Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

શહેર ક્રાઇમ બ્રાંચની ટીમોએ માસ્ક વિતરણ કર્યુઃ લોકોને સંક્રમણ સામે સાવચેત રહેવા પોલીસ કમિશનરનો અનુરોધ

એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા-પીઆઇ વી. કે. ગઢવીએ ટીમો બનાવી માસ્ક વિતરણ કર્યા

રાજકોટઃ કોરોના મહામારીનો સામનો કરતાં કરતાં એક વર્ષ પુરૂ થઇ ગયું છે. હજુ પણ આ વાયરસ કાબૂમાં આવ્યો નથી. કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકારની માર્ગદર્શિતાનું શહેર પોલીસે કડક પાલન કરાવી મક્કમતાથી ફરજ બજાવી છે. નિયમોનો ભંગ કરતાં લોકોને દંડ કરતી પોલીસે જરૂર પડે ત્યાં માનવતા પણ મહેકાવી છે. શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપીશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીએ ક્રાઇમ બ્રાંચની ટીમો બનાવી આજીડેમ ચોકડી તથા રવિવારી બજાર સહિતના સ્થળોએ જઇ જે લોકોએ માસ્ક પહેર્યા ન હોઇ તેમને માસ્ક આપ્યા હતાં. ઉપરાંત માર્ગદર્શિકાનું પાલન કરવા સમજ આપી હતી. શહેરીજનોને પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અનુરોધ કર્યો છે.

(4:28 pm IST)