Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

માર્કેટીંગ યાર્ડ પાસે ભરવાડ શખ્સની થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ કાઠી શખ્સની જામીન અરજી રદ

આરોપી 'ચાર્જશીટ' બાદ જામીન પર છુટવા અરજી કરી હતીઃ કોર્ટે અરજી ફગાવી દીધી

રાજકોટ, તા., ૨૨: માર્કેટીંગ યાર્ડ પાસે ભરવાડ યુવાનના ચકચારી મર્ડર કેસમાં મુખ્ય આરોપી રવિ જેઠુરભાઇ ખાચરની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી રદ કરવાનો હુકમ રાજકોટની સેસન્સ કોર્ટે કર્યો હતો.

આ કામેની વિગત એવી છે કે રાજકોટમાં તા.૮-૮-ર૦ર૦ના રોજ જુના માર્કેટીંગ યાર્ડ પાસે ગાંઠીયાના પૈસા દેવા બાબતે ગાંઠીયાવાળા સાથે ઝઘડો કરી રહેલા રવી કાઠી સહીતના શખ્સોને ભરવાડ યુવાન દિનેશભાઇ હીરાભાઇ ફાંગલીયા સમજાવવા જતા ભરવાડ યુવાન ઉપર રવી કાઠી સહીતના શખ્સોએ પ્રાણઘાતક હથીયારોથી હુમલો કરતા હત્યા કરી નાખેલ. જે બાબતની મરણજનારના ભાઇ રામદેવભાઇ હીરાભાઇ ફાંગલીયાએ રવી કાઠી સહીતના શખ્સો ઉપર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ હતી. જે ગુન્હામાં રવીભાઇ ખાચર (કાઠી), રાહુલભાઇ હુંબલ, અજયભાઇ માનસુરીયા, સંજયભાઇ ગોહીલ વિગેરે આરોપીઓની ધરપકડ પોલીસે કરેલ હતી.

ત્યાર બાદ તમામ આરોપી પકડાઇ જતા કેશને લગતા તમામ પુરાવાઓ એકત્ર કરીને પોલીસે આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધેલ. ત્યાર બાદ આ કામના મુખ્ય આરોપી એવા રવી જેઠુરભાઇ ખાચરે ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન ઉપર છુટવા માટે રાજકોટની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જમીન અરજી દાખલ કરેલ હતી.

સરકાર પક્ષે કોર્ટને જણાવેલ કે હાલના આરોપી દ્વારા મરણજનારને છરી જેવા ઘાતક ગંભીર હથીયારથી મારી નાખવાના ઇરાદે હુમલો કરીને આરોપી રવી ખાચરે મરણજનારને વાંસાના ભાગે છરી મારી ઇજા કરી બનાવ સ્થળેથી નાસી જઇને ગંભીર પ્રકારનો ગુન્હો કરેલ છે. જેથી જામીન અરજી રદ કરવા વિનંતી કરેલ. ફરીયાદ પક્ષે મૂળ ફરીયાદી વતી તેમના જાણીતા એડવોકેટ કલ્પેશ એલ.સાકરીયા તથા રાહુલ બી.મકવાણાએ લેખીત જવાબ વાંધાઓ ફાઇલ કરેલ અને તેમાં જણાવેલ કે આરોપીએ અગાઉ પણ આવા ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુન્હાઓ કરેલ હોય અને ગુન્હાહીત ઇતિહાસ ધરાવતા હોય અને જો જામીન આપવામાં આવશે તો ફરીથી આવા  ગુન્હાઓ કરશે.

રાજકોટની સેસન્સ જજ શ્રીએ મુખ્ય આરોપી રવી જેઠુરભાઇ ખાચરની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી રદ યાને નામંજુર કરવાનો હુકમ કરેલ હતો. આ કામે મૂળ ફરીયાદી રામદેવભાઇ હીરાભાઇ ફાંગલીયા તરફે રાજકોટના એડવોકેટ કલ્પેશ એલ.સાકરીયા, રાહુલ બી.મકવાણા તથા સરકાર પક્ષે સરકારી વકીલશ્રી મહેશભાઇ એસ.જોષી રોકાયેલ હતા.

(4:37 pm IST)