Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

આત્મ તત્વ કયાં મળશે તે પ્રશ્નને ગૌણ કરી સદ્દગુરૂના શરણમાં જાવઃ સદ્દગુરૂદેવ પૂ. પારસમુની મ.સા.

વડોદરા ખાતે પૂ. શ્રીનું પ્રવચનઃ ગોંડલ ખાતે ચાતુર્માસઃ ૩૧મીએ પ્રવેશના ભાવ

રાજકોટ તા. રરઃ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશ મુનિ મ.સા.ના શિષ્યરત્ન સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ. સાહેબે સાંસ્કૃતિક નગરી વડોદરાના પ્રવચન આપતા ફરમાવેલ કે પરમાત્મા આચારાંગ સૂત્રમાં ફરમાવે છે કે ''દિવાઓ વા રાઓવા પરિતાયમાણે'' આખો લોક સમસ્ત બ્રહ્માંડ વિષય-કષાયરૂપ અગ્નિમાં દિવસ-રાત બળી રહ્યો છે.

જયારે પણ જીવ વીતરણ પરમાત્માના સાનિધ્યમાં ગયો ત્યારે હૃદયમાં સંસારની વાડી લીલીછમ રાખવાના રાયભાવને લઇને ગયો 'દુઃખ ટળો ને સુખ મળો.'

પરમાત્મા પાસે જવામાં નહિં, પણ પરમાત્મા પાસે માંગવામાં જરૂર આપણે ભૂલ્યા છીએ અને તેથી એમ કહી શકાય કે પરમાત્મા પાસે કયાં ઉદેશથી જવું એ ભૂલ્યા હોવાથી જવામાં પણ ભૂલ્યા કહેવાઇએ.

સુખનો રાય એ દશમું પાપસ્થાનક છે. તો દુઃખનો દ્વેષ અગિયારમું પાપ સ્થાનક છે. આ બંને પાપ સ્થાનકને હું પરમાત્મા પાસે જઇને પાળી પોષી મોટું કરૃં અને એને ધર્મ માનું તો કેવા પાપનો ભાગીદાર હું બનું?

પરમાત્મા પાસે શું મંગાય? પરમાત્મા પાસે જઇને પરમાત્મા થવાનું મંગાય. પરમાત્મા પાસે જવાનું છે પરમાત્મા બનવા માટે પરમાત્માપણામાં બાધક છે આત્માને વળગયેલા તમામ દોષો અને પરમાત્માપણામાં સાધક છે. આત્મામાં અપ્રગટ પહેલા તમામ ગુણો.

આમ તત્વ વ્યવહારથી સદગુરૂ સમાગમથી પ્રાપ્ત થાય અને નિશ્ચયથી તો સ્વયંના મનિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને નિર્મળ બનાવી અને તે જ્ઞાન આત્મતત્વને જાગૃત કરે તે જ્ઞાન આત્મશાન છે. આત્મતત્વ અરૂપી છે, અસંખ્યાત પ્રદેશી છે કાળ, મર્યાદા રહિત છે. આત્માનો ગુણ જ્ઞાનસંપદા છે આત્માનો સ્વભાવ સમત્વનો છે. આત્માનો ઉપયોગ જ્ઞાન-દર્શન, સાતા-દૃષ્ટાભાવ છે. આત્મા અનંતશકિતનો સ્વામી છે આત્મા અલગ અગોચર છે. આત્મા નિરંજન છે.

યાદ રહે વ્યવહારે સદગુરૂ પાસેથી મળશે અને નિશ્ચયથી તમારી સમજણ દ્વારા તત્વ તમને તમારામાંથી મળશે. આત્મતત્વ કયાં મળશે તે પ્રશ્નને ગૌણ કરી સદગુરૂના શરણમાં જાવ, તે કહું તેમ સાધનામાં લીન બની જાવ. અંદરમાં સમાઇ જાવ તમારૃં જીવન સાર્થક બની જશે.

(4:26 pm IST)