Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

એપ્રિલમાં સિન્ડીકેટની ચૂંટણીઃ મલાઇદાર પદ માટે ભાગબટાઇ શરૂ

૮ બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના વગદારો-ધંધાદારી શિક્ષણકારોએ હાથ મીલાવ્યા : ચુંટણીથી ફફડતા ઉમેદવારોએ તડજોડ કરીને બેઠક વહેચવા ગણીત માંડયાઃ મેહુલ રૂપાણી, નેહલ શુકલ, ભાવીન કોઠારી, ધરમ કાંબલીયા, હરદેવસિંહ જાડેજા, રાજેશ કાલરીયા, ભરત રામાનુજ સહીતના મુરતીયાઓના નામ ચર્ચામાં

રાજકોટ, તા., રરઃ સૌરાષ્ટ્રનું ઉચ્ચ શિક્ષણધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણીક સિધ્ધીને બદલે રાજકીય ક્ષેત્રે ખુબ ચર્ચામાં રહે છે. તમામ ક્ષેત્રે સ્પર્ધા-વિવાદ ચાલે છે. પરંતુ છેલ્લા એક દાયકાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ ભાજપના વગદાર-ધંધાદારી કહેવાતા કેળવણીકારો વચ્ચે સતાની ભાગીદારીથી વહીવટ ચાલતો આવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સર્વોચ્ચ સતાનું કેન્દ્ર ગણાતુ સીન્ડીકેટ. સીન્ડીકેટની આઠ બેઠકો માટે એપ્રીલ માસના પ્રથમ સપ્તાહમાં જાહેરનામું પ્રસિધ્ધ થશે. સીન્ડીકેટની ચુંટણી માટે તમામ તૈયારીઓ પરીપુર્ણ થઇ છે.

સીન્ડીકેટની કુલ આઠ બેઠકોની ચુંટણી યોજાવાની છે. જેમાં જનરલ વિભાગની પ અને કોલેજ પ્રિન્સીપાલ વિભાગની ર અને એક ટીચર્સ વિભાગની બેઠક ઉપર ચુંટણી યોજાવાની છે.

જનરલ બેઠક ઉપર ડો.ભાવીન કોઠારી, નેહલ શુકલ, ભરત રામાનુજ, પ્રતાપસિંહ ચૌહાણની સામે કોંગ્રેસ તરફે હરદેવસિંહ જાડેજાનું નામ ચર્ચામાં ચાલે છે. પ્રિન્સીપાલ બે બેઠકો ઉપર કોંગ્રેસમાંથી ધરમ કાંબલીયા, તો ભાજપમાંથી ડો. રાજેશ કાલરીયાના નામથી ચર્ચા ચાલે છે. તો ટીચર્સ વિભાગમાંથી એક માત્ર મેહુલ રૂપાણીનું નામ ચાલે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચુંટણી હોય કે કોઇ કાર્ય હોય તેમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો પહેલા પોતાનું હિત સાચવીને કામ કરતા હોવાની છાપ સમાજમાં પ્રવર્તે છે. ભાજપ-કોંગ્રેસના આગેવાનો સતાની વહેંચણી કરીને ભાગીદારીથી વહીવટ કરતા હોવાની વ્યાપક ચર્ચા છે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરૂ ગઇ નેક કમીટીએ 'નાક' વાઢી નાખ્યુ તો પણ આ ભાજપ-કોંગ્રેસના સીન્ડીકેટ સભ્યોએ પોતાનું અંગત હીત જોખમમાં ન આવે તે માટે કોઇ કાંઇ બોલ્યુ નહી. સીન્ડીકેટ સભ્યોનાં આ વલણની ભારે ટીકા થઇ હતી.

હાલ સીન્ડીકેટની ચુંટણી બીનહરીફ કરાવવા ભાજપ-કોંગ્રેસ દ્વારા રીતસર ભાગબટાઇ શરૂ કરી હોવાની વ્યાપક ચર્ચા ચાલે છે.

 

૫ વર્ષ જુના કેસમાં પડધરી સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલે હાજરી આપી

રાજકોટઃ પાંચ વર્ષ જુના એક કેસમાં આજે રાજકોટ જીલ્લાની પડધરી સેશન્સ કોર્ટમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે હાજરી આપી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

(5:13 pm IST)