Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

રેશનકાર્ડ ધારકોને હલકા ઘઉં વિતરણ થતા મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષા લાલઘુમ

દુકાનદારોના મનસ્વી વિતરણની ફરીયાદ બાબતે પગલા લ્યોઃ ગાયત્રીબાની ઉગ્ર માંગ

રાજકોટ, તા. ૨૨ :. શહેરમાં રેશનકાર્ડ ધારકોને હલકી ગુણવત્તાના ઘઉંનુ વિતરણ થતુ હોવાની ફરીયાદો ઉઠતા પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ જીલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવીને આ બાબતે તાત્કાલીક યોગ્ય પગલા લેવા ઉગ્ર માંગ ઉઠાવી હતી.

આ આ વેદનમાં ગાયત્રીબાએ જણાવેલ કે રાજકોટ શહેરમાં જુદી જુદી કેટેગરીના રાશનકાર્ડ ધારકો પૈકીના એપીએલ-બીપીએલ, અંત્યોદય કે પછી મળવાપાત્ર લાભાર્થીઓની કેટેગરીમાં આવતા રાશનકાર્ડ ધારકોને છેલ્લા ત્રણ-ચાર માસથી તેઓને જે મળવાપાત્ર નિયત કરેલો જથ્થો કે જેમા માસિક સાડા સત્તર (૧૭.૩૦) કિલો ઘઉં અને સાડા સાત (૭.૩૦) કિલો ચોખાનો જથ્થો દુકાનદારો દ્વારા સમય મર્યાદામાં આપવામાં આવતો નથી. તેમજ આ જથ્થો ઘણીવાર છેલ્લા ત્રણ માસમાં કયારેક ૧૦ કિલોગ્રામ ઘઉં તેમજ ત્રણ (૩) કિલોગ્રામ ચોખા આપી દેવામાં આવે છે. એમા પણ ખાસ કરીને પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવતા ઘઉં અત્યંત નીચી ગુણવત્તાના હોય છે જે બાબતે લાભાર્થીઓ દ્વારા જે તે સસ્તા અનાજની દુકાનધારકોને રજૂઆત કરતા તેમના દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે સરકારના પુરવઠા વિભાગ દ્વારા આ જ પ્રકારની ગુણવત્તાવાળુ અનાજ અમોને પહોંચાડવામાં આવ્યુ છે અને સરકારની સૂચના મુજબ કાર્ડધારકોને આ જ પ્રમાણેની માત્રામાં વિતરણ કરવામાં આવશે અને તમારે કોઈ ફરીયાદ હોય તો પુરવઠા વિભાગને રજૂઆત કરી શકો છો.

આ ઉપરાંત સસ્તા અનાજની દુકાન ધારકો દ્વારા દુકાન ખોલવાનો તેમજ બંધ કરવાનો કોઈ નિયત સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી અને માત્ર સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે.

ત્યારે સરકારની આ યોજનાનો લાભાર્થી મધ્યમ અને ગરીબ પરિવારના હોય છે તેઓ કામ ધંધા અર્થે મજુરી કામ પણ કરતા હોય છ ેત્યારે તેમને મળતુ અનાજ તેની ગુણવત્તા અને મળવાપાત્ર અનાજના જથ્થા સાથે વારંવાર છેડછાડ અને સમયસર દુકાન ખુલ્લી ન રાખી મનસ્વી રીતે વર્તન કરતા દુકાનદારો સામે પુરવઠા વિભાગ દ્વારા ટીમ બનાવી છેલ્લા છ માસની અંદર આ પ્રકારના વિતરણ વ્યવસ્થાના રેકોર્ડની ચકાસણી કરી દુકાન પ્રમાણે થોડા લાભાર્થીઓના નિવેદનો લઈ અને ખાનગી રાહે મળેલ અનાજના જથ્થાની ચકાસણી કરી પગલાઓ ભરવા અને જરૃર જણાય ત્યાં આવા દુકાનદારો સામે ઉંડી તપાસ કરી નિયમ અનુસાર કાર્યવાહી કરવા યોગ્ય કરવા માંગ છે.

(4:52 pm IST)