Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

પુષ્કર પટેલની કોઠાસુઝઃ ખોટા ખર્ચા કાઢી પ૬ કરોડની નવી યોજનાઓ મુકી

આવકના લક્ષ્યાંકો વધાર્યા વગર બજેટનાં કદમાં ૧પ.૪૪ કરોડનો વધારો કર્યો

રાજકોટ, તા., ૨૩: મ.ન.પા.નું વર્ષ ર૦ર૧-રરનું બજેટ આજે સ્ટેન્ડીંગ કમીટીએ મંજુર કરેલા બજેટનાં કદમાં ૧પ.૪૪ કરોડનો વધારો કરાયો છે. સભ્યો-સાથ પ૬ કરોડની નવી યોજનાઓ પણ ઉમેરાઇ છે. પરંતુ આ ફેરફારથી બજેટની આવક બાજુએ કોઇ જ મોટા ફેરફારો કરાયા નથી. કેમ કે આવકનાં લક્ષ્યાંકો ખોટી રીતે વધારીને નવી યોજનાઓ ઉમેરવામાં આવે છે તે બાબત અવાસ્તવીક સાબીત થાય છે. ત્યારે અનુભવી ચેરમેન પુષ્કર પટેલે તેઓના અનુભવ અને કોઠાસુઝનો પુરો ઉપયોગ કરી બજેટમાં મ્યુ.કમિશ્નરે સુચવેલા કેટલાક ન થઇ શકે તેવા અને કેટલાક કરકસર થઇ શકે તેવા ખર્ચાઓ કાઢી નાખીને બજેટનું કદ વધારી અને નવી યોજનાઓની જોગવાઇ કરી છે.

બજેટમાં કરેલા આ ફેરફારો અંગે વિસ્તૃત વિગતો આપતા ચેરમેન શ્રી પુષ્કર પટેલે જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષના બજેટમાં ૭ કરોડની બચતવાળી રકમનો ઉપયોગ આ નવા બજેટમાં લેવાયો છે.  તેવી જ રીતે એસ્ટેટ વિભાગમાં હોર્ડીંગ્સ આવક, શોપીંગ સેન્ટર વેચાણ, જમીન ભાડાની આવકનો ૯ કરોડનો વધારો શકય છે અને પ કરોડની રકમ મહેસુલી ખર્ચાઓમાં કરકસર કરીને બચાવવાનું શકય છે.

જયારે સ્માર્ટ સીટી યોજના માટે ૧૦૦ કરોડની જોગવાઇ હતી. તેમાં રપ કરોડનો કાપ મુકી સ્માર્ટ સીટી માટે ૭પ કરોડની જોગવાઇ રખાઇ છે અને તેમાંથી બચેલા રપ કરોડ રાજકોટના અન્ય વિસ્તારોમાં મુકાયેલી યોજનાઓ માટે રખાયા છે. આવી જ રીતે અન્ય કેટલાક ખોટા ખર્ચાઓ કાઢી નાંખી નવી યોજનાઓ માટે પ૬ કરોડ ફાળવાયા છે અને બજેટનાં કદમાં પણ ૧પ.૪૪ કરોડનો વધારો શકય થઇ શકયો છે અને તે પણ આવકનાં એક પણ સ્ત્રોત જેવા કે મિલ્કત વેરો, જમીન વેચાણ, વ્યવસાય વેરો વગેરેનાં લક્ષ્યાંકમાં વધારો કર્યા વગર અને નવો કરબોજ નાંખ્યા વગર.

આમ બજેટમાં આંકડાની માયાજાળ રચવાને બદલે વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ આપવાનો પુરો પ્રયાસ થયાનો દાવો ચેરમેન પુષ્કર પટેલે આ તકે કર્યો હતો.

(4:49 pm IST)