Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ચેક રિટર્નના કેસમાં નિલકંઠ ઇલેકટ્રીકલ્સના ભાગીદારને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

ચેક મુજબની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજા

રાજકોટ,તા. ૨૨: નિલકંઠ ઇલેકટ્રીકલ્સના ભાગીદારને ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા અને ચેક જેટલુ વળતર આપવા ફોજદારી કોર્ટે હુકમ કર્યો હતો. વધુમાં ચેક જેટલુ વળતર એક માસમાં ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના રહેવાસી સંજયભાઇ રંગાણીએ અહીંની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં એવી ફરીયાદ દાખલ કરેલ હતી કે રાજકોટ શહેરમાં ભકિતનગર સ્ટેશન પ્લોટ પાસે સત્ય વિજય આઇસ્ક્રીમ સામે આવેલ નિલકંઠ ઇલેકટ્રીકલ્સના નામથી આવેલ ઇલેકટ્રીકલ્સનો માલ સામાન વેચાણ કરવાનો ધંધો નિલકંઠ ઇલેકટ્રીકલ્સના ભાગીદારો મહેશભાઇ મેનપરા તથા અશોકભાઇ મેનપરા ચલાવી રહેલ છે. તેઓને તેમના ધંધાના કામે નાણાની જરૃરીયાત ઉપસ્થિત થતા તેઓએ સંજયભાઇ રંગાણી રહે. રાજકોટ પાસેથી રૃા. ૫,૦૦,૦૦૦ પાંચ લાખ પુરા હાથ ઉછીના લીધેલ. સંજયભાઇ રંગાણી પાસેથી મેળવેલ રકમ પરત આપવા નિલકંઠ ઇલેકટ્રીકલ્સના ભાગીદાર તરીકે અશોકભાઇ નરશીભાઇ મેનપરા (પટેલ)એ ચેક આપેલ.

આ ચેક બેંકના વસુલાત માટે રજુ થતા બેન્કે એકાઉન્ટ કલોઝના શેરાથી પરત કરેલ. ચેક રીટર્ન થતા સંજયભાઇ રંગાણીએ તેમના એડવોકેટ શ્રી નિલુશ જી.પટેલ મારફત નિલકંઠ ઇલેકટ્રીકલ્સ-ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો અશોકભાઇ પટેલ તથા મહેશભાઇ પટેલને ચેકવાળી રકમ ચુકવવા અંગેની નોટીસ આપેલ. નોટીસ આપવા છતા રકમ નહિ ચુકવતા સંજયભાઇ રંગાણીએ અહીંની ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં નિલકંઠ ઇલેકટ્રીકલ્સ તથા તેના ભાગીદારો મહેશભાઇ મેનપરા તથા અશોકભાઇ મેનપરા સામે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કામે ફરીયાદી સંજયભાઇ રંગાણીની ઉપરોકત ફરીયાદ ચાલી જતા ફરીયાદી તરફે રજુ કરવામાં આવેલ પુરાવા તથા ફરીયાદીના એડવોકેટ નિલેશ જી.પટેલની દલીલો તથા ફરીયાદ પક્ષે રજુ કરવામાં આવેલ. સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે ફરીયાદીનો પુરાવો તથા રજુઆતો ગ્રાહ્ય રાખેલ છે. નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના ગુન્હાઓ વધવાના કિસ્સાઓને કોર્ટે ગંભીરતાથી લઇ ચેક આપવા અને નાણા ન ચુકવવા અંગેના ગુન્હાને ગંભીરતાથી ધ્યાને લીધેલ છે. તેમજ નેગોશીએલ ઇન્સ્ટ્રુમેન્ટનો દુરૃપયોગ કરવાના ગુન્હાને ગંભીરતાથી લેવો જરૃરી હોવાનું માનેલ છે. તેમજ માલ સામાન લઇ અથવા તો નાણા લોન પેટે લઇ પરત ન આપવાનો બદઇરાદો ધરાવતા વ્યકિતઓને કાયદાનું ખોટુ અર્થઘટન કરતા તેમજ ચેકનો દુરૃપયોગ કરતા ગુન્હાને હળવાશથી લઇ શકાય નહિ. તેવુ માન્ય રાખેલ છે. તેમજ નિલકંઠ ઇલેકટ્રીકલ્સ તથા તેના ભાગીદાર અશોકભાઇ નરશીભાઇ મેનપરા (પટેલ) સામેનો કેસ સાબીત થયેલ છે તેવુ માની અશોકભાઇ નરશીભાઇ મેનપરા (પટેલ)ને એક વર્ષની સજાનો હુકમ ફરમાવેલ છે. તેમજ ફરીયાદીને ચેક જેટલી રકમ રૃા. ૫,૦૦,૦૦૦નું વળતર એક માસમાં ચુકવવા હુકમ ફરમાવેલ છે. તેમજ વળતરની રકમ એક માસમાં ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ ફમાવેલ છે. આ કામમાં ફરીયાદી સંજયભાઇ રંગાણી તરફથી રાજકોટના નિલેશ જી.પટેલ એડવોકેટ રોકાયેલા હતા.

(4:38 pm IST)