Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

કાલે શહિદદિન નિમિતે 'વિરાંજલી' કાર્યક્રમ

વિજયભાઇ રૃપાણી અને સી.આર પાટીલના વકતવ્ય : સાંઇરામ દવે અને કિર્તીદાન ગઢવી દેશપ્રેમનો ડાયરો ડોલાવશે, રાષ્ટ્રગીતો અને પ્રસંગો પીરસશેઃ ઓનલાઇન કાર્યક્રમ

રાજકોટઃ આવતીકાલે રાત્રે ૯ વાગ્યાથી શહિદ દિન નિમિતે 'વિરાંજલી' કાર્યક્રમ ઓનલાઇન યોજાશે. વિરાંજલી સમિતિ ગુજરાત દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં સાઇરામ દવે અને કિર્તીદાન ગઢવી દેશપ્રેમનો ડાયરો ડોલાવશે. તા. ૨૩મી માર્ચ એટલે આજથી નેવું વરસ પહેલા ૨૩-૩-૧૯૩૧ના રોજ ભારતના ત્રણ યુવાન ક્રાંતિકારી ભગતસિંગ, સુખદેવ અને રાજગુરૃનો ફાંસીદિન છે. આજના દિવસે આ ત્રણ રાષ્ટ્ર ભકતોને લાહોરની ઝેલમાં ફાંસી અપાઈ હતી. જેમની સ્મૃત્તિમાં સમગ્ર રાષ્ટ્રમાં શહિદદિનની ઉજવણી સ્વેચ્છાએ કરવામાં આવે છે.

 છેલ્લા સોળ વરસથી મૂળ બકરાણા (સાણંદ)ના વતની પ્રદિપસિંહ વાઘેલા દ્વારા 'વિરાંજલી' નામનો એક વિશેષ કાર્યક્રમ ભવ્ય મેદની વચ્ચે યોજવામાં આવે છે. કોરોનાને લીધે આ વખતે આ કાર્યક્રમ તમામ સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પરથી રજૂ કરાશે. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોકસાહિત્યકાર – હાસ્યકલાકાર સાંઈરામ દવે તથા ખ્યાતનામ લોકગાયક કીર્તિદાનભાઈ ગઢવી રાષ્ટ્રભકિતના ગીતો અને પ્રસંગો રજૂ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૃપાણી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ પણ ઓનલાઈન વકતવ્ય આપશે.

 બકરાણા – સાણંદ મુકામે હજારોની મેદનીમાં આ શહિદદિન ઉજવાતો આવ્યો છે. આ કાર્યક્રમની વિશેષતા એ છે અહીં ક્રાંતિવીરોની વાત કે ગીત સિવાય બીજી કોઈ જ કૃતિ રજૂ થતી નથી. સમગ્ર કાર્યક્રમમાં સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી સાથે નિરવ રાયચૂરા, આશિષ દવે, ઉર્વષી પંડ્યા, જ્યોત્સના રાયચૂરા, ઉન્નતી જાની પણ દેશભકિત ગીતો રજૂ કરશે. મ્યુઝિક પરિમલ ભટ્ટ આપશે. તેમજ સમગ્ર ઓનલાઈન શોનું સમગ્ર આયોજન ધ વિઝયુલાઈઝરના જીતેન્દ્ર બાંધણીયાએ કરેલ છે.

 સાંઈરામ દવે ઓફિશ્યલ તેમજ કીર્તિદાન ગઢવી ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમ ત્રેવીસ માર્ચ રાત્રે નવ કલ્લાકે નિહાળી શકાશે. ભૂલાયેલા શહિદોને સ્મરણ કરાવતી 'વિરાંજલી'ને નિહાળવા માટે વિરાંજલી સમિત્તિ ગુજરાત વતી પ્રદિપસિંહ વાઘેલાએ સર્વે કલાપ્રેમી ચાહકોને અનુરોધ કરેલ છે.

(4:38 pm IST)