેટલાક દિવસોમાં પણ અલગ-અલગ પોસ્ટ મુકી લોકોની ધાર્મિક લાગણી દુભાય અને બે કોમ વચ્ચે દૂશ્મનાવટ ઉભી થાય તેવું કૃત્ય કરતાં પોલીસે તેની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે.

ગાંધીગ્રામ પોલીસે આ અંગે કુવાડવા રોડ પર હરિદર્શન રેસિડેન્સી બંગલા નં. ૫ શેરી નં. ૧માં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં દિવ્યેશ પરષોત્તમભાઇ રામાણી (ઉ.૨૮) નામના પટેલ યુવાનની ફરિયાદ પરથી જામનગર રોડ પર સત્યમ્ શિવમ્ સુંદરમ્ પાર્કમાં રહેતાં સંજય વસનજીભાઇ ગઢીયા (ઉ.વ.૪૫) સામે આઇપીસી ૧૫૩ (ક), ૨૯૫, ૫૦૫ (૧) (ખ) મુજબ જાહેર જનતામાં આક્રોશ ફેલાય અને વર્ગ વિગ્રહ સર્જાય તેવા વાંધાજનક મેસેજ, વિડિયો સોશિયલ મિડીયામાં પોસ્ટ કરી વાયરલ કરી સુલેહ શાંતિ ડહોળાય તેવા પ્રયાસો કરવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

દિવ્યેશ રામાણીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું મારા નામથી ફેસબૂકમાં એકાઉન્ટ ધરાવું છું અને નિયમિત રીતે ફેસબૂક જોતો રહુ છું. જેમાં સંજય ગઢીયા નામના વ્યકિતએ પોતાના ફેસબૂક આઇડી 'Sanjay Gadhia' પર મુકેલ વિડીયોમાં રાજકોટનો રહેવાસી છું તેવું તે જણાવે છે અને તે તેના ફેસબૂક એકાઉન્ટમાં લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા તથા અલગ-અલગ કોમ વચ્ચે દૂશ્મનાવટ ફેલાય તેવી પોસ્ટ મુકે છે.

હાલમાં સમગ્ર વિશ્વ અને ભારત દેશમાં કોવિડ-૧૯ કોરોના વાયરસ ફેલાયો હોઇ અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ કોરોનાને મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારી અંતર્ગત જ દેશમાં લોકોની સુરક્ષા અને સલામતિ તથા જાહેર શાંતિ જળવાઇ રહે તે માટે કોઇપણ વ્યકિત ખોટી અફવા ન ફેલાવે તે માટે થઇ કેન્દ્ર સરકારે તથા રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. તે અનુસંધાને કોઇપણ વ્યકિત આ મહામારીનો લાભ લઇ જાહેર જનતામાં આક્રોશ ફેલાય અને વર્ગ વિગ્રહ થાય તેવા વાંધાજનક મેસેજ, પોસ્ટ, વિડીયો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી વાયરલ કરી શકતાં નથી.

આમ છતાં સંજય ગઢીયાએ પોતાના ફેસબૂક પ્રોફાઇલ પર તા. ૧૪/૦૪/૨૦૨૦ના સાંજે ૦૮:૧૦ વાગ્યે એક વિડીયો અપલોડ કરેલ. જે વિડીયો કલીપમાં 'હું રાજકોટથી સંજય ગઢીયા બોલુ છું' તેમ જણાવી તે આગળ કહે છે કે-ભારતમાં એકપણ કોરોનાનો કેસ નહોતો, એરપોર્ટ પર આવેલા વિદેશીઓ એનઆરઆઇ લોકોને જે તે વખતે કવોરન્ટાઇન કર્યા હોય તો કોરોના વાયરસ કેવી રીતે આવ્યો? કોરોના વાયરસ ભારતમાં નહોતો ત્યારથી સ્કેનિંગ કરવામાં આવેલ છે તેવું સરકાર દ્વારા ખોટુ જણાવવામાં આવે છે. જો શરૂઆતમાં સ્કેનિંગ કરવામાં આવેલ હોત તો કોરોના વાયરસ શહેરો અને ગામડાઓમાં કેવી રીતે પ્રસરી રહેલ છે? આવું તથા અન્ય વાંધાજનક જણાવે છે.

ફરિયાદમાં આગળ જણાવાયું છે કે સંજય ગઢીયાએ અગાઉ પણ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા તથા અલગ-અલગ કોમ વચ્ચે દુશ્મનાવટ ફેલાય તેવી પોસ્ટ મુકી હતી. જે મારા (દિવ્યેશ રામાણીના) ધ્યાને આવેલ. જેમાં  (૧) નરેન્દ્ર  રાજમાં વધુ એક યશ બેંકના ઉઠમણા, અમુક મુર્ખ હિન્દુ ખાસ વાંચે...૯૫ ટકા હિન્દુઓના રૂપિયા ચોકીદાર ચોરી કરી ગયો લિ. સંજય ગઢીયા (તા.૦૬/૦૩/૨૦૨૦) (૨) ભાજપના ૨૨ મોટા-મોટા મોટા નેતાઓએ પોતાની દિકરીઓ-બહેનોને ધામધમુથી જે  યુવાનો સાથે લગ્ન કરાવ્યા છે તે જો આ યુવાનો સાથે પોતાની બહેન દિકરીઓના છુટાછેડા કરાવી દે તો હું સંજય ગઢીયા પણ તેનો આર્થિક બહિષ્કાર કરીશ તથા ૧૦૦ ટકા ભાજપમાં જોડાઇ જઇશ લી. સંજય ગઢીયા (તા. ૦૩/૦૩/૨૦૨૦), (૩) સુરતીઓ સાવધાન સાવધાન આધારભુત માહિતી મુજબ ભાજપ સુરતમાં પણ દિલ્હીની જેમ કોન્ટ્રાકટ બેઝ પર તોફાનો કરાવવા જઇ રહી છે (તા. ૦૫/૦૩/૨૦૨૦) સહિતની પોસ્ટ મુકી હતી. જે પોસ્ટ્સ હવે તેના એકાઉન્ટમાંથી ડિલિટ કરી નાંખી છે. જેના મેં મારા મોબાઇલ ફોનમાં સ્ક્રીન શોટ લઇ લીધા હતાં જે મેં પોલીસ સમક્ષ રજુ કર્યા છે.

છેલ્લે સંજય ગઢીયાએ પોતાની ફેસબૂક પ્રોફાઇલ પર ૧૪/૪ના રોજ વિડીયો કલીપ પોસ્ટ કરી સરકાર દ્વારા કોરોના વાયરસ રોગની જરૂરી ગાઇડ લાઇન તેમજ જરૂરી સારવાર આપવામાં આવતી હોવા છતાં કોરોના વાયરસને લગતી ખોટી અફવાઓ ફેલાવી કોરોના મહામારીમાં લોકોમાં ભય, ગભરાહટ પેદા કરે તેવા વિડીયો ફેસબૂકમાં અપલોડ કર્યા છે. આ ઉપરાંત અલગ-અલગ સમયે લોકોની ધાર્મિક લાગણી દુભાય અને બે કોમ વચ્ચે દુશ્મનાવટ પેદા થાય અને સુમળ શાંતિનો ભંગ થાય તેવા કૃત્ય તેણે કર્યા છે. જેથી મેં ફરિયાદીએ જાગૃત નાગરિક તરીકે તેની સામે ધોરણસર થવા ફરિયાદ કરી છે.

આ ફરિયાદની તાકીદે તપાસ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ સુચના આપતા એસીપી પી. કે. દિયોરાના માર્ગદર્શનમાં ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. હીરાભાઇ રબારી, રશ્મિનભાઇ પટેલ, ખોડુભા જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, હાર્દિકસિંહ પરમાર, દિગ્વીજયસિંહ ગોહિલ, શૈલેષભાઇ પટેલ, બ્રિજરાજસિંહ ઝાલા, દિનેશભાઇ વહાણીયા, હિતુભા ઝાલા, કનુભાઇ બસીયા, કોન્સ. ભુમિકાબેન સોલંકી સહિતે તપાસ કરી સંજય વસનજીભાઇ ગઢીયાની ધરપકડ કરી લીધી છે. તેણે રાત લોકઅપમાં વિતાવી હતી.

(11:41 am IST)